Sunday, 22 December, 2024

Adhyay 1, Pada 4, Verse 13-15

157 Views
Share :
Adhyay 1,  							Pada 4, Verse 13-15

Adhyay 1, Pada 4, Verse 13-15

157 Views

१३. ज्योतिषैकेषामसत्यन्ने ।

અર્થ
એકેષામ્ = એક શાખાવાળાના પાઠમાં. 
અન્ને = અન્નનું વર્ણન.
અસતિ = ના હોવાથી.
જ્યોતિષા = જ્યોતિષ દ્વારા (સંખ્યાની પૂર્તિ થઈ શકે છે.)

ભાવાર્થ
માધ્યંદિની શાખાવાળાના પાઠ પ્રમાણે ‘પ્રાણસ્ય પ્રાણમ્’ શ્લોકમાં અન્નનું પણ વર્ણન હોવાથી પ્રાણ, ચક્ષુ, શ્રોત્ર, મન અને અન્ન મળીને પાંચની સંખ્યા પૂરી થાય છે, પરંતુ કાણ્વ શાખાવાળાના પાઠમાં ‘અન્નસ્ય અન્નમ્’ એ અંશનો સમાવેશ કરવામાં નથી આવ્યો. એટલે ચારનું જ વર્ણન હોવાથી પાંચની સંખ્યા પૂરી નથી થતી. એવી શંકાના સુખદ સમાધાનરૂપે આ સૂત્રમાં જણાવવામાં આવે છે કે કાણ્વ શાખાવાળાના પાઠ પ્રમાણે એક શબ્દ ઓછો થાય છે એ સાચું છે, પરંતુ એની પૂર્તિ આગળ પર આવેલા ‘જ્યોતિ’ શબ્દ દ્વારા સહેલાઈથી થઈ શકે છે. આગળના એ વર્ણનમાં પરમાત્માને જ્યોતિના પણ જ્યોતિ કહેવામાં આવ્યો છે. સંખ્યાની પૂર્તિનો આગ્રહ અનાવશ્યક હોવા છતાં એવો આગ્રહ સેવવો જ હોય તો, એ આગ્રહ એવી રીતે સુચારુરૂપે સંતોષી શકાય છે.

१४. कारणत्वेन  चाकाशादिषु  यथाव्यपदिष्टोक्तेः ।

અર્થ
આકાશાદિષુ = આકાશાદિ કોઈપણ ક્રમથી રચાતા કે પ્રાદુર્ભાવ પામતા પદાર્થોમાં.
કારણત્વેન = કારણરૂપે 
ચ = તો 
યથાવ્યપદિષ્ટોકતેઃ = સર્વત્ર એક જ વેદાંતવર્ણિત પરમાત્માનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એથી.

ભાવાર્થ
આ સૂત્ર એક બીજા વિષયનો આરંભ કરે છે. જો કે એ વિષય સર્વથા નૂતન નથી તો પણ લાક્ષણિક રીતે રજૂ કરવામાં આવ્યો છે. વેદ તથા ઉપનિષદમાં જગતના કારણ વિશે વિવિધ ઉલ્લેખો મળી આવે છે. ક્યાંય સત્ માંથી એની ઉત્પત્તિ બતાવી છે તો ક્યાંક અસત્ માંથી, ક્યાંક આરંભમાં આકાશની ઉત્પત્તિ બતાવી છે, ક્યાંક તેજની કે પ્રાણની, તો ક્યાંક વળી બીજી વસ્તુની. એવી રીતે વર્ણન ભેદ હોવાથી ચોક્કસપણે એવું ના કહી શકાય કે જગતનું કારણ અમુક છે અને એની ઉત્પત્તિનો ક્રમ પણ અમુક જાતનો છે. એવી વિચારસરણીના ઉત્તરમાં એની સ્પષ્ટતા માટે અહીં જણાવવામાં આવે છે કે વેદ અથવા ઉપનિષદમાં ઉપલક રીતે જોતાં ગમે તેવાં વિરોધાભાષી વિચિત્ર લાગતા વર્ણનો આવતાં હોય તો પણ, અંદરખાને તો સર્વત્ર એક જ વર્ણન જોવા મળે છે કે આકાશાદિ સઘળા પદાર્થોનું ને સમસ્ત જગતનું એકમાત્ર કારણ પરબ્રહ્મ પરમાત્મા જ છે ને બીજું કશું જ નથી.

સૃષ્ટિ રચનામાં જુદે જુદે પ્રસંગે જે જુદાં જુદાં વર્ણન આવે છે તે પણ વિરોધી નથી. ‘પરમાત્મામાંથી આકાશ થયું’ (તૈત્તિરીય ઉપનિષદ,) ‘તેણે તેજની રચના કરી’ (છાંદોગ્ય ઉપનિષદ,) ‘એણે પ્રાણની સૃષ્ટિ કરી’ (પ્રશ્ન ઉપનિષદ), એવા વર્ણન પરથી ભેદભાવને તારવવાને બદલે, એને સાથે લઈને એક જ પરમાત્માએ આકાશ, તે જ પ્રાણાદિની ને સમસ્ત જગતની રચના કરી એવું સમજવાની જરૂર છે. એવું સમજવામાં આવે તો કશો ભ્રમ નથી પેદા થતો એમ એમનો સૂચિતાર્થ સ્પષ્ટ થાય છે.

१५. समाकर्षात् ।

અર્થ
સમાકર્ષાત = આગળપાછળનાં વચનોને સારી રીતે એકઠાં કરીને અથવા એમના પૂર્વાપર સંબંધને સમજવાથી.

ભાવાર્થ
ઉપનિષદોમાં ‘પહેલાં એકમાત્ર સત્ હતું’ અને ‘આરંભમાં એકમાત્ર અસત્ હતું ’ એવાં વિરોધી વર્ણન કરવામાં આવ્યાં છે તો પણ, સત્ અને અસત્ શબ્દો પરમાત્માના સંબંધમાં જ વપરાયા છે એ સ્પષ્ટ થાય છે.

તૈત્તિરીય ઉપનિષદમાં કહ્યું છે કે ‘પહેલાં આ અસત્ હતું. એમાંથી સત્ પેદા થયું.’ असद्धा इदमग्र आसीत् ततो वै सदजायत । એ ઉપનિષદમાં પરમાત્માને સત્ય, જ્ઞાન અને અનંત કહ્યા છે. સત્ નો અર્થ પરમ અથવા શાશ્વત સત્ય એવો છે. અને અસત્ નો અર્થ સત્ય નહિ એવો અથવા અભાવસૂચક કે મિથ્યા નથી કરવાનો, પરંતુ જેની અંદર જગતરૂપી પ્રવૃત્તિ ન હતી અથવા જગતનો આવિર્ભાવ જેમાંથી નહોતો થયો એ અભિવ્યક્તિ રહિત પરમાત્મા એવો લેવાનો છે.

એટલે જે સત્ છે તે જ અસત્ છે. બંને શબ્દો પરમાત્માના જ વાચક છે. એમના પ્રયોગ દ્વારા પરમાત્માનું જ વર્ણન કરવામાં આવ્યું છે, અને એ પરમાત્મા જ જગતના એકમાત્ર કારણ છે એમાં શંકા નથી.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *