Adhyay 1, Pada 3, Verse 01-02
By-Gujju29-04-2023
Adhyay 1, Pada 3, Verse 01-02
By Gujju29-04-2023
१. द्युभ्वाद्यायतनं स्वशब्दात् ।
અર્થ
દ્યૂભ્વાદ્યાયતનમ્ = જેમને સ્વર્ગ તથા પૃથ્વીના અને બીજા બધાના આધાર કહ્યા છે તે પરમાત્મા જ છે.
સ્વશબ્દાત્ = કારણ કે ત્યાં પરમાત્માના પ્રતિનિધિ જેવા આત્મા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે.
ભાવાર્થ
સ્વર્ગ, પૃથ્વી આદિ સમસ્ત બ્રહ્માંડના એકમાત્ર આધાર પરબ્રહ્મ પરમાત્મા જ છે, બીજું કોઈ જ નથી, એનું સમર્થન કરવા માટે આ સૂત્રની રચના કરવામાં આવી છે. પરમાત્મા સર્વશક્તિમાન અથવા સર્વેશ્વર હોવાથી બ્રહ્માંડના એકમાત્ર આધાર એ જ હોઈ શકે. એમના સિવાય બીજા કોઈ આધારની કલ્પના પણ ના કરી શકાય. એમની અંદરથી જ ચરાચરનો આવિર્ભાવ થાય છે અને એમને લીધે જ સઘળું ટકે છે તથા પોષણ પામે છે. એ સૌના જીવન અને જીવનાધાર હોવાથી એમની દ્વારા જ સૌને જીવન મળે છે.
મુંડક ઉપનિષદમાં કહ્યું છે કે ‘જેની અંદર સ્વર્ગ, પૃથ્વી, એમની વચ્ચેનું આકાશ અને પ્રાણની સાથે મન ઓતપ્રોત બનેલું છે એ જ એક સૌના આત્મા જેવા પરમાત્માને જાણી લો, બીજી બધી વાતોને છોડી દો. એ જ અમૃતના સેતુ છે. એમનો આશ્રય લેવાથી જ અમૃતમય બની શકાય છે.’
यस्मिन्द्यौः मनः पृथिवी चान्तरिक्ष मोतं मनः सह प्राणैश्च सर्वेः ।
तमेवैकं जानथ आत्मानुमन्या वाचो विंमुचथामृतस्यैष सेतुः ॥
એ મંત્ર સૌના આધાર અથવા આત્મા તરીકે જેમનો નિર્દેશ કરવામાં આવ્યો છે તે પરબ્રહ્મ પરમાત્મા જ છે. જીવાત્મા, પ્રકૃતિ અથવા અન્ય બીજું કશું પણ નથી. મંત્રના અર્થને સમજ્યા પછી એ સંબંધી કશી શંકા ના રહેવી જોઈએ.
—
२. मुक्तोषसृप्यव्यपदेशात् ।
અર્થ
મુક્તોપસૃપ્યવ્યપ્રદેશાત્ = એ પરમાત્મા મુક્ત પુરૂષોના પરમપ્રાપ્તવ્ય છે એવું કહેવામાં આવ્યું છે માટે.
ભાવાર્થ
ઉપનિષદમાં પરમાત્માને સમસ્ત જગતના અથવા ચરાચરના આધાર કહેવામાં આવ્યા છે એ તો સાચું પરંતુ સાથે સાથે મુક્ત પુરૂષોના ને સૌના પરમપ્રાપ્તવ્ય તરીકે પણ દર્શાવવામાં આવ્યા છે. તપ, વ્રત તથા સાધના દ્વારા જીવનમાં જીવાત્માની કે પ્રકૃતિની પ્રાપ્તિ કરવાની કામના કોઈ જ ના રાખી શકે. એવી કામના કલ્યાણકારક ના કહેવાય. સઘળા સાધકો સ્વાભાવિક રીતે જ જીવાત્માની કે પ્રકૃતિની નહિ પરંતુ પરમાત્માની પ્રાપ્તિ કરવાની ઈચ્છા રાખે છે અને એ ઉચ્ચતમ આદર્શની પરિપૂર્તિ અથવા સંસિદ્ધિ સારું જ સાધના કરે છે.
ઉપનિષદમાં એ જ સંદર્ભમાં જણાવ્યું છે કે.
सयोहवैतत्परं, ब्रह्मेव भवति ।
‘જે પરમાત્મપરાયણ બને છે, તે પરમાત્માને જાણી લે છે, ને પરમાત્મા જ બની જાય છે, અથવા એમની સાથે અભેદ અનુભવે છે’
तपश्रद्धे हो ह्युपवसन्त्धरण्ये शान्ता विद्वांसो मैक्षच्चर्धां चरन्तः।
सूर्यद्वारेण ते विरजाः प्रयान्ति यत्रामृतः स पुरूषो ह्यव्यधात्मा ॥
‘જે શાંત વિદ્વાન ભિક્ષાવૃત્તિનું સેવન કરતાં અરણ્યમાં અપરિગ્રહપૂર્વક તપ તથા શ્રદ્ધાપૂર્વક વાસ કરે છે તે પરમ અમૃતમય પાપરહિત બનીને, સૂર્યદ્વારથી જ્યાં એ અમૃતમય અવિનાશી પરમાત્મા છે ત્યાં પહોંચી જાય છે.’
तरमै स विद्वान् उपसन्नाम सम्यक् प्रशांतचित्ताम शमान्विताय ।
येनाक्षरं पुरूषं वेद सत्यं प्रोवाच तां तत्वतो ब्रह्मविह्याम् ॥
‘એ પ્રમાણે વિધિપૂર્વક આવેલા એ શાંતચિત્ત, શમદમાદિ સદ્ ગુણોથી સંપન્ન શિષ્યને એ વિદ્વાન સદ્ ગુરૂ બ્રહ્મવિદ્યાનો ઉપદેશ આપે જે દ્વારા અવિનાશી પરમ સત્યસ્વરૂપ પરમાત્માના સાક્ષાત્કારમાં મદદ મળે.’
મુંડક ઉપનિષદના એ શ્લોકોનો સૂચિતાર્થ સ્પષ્ટ છે. એમાં પરમાત્માને જ પરમ પ્રાપ્તવ્ય માનવામાં આવ્યા છે.