Sunday, 22 December, 2024

Adhyay 1, Pada 3, Verse 29-31

146 Views
Share :
Adhyay 1,  							Pada 3, Verse 29-31

Adhyay 1, Pada 3, Verse 29-31

146 Views

२९. एतएव च नित्यत्वम् ।

અર્થ
અતએવ = એથી જ.
નિત્યત્વમ્ = વેદની નિત્યતા.
ચ = પણ.

ભાવાર્થ
પરબ્રહ્મ પરમાત્મા વેદવચનને અનુસરીને સમસ્ત સૃષ્ટિનું સર્જન કરે છે. એથી વેદોની નિત્યતા સહેલાઈથી સિદ્ધ થાય છે. વેદો તો પરમાત્માના પરમપવિત્ર જ્ઞાનરૂપ હોવાથી સનાતન છે. પ્રત્યેક કલ્પમાં સૃષ્ટિના સર્જનની જેમ વેદોનું સર્જન પણ કરવામાં આવે છે એવું વિધાન વેદાદિ શાસ્ત્રોમાં ક્યાંય નથી કરવામાં આવ્યું.


 
३०. समाननामरूपत्वाश्चावृत्तावप्यविरोधो दर्शानात् स्मृतेश्च ।

અર્થ
ચ = અને.
સમાનનામરૂપત્વાત્ = નામ તથા રૂપ પહેલાંની પેઠે જ એક સરખાં હોવાથી.
આવૃત્તિ = ફરી આવૃત્તિ થતાં 
અપિ = પણ.
અવિરોધઃ = કોઈ પ્રકારનો વિરોધ નથી.
દર્શનાત્ = કારણ કે શ્રુતિમાં એવું જ વર્ણન જોવા મળે છે.
ચ = અને.
સ્મૃતેઃ = સ્મૃતિનો અભિપ્રાય પણ એવો જ છે.

ભાવાર્થ
ઋગ્વેદમાં જણાવ્યું છે કે ‘જગતના રચયિતા પરમાત્માએ સૂર્ય તથા ચંદ્રાદિની રચના પહેલાંની પેઠે જ કરી.’
सूर्याचंद्रमसौ  धाता यथापूर्वमकल्पयत् ।

મહાભારતમાં પણ જણાવ્યું છે કે ‘પહેલાંની સૃષ્ટિમાં જેમનાં જે કર્મો હતાં તે જ કર્મોને તે પછીની સૃષ્ટિમાં સરજાયલાં પ્રાણીઓ ફરીવાર પ્રાપ્ત કરે છે.’
तेषां ये यानि कर्माणि प्राक् सृष्टयां प्रतिपेदिरे ।
तान्येव ते प्रपद्यन्ते सृज्यमानाः पुनः पुनः ॥

એના પરથી સાબિત થાય છે કે દેવોનાં નામરૂપ પ્રત્યેક કલ્પમાં એક સરખાં જ રહે છે. એમની અવારનવાર આવૃત્તિ થાય છે તો પણ, વેદને અનુસરીને એમનાં નિશ્ચિત કરેલાં નામ તથા રૂપ નથી બદલાતાં. એટલે વેદના વર્ણનમાં કશો વિરોધ નથી પેદા થતો.

३१. मध्वादिष्वसम्मवादनधिकारं जैमिनिः ।

અર્થ
જૈમિનીઃ = આચાર્ય જૈમિની.
મધ્વાદિષુ = મધુવિદ્યા વિગેરેમાં.
અનધિકારમ્  = દેવોનો અધિકાર નથી માનતા.
અસંભવાત્ = એનો સંભવ નહિ હોવાથી.

ભાવાર્થ
આ સૂત્રમાં આચાર્ય જૈમિનીનો દેવતાવિષયક અભિપ્રાય ટાંકી બતાવવામાં આવે છે, એ અભિપ્રાય પ્રમાણે દેવોનો મધુવિદ્યાદિમાં અધિકાર નથી. એમના એવા કથનનું કારણ જરાક જુદું છે. દેવોને કેટલીક વિશેષતાઓ જન્મથી જ સાંપડી હોય છે. એને માટે એમને કશી સાધના નથી કરવી પડતી. સૂર્યને દેવોના મધુ તરીકે માનવામાં આવે છે. એમને એ મધુવિદ્યા સહજ રીતે જ પ્રાપ્ત થઈ હોવાથી એમનો એમાં અધિકાર માનવાનો કોઈ પ્રશ્ન જ નથી પેદા થતો. યજ્ઞાદિ દ્વારા સ્વર્ગના સુખોપભોગની પ્રાપ્તિ થાય છે. એ શાસ્ત્રસંમત અને સાચું છે, પરંતુ દેવો તો સ્વર્ગમાં જ રહેતા હોવાથી એમને માટે એ સાધનોની આવશ્યક્તા નથી રહેતી. એટલે આચાર્ય જૈમિની જણાવે છે કે દેવોનો યજ્ઞ તથા મધુવિદ્યાદિમાં અધિકાર નથી તેમ બ્રહ્મવિદ્યામાં પણ અધિકાર ના હોવો જોઈએ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *