Adhyay 1, Pada 4, Verse 24-26
By-Gujju29-04-2023
Adhyay 1, Pada 4, Verse 24-26
By Gujju29-04-2023
२४. अभिध्योपदेशाश्च ।
અર્થ
અભિધ્યોપદેશાત્ = અભિધ્યા એટલે ચિંતન અથવા સંકલ્પપૂર્વક સૃષ્ટિની રચનાનું વર્ણન હોવાથી.
ચ = પણ.
ભાવાર્થ
જગતના નિમિત્ત અને ઉપાદાન કારણ એક માત્ર પરમાત્મા જ છે એટલે તો ઉપનિષદ એમણે સૃષ્ટિ રચનાનો સંકલ્પ કર્યો અને પોતે સર્વશક્તિમાન હોવાથી કોઈની પણ મદદ વિના સૃષ્ટિની રચના કરી એવું જણાવે છે. જો સૃષ્ટિના આરંભમાં એક માત્ર પરમાત્મા જ હતા તો પછી જે કાંઈ સર્જન થયું એ એમની દ્વારા અને એમનામાં જ થયું એવું આપોઆપ ફલિત થાય છે. જો એમના સિવાય બીજું કશું હતું જ નહિ તો જગતની ઉત્પત્તિમાં બીજું શું કારણરૂપ બને ? કશું જ ના બની શકે.
—
२५. साक्षाच्चोभयाम्नानात् ।
અર્થ
સાક્ષાત્ = ઉપનિષદ સ્વયં પોતાના શબ્દો દ્વારા.
ચ = પણ.
ઉભયામ્નાનાત = ઉપાદાન ને નિમિત્ત બંને કારણ હોવાની પુનરાવૃત્તિ કરે છે તેથી પણ.
ભાવાર્થ
જગતનું નિમિત્ત અને ઉપાદાન કારણ કેવળ પરમાત્મા જ છે એવું ઉપનિષદનાં વાક્યો દ્વારા પણ વારંવાર સિદ્ધ થતું જાય છે. શ્વેતાશ્વતર ઉપનિષદનો આરંભ જગતના કારણને સમજવાની મહર્ષિઓની જિજ્ઞાસાથી થાય છે. તેમાં જણાવ્યું છે કે જગતના કારણને જાણવા માટે મહર્ષિઓએ ધ્યાનયોગનો આધાર લીધો અને પરમાત્માની પરાત્પરા શક્તિનો સાક્ષાત્કાર કર્યો. એથી એમની પ્રતીતિ થઈ કે પરમાત્મા જ સૌના કારણ બનીને સૌના પર શાસન કરે છે. બીજાં ઉપનિષદોમાં પણ પરમાત્માને સર્વરૂપ કહેલા છે.
—
२६. आत्मकृतेः ।
અર્થ
આત્મકૃતેઃ = પોતે જગતના રૂપે પ્રકટે છે એવું વર્ણન હોવાથી.
ભાવાર્થ
તૈત્તિરીય ઉપનિષદમાં જણાવ્યું છે કે ‘જગત પહેલાં અવ્યક્ત દશામાં હતું, અવ્યક્તમાંથી એ પ્રકટ થયું. પરમાત્માએ પોતાને જગતરૂપમાં પ્રકટ કર્યા.’ એથી સ્પષ્ટ થાય છે કે પહેલાં પણ પરમાત્મા હતા. અને જગતના રૂપમાં પણ એ જ પ્રકટ થયા. જગતના એકમાત્ર કારણ એ જ છે.