Adhyay 1, Pada 3, Verse 27-28
By-Gujju29-04-2023
Adhyay 1, Pada 3, Verse 27-28
By Gujju29-04-2023
२७. विरोधः कर्मणिति चेन्नानेकप्रतिप्रतिप्रत्तेर्दर्शनात् ।
અર્થ
ચેત = જો.
કર્મણિ = યજ્ઞ જેવાં કર્મોમાં.
વિરોધ = વિરોધ પેદા થાય છે.
ઈતિ ન = તો એવું નથી સમજવાનું.
અનેક પ્રતિપત્તેઃ = એમની દ્વારા એક સાથે અનેક સ્વરૂપો ધારવાનું શક્ય હોવાથી.
દર્શાનાત્ = શાસ્ત્રોમાં એવું દેખાય છે.
ભાવાર્થ
દેવોને મનુષ્યની પેઠે વિશિષ્ટ શરીર ધારી માનવામાં આવે તો એનો અર્થ એવો થાય કે મનુષ્યોની પેઠે એ પણ એક વખતે એક જ સ્થળે રહી શકે. એવી પરિસ્થિતિમાં યજ્ઞ જેવાં કર્મોમાં દોષ પેદા થવાનો સંભવ છે. યજ્ઞોની આહુતિને દેવતાઓ ગ્રહણ કરે છે એવું કહેવાય છે, પરંતુ એક જ સ્થળે રહેનારા દેવતા જુદા જુદા સ્થળે થતા યજ્ઞોની આહુતિને એક જ સમયે કેવી રીતે સ્વીકારી શકે ? આ સૂત્રમાં એના સ્પષ્ટીકરણ માટે જણાવવામાં આવે છે કે દેવો સિદ્ધ મહાયોગીઓની પેઠે ઈચ્છાનુસાર અનેક શરીરોને ધારણ કરવાની અસાધારણ શક્તિથી સંપન્ન હોય છે. એ શક્તિની મદદથી એ એકસાથે અનેક શરીરોને ધારીને આવશ્યક્તાનુસાર યજ્ઞોમાં અપાતી આહુતિને ગ્રહણ કરે છે. એમને માટે એ કાર્ય જરા પણ કઠિન નથી.
શાસ્ત્રોમાં એમની એવી શક્તિ વિશે વર્ણન કરાયેલું છે. એમાં એમની ઈચ્છાનુસાર પ્રકટવાની અને અદૃશ્ય થવાની વિશિષ્ટ શક્તિને સમર્થન મળે છે. બૃહદારણ્યક ઉપનિષદમાં મહર્ષિ યાજ્ઞવલ્કયે શાકલ્યને સ્પષ્ટ શબ્દોમાં જણાવ્યું છે કે દેવતાઓ તેત્રીસ છે અને એકના અનેક થઈ શકે છે. એમની શક્તિ એવી અદ્યૌગિક છે. એવી રીતે વિચારીએ તો યજ્ઞ જેવાં કર્મોમાં કોઈ પણ પ્રકારનો દોષ પેદા થવાનો સંભવ નથી રહેતો. દેવતાઓ જુદા જુદા સ્થળે, જુદાંજુદાં સ્વરૂપને ધારણ કરીને એમનો લાભ લઈ શકે છે.
—
२८. शध्व इति चेन्नातः प्रभवात् प्रत्यक्षानुमाकात्त्याम् ।
અર્થ
ચેત્ = જો કહેતા હો કે
શ દે = વેદવચનમાં વિરોધ પેદા થાય છે.
ઈતિ ન = તો એવું કહેવું ઉચિત નથી લાગતું.
અતઃ પ્રભવાત્ = કારણ કે એ વેદવચનથી જ દેવાદિ જગતની ઉત્પત્તિ થાય છે.
પ્રત્યક્ષાનુમાનાભ્યામ્ = પ્રત્યક્ષ અને અનુમાન બંને પ્રમાણોથી અથવા શ્રુતિ તથા સ્મૃતિ બંને દ્વારા એની સિદ્ધિ થાય છે.
ભાવાર્થ
આગલા સૂત્રમાં જણાવવામાં આવ્યું કે દેવો ઇચ્છાનુસાર અનેક શરીરોને ધારણ કરે છે અને યજ્ઞોની આહુતિ ગ્રહણ કરે છે; પરંતુ એવું માનવાથી વેદવચનમાં વિરોધ પેદા થશે, કારણ કે દેવો દેહધારી હોવાથી જન્મમરણના શિકાર બનશે, નિત્ય અથવા સનાતન નહિ રહી શકે, ને વેદના શબ્દોની સાથે એમના નામ તથા રૂપનો નિત્યસંબંધ નહિ સચવાય. એ વિચારસરણીને અનુચિત સમજીને અહીં કહેવામાં આવે છે કે દેવોના દેહો દિવ્ય અને સૂક્ષ્મ હોવાથી જન્મમરણના પરંપરાગત સર્વસામાન્ય નિયમોમાંથી મુક્ત હોય છે.
શાસ્ત્રોમાં કલ્પના આરંભમાં દેવોની ઉત્પત્તિનું વર્ણન આવે છે. એમાં એમના નામ, રૂપ અને ઐશ્વર્યની માહિતી આપવામાં આવી છે. પૂર્વકલ્પમાં જે જે નામ, રૂપ અને ઐશ્વર્યવાળા દેવો હતા તે જ નામ, રૂપ અને ઐશ્વર્યવાળા દેવો વર્તમાન કલ્પમાં પણ પેદા કરવામાં આવે છે. એમના જીવાત્માઓ બદલાતા હોવા છતાં એમના નામ, રૂપ અને ઐશ્વર્યમાં કશો ફેર નથી પડતો. શ્રુતિ તથા સ્મૃતિમાં એ હકીકતની સ્પષ્ટતા કરવામાં આવી છે. મનુસ્મૃતિ કહે છે કે ‘પરમાત્માએ સૃષ્ટિના આરંભમાં સૌનાં નામ અને વિભિન્ન કર્મની વ્યવસ્થા વેદવચનને અનુસરીને તૈયાર કરી.’
सर्वेषां त स नामानि कर्माणि च पृथक् पृथक्
वेदशब्देभ्य एवादौ पृथक् संस्थाश्च निर्ममे ॥