Adhyay 1, Pada 3, Verse 16-18
By-Gujju29-04-2023
Adhyay 1, Pada 3, Verse 16-18
By Gujju29-04-2023
१६. धृतेश्च महिम्नोङस्यास्मिन्नुपलब्धेः ।
અર્થ
ધૃતે = દહરમાં સમસ્ત બ્રહ્માંડને ધારણ કરવાની શક્તિ બતાવી હોવાથી.
ચ = પણ.
અસ્ય = એના
મહિમ્નઃ = એવા મહિમાનું.
અસ્મિન્ = આ પરમાત્મામાં (દર્શન).
ઉપલબ્ધેઃ = બીજે પણ પ્રાપ્ત થાય છે એટલા માટે.
ભાવાર્થ
છાંદોગ્ય ઉપનિષદમાં દહર શબ્દ વાચ્ય પરમાત્મામાં સમસ્ત બ્રહ્માંડને ધારણ કરવાની શક્તિનો ઉલ્લેખ કરેલો છે. अथ य आत्मा स सेतुर्विधुतिरेषां लोकानाम् ।
‘આ આત્મા છે તે જ સર્વે લોકોને ધારણ કરનારો સેતુ છે.’ એ ઉપરાંત, બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે કે ‘એ સર્વેશ્વર છે, એ ભૂતાધિપતિ તથા ભૂતોનું પાલનપોષણ કરનાર છે, અને લોકલોકાંતરોને સર્વનાશથી બચાવવા માટે એમને ધારણ કરનાર સેતુ છે.’
एष सर्वेश्वर एष भूताधिपतिरेष भूपाल एष सेतुर्विधरण एषां लोकानामसम्भेदाय ।
પરમાત્મા સિવાય લોકલોકાંતરને ધારણ કરવાની એવી લોકતર શક્તિ બીજા કોનામાં છે ? કોઈનામાં નહિ. એટલે દહર શબ્દ દ્વારા સર્વશક્તિમાન પરમાત્માનો જ ઉલ્લેખ કરાયલો છે.
—
१७. प्रसिद्धेश्च ।
અર્થ
પ્રસિધ્ધેઃ = આકાશ શબ્દ પરમાત્માના અર્થમાં પ્રસિદ્ધ હોવાથી.
ચ = પણ.
ભાવાર્થ
દહર શબ્દ પરમાત્માના સંબંધમાં જ વપરાયો છે એવું પુરવાર કરવા માટે આ સૂત્રમાં જણાવવામાં આવે છે કે ઉપનિષદમાં આકાશ શબ્દ પરમાત્માને માટે વપરાયેલો છે એ સુપ્રસિદ્ધ છે.
તૈત્તિરીય ઉપનિષદમાં જણાવ્યું છે કે ‘આ આનંદસ્વરૂપ આકાશ અથવા સૌને અવકાશ આપનારા પરમાત્મા ના હોત તો કોણ જીવિત રહી શકત ને શ્વાસ લેવાની ક્રિયા પણ કરત ?’
को होवान्यात् कः प्राण्याद्द यदेष आकाश आनंदो न स्यात् ।
ઉપનિષદમાં દહરાકાશ શબ્દ પણ જોવા મળે છે. એટલે દહર શબ્દ પરમાત્માવાચક છે એવું માનવું બરાબર છે.
—
१८. इतरपरामर्शात् स इति चेन्नासंभवात् ।
અર્થ
ચેત્ = જો.
ઇતરપરામર્શાત્ = બીજાનો અથવા જીવાત્માનો સંકેત હોવાને લીધે.
સઃ = એનો જ દહર નામથી ઉલ્લેખ કરાયલો છે.
ઇતિ ન= તો એમ કહેવું ઠીક નથી.
અસંભવાત્ = ત્યાં કહેલા લક્ષણો જીવાત્મામાં નથી ઘટતાં માટે.
ભાવાર્થ
છાંદોગ્ય ઉપનિષદમાં જણાવ્યું છે કે ‘આ શરીર જીર્ણ થાય છે તો પણ એ જીર્ણ નથી થતો. આ શરીરના નાશથી એનો નાશ નથી થતો. આ બ્રહ્મપુર સત્ય છે. એમાં સઘળા ભોગો રહેલા છે. આ આત્મા પુણ્ય તથા પાપથી રહિત, જરામૃત્યુથી મુક્ત, શોકરહિત, ક્ષુધાતૃષાથી પર, સત્યકામ અને સત્યસંકલ્પ છે.’
એ વચન પ્રમાણે જીવાત્મા જીર્ણ કે નષ્ટ નથી થતો માટે દહર એટલે જીવાત્મા છે એવો અભિપ્રાય એટલા માટે નથી આપી શકાતો કે ઉપનિષદના એ વર્ણનમાં સત્યકામ અને સત્યસંકલ્પ જેવા બીજા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે તે સારગર્ભિત શબ્દો જીવાત્માને નહિ પરંતુ પરમાત્માને જ લાગુ પડે છે.