Adhyay 1, Pada 3, Verse 19-21
By-Gujju29-04-2023
Adhyay 1, Pada 3, Verse 19-21
By Gujju29-04-2023
१९. उत्तराश्चेदाविर्भूतस्वरूपस्तु ।
અર્થ
ચેત્ = જો,
ઉત્તરાત્ = એની પછીના વર્ણનથી પણ દહર શબ્દ જીવાત્મા માટે વપરાયો છે એવું સાબિત થાય છે.
તુ = તો તે કથન ઠીક નથી. (કેમકે)
આવિર્ભૂતસ્વરૂપઃ = એ સ્થળે જેનું વર્ણન કરાયું છે તે પોતાના શુદ્ધ સ્વરૂપને પ્રાપ્ત આત્મા છે.
ભાવાર્થ
છાંદોગ્ય ઉપનિષદ આગળ પર વર્ણવે છે કે ‘આ સમ્પ્રસાદ શરીરમાંથી નીકળીને પરમ જ્યોતિને પામીને પોતાના શુદ્ધ સ્વરૂપથી સંપન્ન થાય છે. આ આત્મા છે, અમૃત અને અભય છે અને આ જ પરમાત્મા છે એવું આચાર્યે જણાવ્યું. એ બ્રહ્મ કે પરમાત્માનું નામ સત્ય છે.’ એમાં સમ્પ્રસાદ શબ્દ દ્વારા જીવાત્માનું વર્ણન કરેલું છે એટલા માટે દહર શબ્દને જીવાત્માનો વાચક માનવો જોઈએ એવું કહેવામાં આવે તો તે બરાબર નથી કારણ કે એ વર્ણન પોતાના શુદ્ધ સ્વરૂપની પ્રાપ્તિ કરનારા જીવાત્મા પરમજ્યોતિને પામે છે એવું પણ કહેવાયું છે. એ પરમજ્યોતિ અથવા શુદ્ધ સ્વરૂપ પરમાત્મા હોવાથી, દહર શબ્દને જીવાત્માનો નહિ પરંતુ પરમાત્માનો વાચક જ માનવો જોઈએ.
—
२०. अन्यार्थश्च परामर्शः ।
અર્થ
પરામર્શઃ = જીવાત્માને લક્ષ્ય કરીને કરાયલો સંકેત.
ચ = પણ.
અન્યાર્થઃ = બીજા જ કારણથી કરાયલો છે.
ભાવાર્થ
ઉપનિષદના એ વર્ણનમાં જીવાત્મા વિશેનો સંકેત મળે છે એનો અર્થ એવો નથી કે દહર શબ્દ જીવાત્માનો સૂચક છે. એ વર્ણનમાં પરમાત્માના વાસ્તવિક સ્વરૂપનો સાક્ષાત્કાર થવાથી જીવાત્મા પણ એવા લક્ષણવાળો બની જાય છે તેવું દર્શાવવા માટે જ જીવાત્માનું એવું રૂપ બતાવેલું છે. બાકી દહર શબ્દ ત્યાં પરમાત્માનો જ સૂચક છે.
—
२१. अल्पश्रुतेरिति चेतदुक्तम् ।
અર્થ
ચેત્ = જો.
અલ્પશ્રુતેઃ = ઉપનિષદ દહરને નાનો બતાવવામાં આવ્યો છે માટે.
ઈતિ = એવું માનવું યોગ્ય છે.
તદુક્તમ્ = તો એનો ઉત્તર અપાઈ ગયો છે.
ભાવાર્થ
દહરને અલ્પ બતાવ્યો હોવાથી તે જીવાત્મા જ છે એવી દલીલ કરવામાં આવે તો તેનો ઉત્તર બીજા પાદના સાતમા સૂત્રમાં અપાઈ ગયો છે. તે અલ્પ હોવા છતાં મહાનથી પણ મહાન છે એવું કહેલું જ છે. अणोरणीयान् महतो महीयान् । વચન એ સંબંધમાં સુપ્રસિદ્ધ જ છે.