Friday, 15 November, 2024

Adhyay 1, Pada 4, Verse 16-18

143 Views
Share :
Adhyay 1,  							Pada 4, Verse 16-18

Adhyay 1, Pada 4, Verse 16-18

143 Views

१६. जगद्वाचित्वात् ।

અર્થ
જગદ્ વાચિત્વાત્ = સૃષ્ટિરૂપી કર્મ જડચેતનાત્મક સમસ્ત જગતનું વાચક છે તેથી. (એના કર્તા પરમાત્મા જ છે)

ભાવાર્થ
કૌષીતકિ બ્રાહ્મણ ઉપનિષદમાં આવેલા અજાતશત્રુ અને બાલાકિના સંવાદને અનુલક્ષીને આ સૂત્ર લખાયું છે.  એ સંવાદમાં બાલાકિએ કહ્યું છે કે ‘જે આ સૂર્યમાં પુરૂષ છે તેની હું ઉપાસના કરૂં છું.’ ‘આ જમણી આંખમાં જે પુરૂષ છે તેની ઉપાસના કરૂં છું.’ એવી રીતે પોતાને સોળ પુરૂષોની ઉપાસના કરવાવાળો કહી બતાવ્યો. ત્યારે અજાતશત્રુએ જણાવ્યું કે ‘તું બ્રહ્મને નથી જાણતો. હું તને તેનો ઉપદેશ આપું છું. તારા કહેલા સોળ પુરૂષોના જે કર્તા છે, અને જેમનાં આ બધાં કર્મ છે, તે જ જાણવા યોગ્ય છે .’ એ પ્રમાણે ત્યાં પુરૂષવાચક જીવાત્માને અને એના અધિષ્ઠાન જેવા જડ શરીરને પરમાત્માનું કર્મ કહ્યું છે. કર્મ અથવા કાર્ય શબ્દ સમસ્ત જગતનો વાચક છે. એટલે પ્રકૃતિ નહિ પરંતુ પરમાત્મા જ જગતના એકમાત્ર કારણ છે.

१७. जीवमुरव्मप्राणलिङ्गान्नेति चेतद् व्यारव्यातम् ।

અર્થ
ચેત્ ઈતિ = જો એવું કહેતા હો કે.
જીવમુખ્યપ્રાણલિંગાત્ = જીવ તથા મુખ્ય પ્રાણનાં બોધક લક્ષણ મળે છે તેથી (પ્રાણસહિત જીવ જ જ્ઞેય હોવો જોઈએ.)
ન = પરમાત્મા જ્ઞેય નથી. (તો)
તદ્ વ્યાખ્યાતમ્ = એની સ્પષ્ટતા થઈ ચૂકી છે.

ભાવાર્થ
જો એવું કહેવામાં આવે કે એ વર્ણનના ઉત્તરાર્ધમાં જીવાત્મા તથા મુખ્ય પ્રાણનાં બોધક લક્ષણોનો સમાવેશ થયેલો હોવાથી પ્રાણ સહિત એનો અધિષ્ઠાતા જીવ જ જગતનો કર્તા તથા જ્ઞેય છે તો એવું કથન યોગ્ય નથી. પરમાત્મા સમસ્ત ધર્મોના આશ્રય હોવાથી એમની અંદર જીવ તથા પ્રાણના ધર્મોનો સમાવેશ થઈ શકે છે. જ્ઞેય તથા ધ્યેય તો એક પરમાત્મા જ છે. એમના વિના બીજું કોઈ જ નથી એ નક્કી છે.


 
१८. अन्यार्थं तु जैमिनिः प्रश्नव्यारव्यानाभ्यामपि चैवमेके ।

અર્થ
જૈમિનીઃ = આચાર્ય જૈમિની.
તુ = તો (જણાવે છે કે)
અન્યાર્થમ્ = જીવાત્મા તથા મુખ્ય પ્રાણનું વર્ણન બીજા જ પ્રયોજનથી કરાયલું છે.
પ્રશ્નવ્યાખ્યાનાભ્યામ્ = પ્રશ્ન અને ઉત્તરથી એ જ સિદ્ધ થાય છે તેથી.
ચ = અને. 
એક = કાણ્વ શાખાવાળા.
એવમ્ અપિ = કહે છે પણ

ભાવાર્થ
આ સૂત્રમાં આચાર્ય જૈમિનીનો અભિપ્રાય જણાવવામાં આવે છે. એ અભિપ્રાય પ્રમાણે એ પ્રકરણમાં જીવાત્મા તથા મુખ્ય પ્રાણનું જે વર્ણન કરવામાં આવ્યું છે તે વર્ણન એમને જગતના કારણ બનાવવા માટે નથી આવ્યું. એ વર્ણનની પાછળનું પ્રયોજન તો જુદું જ છે. એમને પરમાત્મામાં વિલીન બનનારા કહી બતાવીને પરમાત્માને જ જગતના એકમાત્ર કારણ કહેવામાં આવ્યા છે. જીવાત્મા સુષુપ્તિદશામાં પરમાત્મામાં લય પામે છે. એ દ્દષ્ટાંત દ્વારા પરમાત્મા જ સૌના મૂળ કારણ છે એવી સ્પષ્ટતા કરવામાં આવી છે. એ ઉપરાંત કાણ્વ શાખાવાળાએ એ વિષયને પોતાના ગ્રંથમાં સ્પષ્ટ કર્યો છે. તેમાં અજાતશત્રુએ જણાવ્યું છે કે ‘વિજ્ઞાનમય પુરૂષ અથવા જીવાત્મા સુષુપ્તિદશામાં સ્થિત હતો ત્યારે બુદ્ધિ સાથે સઘળા પ્રાણોનો અથવા મુખ્ય પ્રાણને અને ઈન્દ્રિયોની વૃત્તિને લઈને હૃદયની અંદરના આકાશમાં સુઈ રહેલો. એ વખતે એનું નામ સ્વપતિ કહેવાય છે.’ એ વર્ણનમાં આવેલો આકાશ શબ્દ પરમાત્માનો વાચક છે. એ વર્ણન દ્વારા સૂચવવામાં આવ્યું છે કે સુષુપ્તિમાં જીવાત્મા જેવી રીતે સઘળા પ્રાણોની સાથે પરમાત્મામાં વિલિન થાય તેવી રીતે પ્રલયકાળમાં સમસ્ત જગત પરમાત્મામાં વિલિન બને છે અને સૃષ્ટિ કામમાં ફરી પ્રાદુર્ભાવ પામે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *