Adhyay 1, Pada 2, Verse 25-26
By-Gujju29-04-2023
Adhyay 1, Pada 2, Verse 25-26
By Gujju29-04-2023
२५. स्मयमाणमनुमानं स्यादिति ।
અર્થ
સ્મયમાણમ્ = સ્મૃતિનું વિરાટ સ્વરૂપનું વર્ણન.
અનુમાનમ્ = શ્રુતિવચનનું અનુમાન કરાવનારૂં ને વૈશ્વાનર પરમાત્મા છે એવી પ્રતીતિ કરાવનારૂં છે.
ઈતિ સ્યાત્ = એટલા માટે વૈશ્વાનર પરમાત્મા જ છે.
ભાવાર્થ
વૈશ્વાનર શબ્દપ્રયોગ સ્મૃતિગ્રંથમાં પણ જોવા મળે છે. એ શબ્દપ્રયોગ અને એને લગતા વર્ણન પરથી પરિપૂર્ણ પ્રતીતિ થાય છે કે એ વર્ણન ઉપનિષદને અનુસરીને ઉપનિષદના આધાર પર અને પરમાત્માને માટે જ કરવામાં આવ્યું છે. એટલે વૈશ્વાનર શબ્દ જઠરાગ્નિ કે જીવાત્માનો નહિ પરંતુ પરમાત્માનો જ વાચક છે.
મહાભારતના શાંતિપર્વમાં કહેવામાં આવ્યું છેઃ
यस्याग्निरास्यं धौर्मूर्धा खं नामिश्चरणौ क्षिति ।
सूर्यश्चुः दिशः श्रोत्रं तस्मै लोकात्मने नमः ॥
‘જેમનું મુખ અગ્નિ, ધુલોક મસ્તક, આકાશ નાભિ, પૃથ્વી બંને ચરણ, સૂર્ય નેત્ર ને દિશાઓ કાન છે તે સમસ્ત બ્રહ્માંડના અંતરાત્મા પરબ્રહ્મ પરમાત્માને પ્રેમપૂર્વક પ્રણામ કરૂં છું.’
મહાભારતનું એ વર્ણન ઉપનિષદને અનુસરીને ના કરાયું હોય એવું પણ બની શકે. કેટલીકવાર એક જ વિષયનાં મળતાં વર્ણનો આકસ્મિક રીતે પણ થઈ જતાં હોય છે. તો પણ એ વર્ણનમાં અને ઉપનિષદના વિશ્વરૂપ વર્ણનમાં એકરૂપતા તો છે જ. બંનેનાં વર્ણનો પરમાત્માને જ ઉદ્દેશીને કરવામાં આવેલાં છે એ નોંધપાત્ર છે.
—
२६. शब्दादिभ्योङन्तः प्रतिष्ठानाच्च नेति चेन्न तथा द्दष्टयुपदेशाद संभवात्पुरूषमपि चैनमधीयते ।
અર્થ
ચેત્ = જો.
શબ્દાદિભ્યઃ = શબ્દાદિ કારણથી અથવા બીજે ક્યાંય શબ્દ અગ્નિના અર્થમાં વિશેષ રૂપે વપરાયો છે અને આ મંત્રમાં ગાર્હપત્ય જેવા અગ્નિને વૈશ્વાનરનો અંગરૂપે કહેવામાં આવ્યા છે એથી.
ચ = અને.
અંતઃપ્રતિષ્ઠાનાત્ = ઉપનિષદમાં વૈશ્વાનરને શરીરની અંદર રહેલો કહ્યો છે એટલા માટે પણ.
ન = વૈશ્વાનર શબ્દ પરમાત્માને માટે નથી વપરાયો.
ઈતિ ન = તો એવી દલીલ બરાબર નથી.
તથા દ્દષ્ટયુપદેશાત્ = કારણ કે વૈશ્વાનરમાં બ્રહ્મદૃષ્ટિ કરવાનો ઉપદેશ આપવામાં આવ્યો છે.
અસંભવાત્ = જઠરાગ્નિનું વિરાટ સ્વરૂપનું વર્ણન શક્ય નથી એથી.
ચ = અને.
એનમ્ = આ વૈશ્વાનરને.
પુરૂષમ્ = પુરૂષ નામ આપીને.
અપિ = પણ
અધીયેત = અધ્યન કરાય છે.
ભાવાર્થ
શતપથ બ્રાહ્મણમાં વૈશ્વાનર અગ્નિને પુરૂષના આકારનો ને પુરૂષની અંદર રહેલો જાણવા માટે કહેવામાં આવ્યું છે. ત્યાં વૈશ્વાનર શબ્દ અગ્નિના ઉપનામ તરીકે વપરાયો છે, તથા ઉપનિષદમાં ગાર્હંપત્ય જેવા ત્રણે અગ્નિને વૈશ્વાનરના અંગ તરીકે વર્ણવવામાં આવ્યા છે. ગીતાના પંદરમાં અધ્યાયમાં પણ ‘અહં વૈશ્વાનરો ભૂત્વા પ્રાણિનાં દેહમાશ્રિતઃ’ કહીને વૈશ્વાનરને પ્રાણીઓના શરીરમાં રહેલો જઠરાગ્નિ કહ્યો છે. એના પરથી વૈશ્વાનર શબ્દ પરમાત્માવાચક નથી પરંતુ અગ્નિવાચક છે એવી દલીલ કરવામાં આવે તો તે બરાબર નથી.
ગીતાના પંદરમા અધ્યાયમાં હું વૈશ્વાનર બનીને પ્રાણીઓના શરીરમાં રહેલો છું એવું જણાવીને વૈશ્વાનરને ભગવાન કૃષ્ણે સામાન્ય જઠરાગ્નિ કહેવાને બદલે પોતાના જ પ્રતીકરૂપે, પરમાત્મારૂપે, કહી બતાવ્યો છે. વૈશ્વાનરને પોતાનો પ્રતિનિધિ કહ્યો છે. શતપથ બ્રાહ્મણમાં પણ વૈશ્વાનરને પુરૂષના આકારનો ને પુરૂષની અંદર પ્રતિષ્ઠિત કહીને સૌની અંદર રહેલા પરમાત્મા પ્રત્યે જ અંગુલિનિર્દેશ કરવામાં આવ્યો છે. અહીં જેનો વિચાર ચાલે છે, તે ઉપનિષદ વચનમાં સમસ્ત બ્રહ્માંડને વૈશ્વાનરના શરીરરૂપે વર્ણવવામાં આવ્યું છે. વૈશ્વાનર જો સીમિત જઠરાગ્નિ જ હોત એનું એવું વિરાટ વર્ણન કદાપિ શક્ય ના બનત. એટલે વૈશ્વાનર શબ્દ પરમાત્માને માટે જ વપરાયો છે એવું માનવું વધારે ઉચિત લાગે છે.