Adhyay 1, Pada 3, Verse 10-12
By-Gujju29-04-2023
Adhyay 1, Pada 3, Verse 10-12
By Gujju29-04-2023
१०. अक्षरमम्बरान्तधृतेः ।
અર્થ
અક્ષરમ્ = અક્ષર શબ્દ પરમાત્માનો જ વાચક છે.
અમ્બરાન્તધૃતેઃ = એને આકાશપર્યંત સમસ્ત જગતને ધારણ કરનારો કહ્યો છે માટે.
ભાવાર્થ
બૃહદારણ્યક ઉપનિષદમાં જે ‘અક્ષર’નાં લક્ષણો કહેવામાં આવ્યા છે તે વિચારવા જેવાં છે. એ ઉપનિષદમાં ગાર્ગીએ યાજ્ઞવલ્કયને પૂછ્યું છે કે ‘જે ધુલોકથી પણ ઉપર, પૃથ્વીથી પણ નીચે અને બંનેની વચ્ચે છે, તથા આ પૃથ્વી તથા ધુલોક છે તે બધું, તથા જે ભૂત, ભાવિ ને વર્તમાન કહેવાય છે તે કાળ કોનામાં પ્રતિષ્ઠિત છે ?’
મહર્ષિ યાજ્ઞવલ્કયે ઉત્તર આપ્યો છે કે ‘એ બધું આકાશમાં ઓતપ્રોત છે. ’
‘આકાશ શેની અંદર ઓતપ્રોત છે ?’ ગાર્ગી પૂછે છે.
યાજ્ઞવલ્કય કહે છે, ‘ગાર્ગી ! બ્રહ્મવેત્તાઓ એ તત્વને અક્ષરના નામથી ઓળખે છે. તે સ્થૂળ નથી, સૂક્ષ્મ નથી, મોટું નથી, લાલ નથી કે પીળું નથી,’
ત્યાં ‘અક્ષર’ સમસ્ત જગતને ધારણ કરે છે એવું કહેવામાં આવ્યું છે. સમસ્ત જગતને ધારણ કરનાર પરમાત્મા વિના બીજું કોઈપણ ના હોઈ શકે. માટે જે અક્ષર છે એ જ પરમાત્મા છે એવું સાબિત થાય છે ‘અક્ષર’નાં સઘળાં લક્ષણો પરમાત્માને જ લાગુ પડતાં હોવાથી ત્યાં ‘અક્ષર’ શબ્દ બીજા કોઈનો નહિ પરંતુ પરમાત્માનો જ વાચક છે.
—
११. सा च प्रशासनात् ।
અર્થ
ચ = અને.
સા = આકાશપર્યંત સમસ્ત જડ ચેતનાત્મક જગતને ધારણ કરવાની ક્રિયા (પરમાત્માની જ છે.)
પ્રશાસનાત્ = એ અક્ષર સૌની ઉપર શાસન કરે છે એવું કહ્યું છે માટે.
ભાવાર્થ
‘અક્ષર’નું ઉપનિષદમાં વર્ણન કરવામાં આવ્યું છે ત્યાં એ સૌના પર શાસન કરે છે એવું પણ જણાવ્યું છે. એવી રીતે સૌને ધારણ કરીને સૌની ઉપર શાસન કરવાનું કાર્ય કેવળ સર્વશક્તિમાન પરમાત્મા જ કરી શકે, જડ પ્રકૃતિ કદાપિ ના કરી શકે. એટલે સૌને ધારણ કરનાર પ્રકૃતિ નથી પરંતુ પરમાત્મા જ છે.
બૃહદારણ્યક ઉપનિષદમાં મહર્ષિ યાજ્ઞવલ્કયે ગાર્ગીને જણાવ્યું છે કે ગાર્ગી ! આ અક્ષરના પ્રશાસનમાં સૂર્ય તથા ચંદ્ર નિયંત્રણમાં રહીને સ્થિતિ કરે છે, ધુલોક તથા પૃથ્વી, નિમેષ તથા મુહર્ત અને દિવસ રાતના નામથી ઓળખવામાં આવતો કાળ નિયંત્રણમાં રહીને સ્થિતિ કરે છે. એના જ પ્રશાસનમાં પૂર્વ તથા પશ્ચિમ તરફ વહેનારી સઘળી સરિતાઓ પોતપોતાના પ્રાદુર્ભાવ સ્થાન પર્વતોમાંથી પ્રકટીને વહે છે.’ એ વર્ણન પરથી સ્પષ્ટ થાય છે કે સૌની ઉપર નિયંત્રણ કરનાર ‘અક્ષર’ પરમાત્મા જ છે.
—
१२. अन्यभावव्यावृत्तेश्च ।
અર્થ
અન્યભાવવ્યાવૃત્તિઃ = અહીં અક્ષરમાં પ્રધાનાદિ અન્યનાં લક્ષણોનું નિરાકરણ કરવામાં આવ્યું છે માટે.
ચ= પણ.
ભાવાર્થ
અક્ષર શબ્દ જડ પ્રકૃતિને માટે નથી વપરાયો પરંતુ પરમાત્માને માટે જ વપરાયો છે એ નિર્ણયના અનુસંધાનમાં એક બીજો મુદ્દો પણ લક્ષમાં લેવા જેવો છે. બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે કે ‘અક્ષર’ જોઈ ના શકાય તેવો છતા સૌનૌ જોનારો છે. સાંભળવામાં ના આવનારો છતાં સાંભળનારો છે. મનન ના કરી શકાય તેવો તો પણ મનન કરનારો અને જાણવામાં ના આવનારો તો પણ સૌને સમ્યક્ રીતે જાણનારો છે.’ ઉપનિષદના એ વચનમાં એવી રીતે અક્ષરમાં પ્રધાનાદિતા જોવામાં, સાંભળવામાં ને જાણવામાં આવનારા ધર્મોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અક્ષર એવી રીતે સર્વોત્તમ અને પ્રધાન અથવા પ્રકૃતિનો પણ પ્રેરક તથા શાસક છે. બીજા શબ્દોમાં કહીએ તો એ પરમાત્મા જ છે.