Adhyay 1, Pada 4, Verse 04-06
By-Gujju29-04-2023
Adhyay 1, Pada 4, Verse 04-06
By Gujju29-04-2023
४. ज्ञेयत्वावचनाश्च ।
અર્થ
જ્ઞેયત્વાવચનાત્ = વેદમાં પ્રકૃતિને જ્ઞેય નથી કહી એથી.
ચ = પણ.
ભાવાર્થ
વેદમાં કહેલી પ્રકૃતિમાં અને સાંખ્યશાસ્ત્રના પ્રધાનમાં તફાવત છે. સાંખ્યશાસ્ત્ર પ્રકૃતિને જ્ઞેય માને છે. એ જણાવે છે કે ‘ગુણમયી પ્રકૃતિ અને પુરૂષની પૃથકતા જાણી લેવાથી મોક્ષ મળે છે.’ गुणपुरूषान्तरज्ञानात् कैवल्यम् । પ્રકૃતિના સ્વરૂપને સુચારુરૂપે કે સંપૂર્ણપણે જાણવાનુ એમાં આવશ્યક મનાય છે. પરંતુ વેદમાં પ્રકૃતિને નહિ પરંતુ પરમાત્માને જ જાણવા, ભજવા તથા મેળવવા યોગ્ય માનેલા છે.
—
५. वदतीति चेन्न प्राज्ञो हि प्रकरणात् ।
અર્થ
ચેત્ = જો.
વદતિ = વેદ પ્રકૃતિને જ્ઞેય કહી બતાવે છે.
ઇતિ ન = તો તેમ કહેવું બરાબર નથી.
હિ = કારણ કે
પ્રાજ્ઞઃ = પરમાત્મા જ છે.
પ્રકરણાત્ = પ્રકરણ પરથી એ સમજી શકાય છે.
ભાવાર્થ
કોઈ એવું કહેતું હોય કે વેદ અથવા ઉપનિષદમાં પ્રકૃતિને પણ જ્ઞેય કહી છે તો તે કથન બરાબર નથી. તેમાં સર્વત્ર પરબ્રહ્મ પરમાત્માને જ જ્ઞેય, ધ્યેય અથવા પ્રાપ્તવ્ય માનેલા છે. અહીં જે વિશેષ પ્રકરણનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે પ્રકરણ કઠ ઉપનિષદનું છે. ત્યાં કહ્યું છે કે ‘શબ્દ, સ્પર્શ, રૂપ, રસ, ગંધથી રહિત, અવિનાશી, નિત્ય, અનાદિ, અનંત, મહત્ થી પર તથા ધ્રુવ તત્વને જાણીને માનવ મૃત્યુના મુખમાંથી મુક્તિ મેળવે છે.
अशब्दमस्पर्शमरूपमव्ययं तथारसं नित्यमगंधवश्च यत् ।
अनाद्यनन्तं महतः परं ध्रुवं निचाय्य तन्मृत्युमुखात्प्रमुच्यते ॥
ઉપનિષદનો એ શ્લોક પરમાત્માના મહિમાને આલેખવા માટે લખાયલો છે. પરમાત્માને જ જાણવા યોગ્ય કહી બતાવીને એમાં અને એની આગળપાછળ પરમાત્માના જ મહિમાનું જયગાન ગાવામાં આવ્યું છે. એ શ્લોકમાં દર્શાવાયલાં લક્ષણો પરમાત્માને જ પૂર્ણપણે લાગુ પડે છે. એ શ્લોકમાં પ્રકૃતિનું નથી પરંતુ પરમાત્માના પરમજ્ઞાનથી જ મૃત્યુના મુખમાંથી છૂટીને અમૃતમય થઈ શકાય છે એવું સૂચવવામાં આવ્યું છે. એટલે એકમાત્ર પરમાત્મા જ પરમજ્ઞેય છે એવું સાબિત થાય છે.
—
६. त्रयाणामेव चैवमुपन्यासः प्रश्नश्च ।
અર્થ
ત્રયાણામ્ = ત્રણેનો.
એવ = જ.
એવમ્ = એવી રીતે જ્ઞેયરૂપે.
ઉપન્યાસઃ = ઉલ્લેખ કરાયો છે.
ચ = તથા.
પ્રશ્ન = પ્રશ્ન.
ચ = પણ.
ભાવાર્થ
કઠ ઉપનિષદમાં યમ અને નચિકેતાના સંવાદ પ્રકરણમાં અગ્નિ, જીવાત્મા તથા પરમાત્મા ત્રણેને જાણવા માટે પ્રશ્નો પૂછાયા છે. અગ્નિ વિશે પૂછવામાં આવ્યું છે કે ‘ હે યમદેવ, તમે સ્વર્ગ પ્રાપ્તિના સાધનરૂપ અગ્નિને જાણતા હોવાથી મને શ્રદ્ધાળુને તે સંબંધી સુચારુરૂપે કહી બતાવો.’
જીવ વિશે કહેવામાં આવ્યું છે કે ‘મૃત મનુષ્યના સંબંધમાં કોઈ તો કહે છે કે રહે છે ને કોઈ કહે છે કે નથી રહેતો, તો તે વિશેનો નિર્ણય જાણવાની મને ઇચ્છા છે.’
પરમાત્માને માટે કહેવામાં આવ્યું છે કે ‘જે ધર્મ અને અધર્મથી, કાર્ય કારણરૂપ જગતથી, ભૂત, ભાવિ તથા વર્તમાનના ત્રણ ભેદવાળા કાળથી અને તત્વસંબંધી સર્વે પદાર્થોથી પૃથક્ છે, તે તત્વને તમે જાણો છો. મને તે પરમતત્વનો ઉપદેશ આપો.’
એમાં પ્રકૃતિ અથવા પ્રધાન વિશે કોઈ જ પ્રશ્ન નથી પૂછવામાં આવ્યો. એથી નક્કી થાય છે કે અગ્નિ, જીવાત્મા ને પરમાત્મા સિવાય ચોથી કોઈ વસ્તુની વાત ત્યાં નથી કહેવામાં આવી.