Adhyay 1, Pada 3, Verse 22-23
By-Gujju29-04-2023
Adhyay 1, Pada 3, Verse 22-23
By Gujju29-04-2023
२२. अनुकृतेस्तस्य च ।
અર્થ
તસ્ય = એ જીવાત્માનું.
અનુકૃતેઃ = અનુકરણ કરવાને લીધે.
ચ = પણ.
ભાવાર્થ
પરમાત્માનું એવું અલ્પથી પણ અલ્પ, અણુ કરતાં પણ અણુરૂપે, વર્ણન કરવાનું કારણ શું ? એક કારણ તો એ છે કે એથી એમના મહિમાનું ભાન થાય છે. એ મહિમા અનેકવિધ છે. પરમાત્મા વિરાટ તો છે જ પરંતુ અણુથી અણુ પણ બની શકે છે, બનીને રહેલા છે, એ એમની વિશેષતા છે. એમને માટે કશું જ કરવાનું કે બનવાનું અશક્ય નથી. કઠિન પણ નથી. એ સંદેશ એવા વિશિષ્ટ વર્ણનમાંથી સાંપડી શકે છે.
બીજું કારણ આ સૂત્રમાં આપવામાં આવ્યું છે તે છે. તે કારણ જીવાત્માનું અનુકરણ છે. માનવના હૃદયને અંગુષ્ઠ બરાબર માનેલું છે. તેમાં જીવાત્માની સાથે પરમાત્માના પ્રવેશની વાત ઉપનિષદમાં કહેલી છે. अंगुष्ठ मात्रः पुरूषोमध्य आत्मनि तिष्ठति । ‘અંગુઠાના પરિમાણવાળા પરમાત્મા હૃદય પ્રદેશમાં વાસ કરે છે’ એવી રીતે એમનું વર્ણન કરેલું છે.
तत्सृष्टवा तदेवानुप्राविशत् । ‘જડ ચેતનાત્મક જગતની રચના કરીને પરમાત્માએ એમાં પ્રવેશ કર્યો.
ऋतं पिबन्तौ सुकृतस्य लोके गुहां प्रविष्टौ परमे परार्धे । (કઠ ઉપનિષદ)
સત્કર્મોના સુપરિણામ રૂપ માનવ શરીરમાં પરમાત્માના નિવાસ સ્થાન હૃદયાકાશની અંદર બુદ્ધિરૂપી ગુફામાં છૂપાયલા સત્યનું પાન કરનારા જીવાત્મા ને પરમાત્મા બે છે.’
પરમાત્માને એવી રીતે જીવાત્માનું અનુકરણ કરનારા એની પેઠે અલ્પ પરિમાણવાળા બતાવ્યા છે એ યોગ્ય જ છે.
—
२३. अपि च स्मर्यते ।
અર્થ
ચ = એ ઉપરાંત
સ્મર્યતે અપિ = એ વાત સ્મૃતિમાં પણ જણાવેલી છે.
ભાવાર્થ
પરમાત્માને ઉપનિષદની પેઠે સ્મૃતિએ પણ એવા અલ્પ પરિમાણવાળા કહેલા છે. મહાભારત જણાવે છે કે ધર્મના સારતત્વ સમાન પરમાત્મા હૃદય રૂપી ગુફામાં વિરાજમાન છે.’ धर्मस्य तत्वं निहितं गुहायाम् ।
ગીતા કહે છે કે ‘ઈશ્વર સૌ પ્રાણીઓના હૃદય પ્રદેશમાં રહેલા છે.’
ईश्वरः सर्व भूतानां हृद्देशेङर्जुन तिष्ठति ।
પરમાત્માને એવી રીતે સ્થાનનો વિચાર કરીને અલ્પ આકારવાળા કહી બતાવ્યા છે તેમાં કશુ સમજાય તેવું કે ખોટુ નથી.