Adhyay 1, Pada 3, Verse 41-43
By-Gujju29-04-2023
Adhyay 1, Pada 3, Verse 41-43
By Gujju29-04-2023
४१. आकाशोर्थान्कश्त्वादिव्यपदेशात् ।
અર્થ
આકાશઃ = આકાશ શબ્દ પરમાત્માનો જ વાચક છે,
અર્થાન્તરત્વાદિવ્યપદેશાત્ = એને નામરૂપાત્મક જગતથી ભિન્ન કહ્યું છે તેથી.
ભાવાર્થ
છાંદોગ્ય ઉપનિષદમાં જણાવ્યું છે કે ‘આકાશ નામથી પ્રસિદ્ધ તત્વ નામ રૂપનો નિર્વાહ કરે છે અથવા એમને ટકાવે છે. એ બંને જેમની અંદર, જેમના આશ્રયે રહે છે, તે બ્રહ્મ છે, અમૃત છે, આત્મા છે.’
आकाशो वै नाम नामरूपयोर्निर्वहिता ते यदन्तश तद् ब्रह्म तदमृतं स आत्मा ।
ત્યા આકાશ નામરૂપાત્મક જગતને ધારણ કરે છે અને જગત એના આશ્રયે રહે છે એવું કહીને એ બ્રહ્મ, અમૃત અથવા આત્મા છે. એવી સ્પષ્ટતા કરી છે. એટલે ત્યાં વપરાયલો શબ્દ આકાશ પરમાત્માનું જ પ્રતિનિધિત્વ કરે છે, બીજા કોઈનું નથી કરતો, એ સ્પષ્ટ છે.
—
४२. सुषुप्त्युत्क्रान्त्योर्भेदेन ।
અર્થ
સુષુપ્ત્યુત્ક્રાન્ત્યોઃ = સુષુપ્તિમાં અને મૃત્યુદશામાં પણ.
ભૈદેન = જીવાત્મા અને પરમાત્માનું ભેદવાળું વર્ણન હોવાથી.
ભાવાર્થ
આકાશ શબ્દ પરમાત્માનો જ વાચક છે એવું પુનઃ પ્રતિપાદન કરતાં અહીં કહેવામાં આવે છે કે છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે કે આ પુરૂષ સુતો હોય છે ત્યારે પોતાના મૂળ વાસ્તવિક સ્વરૂપ સતથી સંપન્ન થાય છે. સુષુપ્તિકાળના એ વર્ણનમાં જીવાત્મા પરમાત્મારૂપી પરમ સત્ થી સંપન્ન બને છે એવું જણાવીને જીવાત્મા તથા પરમાત્માને જુદા જુદા કહી બતાવ્યા છે. વળી ઉત્ક્રાંતિને વર્ણવતાં પણ કહ્યું છે કે જીવાત્મા શરીરમાંથી નીકળીને પરમ પ્રકાશમય પરમાત્માને પામીને પોતાના શુદ્ધ સ્વરૂપને મેળવી લે છે. એમાં પણ જીવાત્મા તથા પરમાત્માનો ભેદ બતાવ્યો છે. એટલે આકાશ શબ્દ જીવાત્મા કે મુક્તાત્માને માટે નથી વપરાયો પરંતુ પરમાત્માને માટે જ પ્રયોજાયો છે. જીવાત્મા કે મુક્તાત્મા જગતનું ધારણપોષણ નથી કરી શકતા.
—
४३. पत्यादिशब्देभ्यः ।
અર્થ
પત્યાદિશબ્દેભ્યઃ = પતિ, પરમપતિ, પરમ મહેશ્વર જેવા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો હોવાથી.
ભાવાર્થ
વેદ અથવા ઉપનિષદમાં પરમાત્માને માટે એમની અસાધારણતાને દર્શાવવા માટે પતિ, પરમપતિ તથા પરમ મહેશ્વર જેવા વિશિષ્ટ સારગર્ભિત શબ્દોનો પ્રયોગ કરેલો છે એના પરથી એમના અલૌકિક મહિમાનો ખ્યાલ આવે છે ને સમજાય છે કે એ મહિમા જીવાત્મા કરતાં મહાન છે.
हिरण्यगर्भः समवर्तताग्रे भूतस्य जातः पतिरेक आसीत् ।
‘સૌથી પહેલાં, સૃષ્ટિની શરૂઆતમાં હિરણ્ય ગર્ભ કે પરમાત્મા હતા તે સર્વે ભૂતોના એકમાત્ર સ્વામી હતા.
શ્વેતાશ્વતર ઉપનિષદ કહે છેઃ
मीश्वरणां परमं महेश्वरं तं देवतानांपरमं च दैवतम् ।
पर्ति पतीनां परमं परस्ताद् विदाम देवं भुवनेशभीङयम् ॥
‘એ ઈશ્વરોના પરમ મહેશ્વર, દેવોના પરમ દેવ, પતિના પરમ પતિ, વિશ્વના અધીશ્વર, સ્તવવા યોગ્ય પ્રકાશ સ્વરૂપ પરમાત્માને અમે સૌથી અતીત સમજીએ છીએ .’
જીવાત્માને માટે એવા વિશિષ્ટ શબ્દોનો પ્રયોગ કદાપિ ના થઈ શકે. એવા શબ્દો તો પરમાત્માને માટે જ વાપરી શકાય. એટલે જીવાત્મા તથા પરમાત્મામાં ભેદ છે અને આકાશ શબ્દ એ પરમાત્માનો જ વાચક છે, જીવાત્માનો ને બીજા કોઈનો વાચક નથી.
અધ્યાય ૧ – પાદ ૩ સંપૂર્ણ