Thursday, 21 November, 2024

Adhyay 1, Pada 4, Verse 22-23

122 Views
Share :
Adhyay 1,  							Pada 4, Verse 22-23

Adhyay 1, Pada 4, Verse 22-23

122 Views

२२. अवस्थितेरिति  काशक्रत्स्नः ।

અર્થ
અવસ્થિતેઃ = પ્રલય સમયે સંપૂર્ણ જગતની સ્થિતિ  પરમાત્મામાં જ થાય છે માટે.
ઈતિ = એવું.
કાશકૃત્સ્નઃ = આચાર્ય કાશકૃત્સ્ન માને છે.

ભાવાર્થ
આ સૂત્રમાં આચાર્ય કાશકૃત્સ્નના મંતવ્યને રજૂ કરતાં કહેવામાં આવે છે કે એ આચાર્યનું માનવું છે કે પ્રલયકાળમાં જગતની સ્થિતિ પરમાત્મામાં થાય છે. એવું સ્પષ્ટ કહેવામાં આવ્યું હોવાથી પરમાત્મા જ સમસ્ત જગતના એક માત્ર કારણ છે. ઉપર્યુક્ત પ્રસંગમાં પ્રાણ તથા જીવાત્મા પરમાત્મા મળી જાય છે એવું વર્ણવ્યું છે તે પણ પરમાત્માને જગતના કારણ કહી બતાવવા માટે જ.


  
२३. प्रकृतिश्च प्रतिज्ञादष्टान्तानुपरोधात् ।

અર્થ
પ્રકૃતિઃ = ઉપાદાન કારણ.
ચ = પણ. (પરમાત્મા જ છે)
પ્રતિજ્ઞા દૃષ્ટાન્તાનુપરોધાત્ = એવું માનવાથી જ શ્રુતિના પ્રતિજ્ઞાવાક્યા તથા દૃષ્ટાંતવાક્યોની સંગતિ સધાય છે તેથી.

ભાવાર્થ
જગતનું નિમિત કારણ અથવા એના અધિષ્ઠાતા, સૂત્રધાર, સંચાલક તથા રચયિતા તો ઈશ્વર છે પરંતુ ઉપાદાન કારણ પ્રકૃતિ, માયા અથવા પ્રધાન છે, એવું માનીએ તો સૂત્રકાર સ્પષ્ટ રીતે જણાવે છે કે શ્રુતિના પ્રતિજ્ઞા વાક્યો તથા દ્દષ્ટાંતવાક્યોની સંગતિ નહિ સાધી શકાય. ઉપનિષદમાં અનેક ઠેકાણે પ્રતિજ્ઞા અથવા સિદ્ધાંતવાક્યો ને દ્દષ્ટાંતવાક્યોની સંગતિનું દર્શન થાય છે.

છાંદોગ્ય ઉપનિષદમાં શ્વેતકેતુને એના પિતાએ પુછ્યું છે કે ‘તારા ગુરૂ પાસેથી તને એ તત્વોપદેશ પ્રાપ્ત થયો છે ખરો કે જેને જાણવાથી ના સાંભળેલું, સાંભળેલું થાય છે, મનન ના કરેલું મનન કરેલું બની જાય છે, અને ના જાણેલું, જાણેલું બને છે ? ’
 
શ્વેતકેતુએ એ સાંભળીને પોતાના પિતાને એ સદુપદેશ વિશે પુછ્યું તો પિતાએ એને દૃષ્ટાંત સાથે સમજાવ્યું કે ‘જેવી રીતે એક મૃતિકાપિંડને જાણી લેવાથી માટીની બનેલી સઘળી વસ્તુઓને જાણી શકાય છે. એવી રીતે પિતા આરૂણિએ ત્યાં સોના તથા લોઢાનાં દૃષ્ટાંતો પણ આપ્યા છે. હવે પરમાત્માથી પૃથક્ પ્રધાનને જગતનું ઉપાદાન કારણ માની લઈએ તો એના એક અંશનું જ્ઞાન થવાથી પ્રધાનનું જ જ્ઞાન થઈ શકશે, પરમાત્માનું જ્ઞાન નહિ થાય. ઉપનિષદના એ પ્રસંગમાં પરમાત્માના જ્ઞાનનું પ્રયોજન હોવાથી, પરમાત્માને જગતનું ઉપાદાન કારણ માનીએ તો જ એ પ્રતિજ્ઞા કે સિદ્ધાંત ને દૃષ્ટાંતવાક્યોનો સુમેળ સાધી શકાય છે.

શ્વેતાશ્વતર જેવાં ઉપનિષદોમાં અજા, માયા, શક્તિ પ્રધાન જેવાં નામથી જેનું વર્ણન કરાયું છે તે તો પરમાત્માની પોતાની અભિન્ન અંતરંગ શક્તિ છે. તે કોઈ સ્વતંત્ર તત્વ નથી. સૂર્ય અને પ્રકાશ જેમ એક અથવા અવિભાજ્ય છે તેમ તે પણ પરમાત્માથી અવિભાજ્ય છે. જડ પ્રકૃતિ જડ અને ચેતનનું ઉપાદાન કારણ કદાપિ ના હોઈ શકે. જડમાંથી ચેતનનો અવિર્ભાવ ના થઈ શકે. ગીતાના સાતમા અધ્યાયમાં પરા તથા અપરા બંને પ્રકારની પ્રકૃતિનું વર્ણન કરીને ભગવાને પોતાને સમસ્ત જગતના પ્રભવ અને પ્રલય તરીકે દર્શાવીને સૌના મૂળ મહા કારણ કહ્યા છે. એટલે પરમાત્મા જ જગતના નિમિત્ત તથા ઉપાદાન કારણ છે એવું પુરવાર થાય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *