Adhyay 1, Pada 4, Verse 27-29
By-Gujju29-04-2023
Adhyay 1, Pada 4, Verse 27-29
By Gujju29-04-2023
२७. परिणामात् ।
અર્થ
પરિણામાત્ = ઉપનિષદમાં એ જગતરૂપે પરીણમ્યા છે એવો ઉલ્લેખ હોવાથી.
ભાવાર્થ
પરમાત્મા જ જગતના કર્તા છે અને જગતરૂપ છે કારણકે ઉપનિષદ એમાં સૂર પુરાવે છે. તૈત્તિરીય ઉપનિષદ કહે છે કે ‘ જગતની રચના કરીને પરમાત્માએ એમાં પ્રવેશ કર્યો. એમાં પ્રવેશીને એ પોતે જ મૂર્ત અને અમૂર્ત- સત્ અને અસત્ બન્યા. બતાવવામાં આવનારાં ને ના આવનારાં, આશ્રય આપનારાં ને ના આપનારાં, જડ ને ચેતન, સત્ય અને અસત્ય, સૌના રૂપે એ જ પ્રકટ થયા. જે કાંઈ દેખાય કે અનુભવાય છે તે એ સત્ય જ એવું જ્ઞાનીપુરૂષો જણાવે છે.’
तत्सृष्टवा तदेवानुप्राविशत् । तदनुप्रविश्य सच्च त्यश्चाभषत् । निरूक्तं चानिरूक्तं च । निलयनं चानिलयनं च । विज्ञानं चाविज्ञानं च । सत्त्यं चानृतं च । सत्यमभवत् । यदिदं किच । तप्सत्यमित्याचक्षते ।
પરિણામનો અર્થ અહીં વિકાર નથી લેવાનો. ફુલમાંથી ફોરમ અને સૂર્યમાંથી કિરણો પ્રસરે તેમ, એમની શક્તિનો પ્રસાર થાય છે ને તે જગતરૂપે પ્રકટે છે ને જગતના કારણ બને છે.
—
२८. योनिश्च हि गीयते ।
અર્થ
હિ = કારણ કે.
યોનિઃ = યોનિ
ચ = પણ.
ગીયતે = કહેવામાં આવે છે.
ભાવાર્થ
ઉપનિષદમાં પરમાત્માને યોનિ કહેવામાં આવ્યા છે. યોનિનો અર્થ ઉપાદાન કારણ કરવામાં આવે છે. મુંડક ઉપનિષદ પરમાત્માને ब्रह्मयोनिम् એટલે કે બ્રહ્માની યોનિ અથવા બ્રહ્માના ને સમસ્ત સંસારના કારણ કહે છે એ જ ઉપનિષદમાં બીજે ઠેકાણે भूतयोनि पस्पिश्यंति धीराः કહીને સમસ્ત પ્રાણીઓના યોનિ જેવા પરમાત્માને જ્ઞાનીપુરૂષો સર્વત્ર અનુભવે છે. એવી સ્પષ્ટતા કરવામાં આવી છે. એ બધા વર્ણન પરથી પ્રતીતિ થાય છે કે સમસ્ત સૃષ્ટિના એકમાત્ર કારણ પરમાત્મા જ છે. પરમાત્મા જ સંસારના રૂપમાં દૃષ્ટિગોચર થાય છે. સોનાના ઘરેણાને જોનાર કહે કે હું કંઠી, માળા, વીંટી અથવા કડાને જોઉં છું પણ સોનાને નથી જોતો. તેવી રીતે માનવ જુદા જુદા નામરૂપવાળા જગતને જુએ છે પરંતુ એના રૂપમાં રહેનારા કે રમનારા પરમાત્માને નથી નિહાળતો એ એનું અજ્ઞાન જ છે. એ અજ્ઞાન દૂર થાય તો પરમાત્મા વિના બીજું કશું જ ના દેખાય.
—
२९. एतेन सर्वे व्यारव्याता व्यारव्याताः ।
અર્થ
એતેન = આ સ્પષ્ટીકરણ દ્વારા.
સર્વે વ્યાખ્યાતાઃ = સઘળા પૂર્વપક્ષના પ્રશ્નોના પ્રત્યુત્તર આપી દેવાયા.
વ્યાખ્યાતાઃ = ઉત્તર આપી દેવાયા.
ભાવાર્થ
આ સૂત્ર દ્વારા વિષયની અને અધ્યાયની પરિસમાપ્તિ કરતાં કહેવામાં આવે છે કે પરમાત્મા જ જગતના એકમાત્ર કારણ છે એવો નિર્ણય કરીને બીજા બધા જ પ્રતિપક્ષીઓનું સમ્યક્ સમાધાન કરી દેવાયું. પ્રધાનકારણવાદી સાંખ્યનું અને પરમાણુકારણવાદી નૈયાયિકનું તથા અન્ય મતાવલંબીનું નિરાકરણ કરવામાં આવ્યું. હવે આ સંબંધમાં કશી શંકા ના રહી. આ ગ્રંથના અભ્યાસીઓને પણ કશી શંકા નહિ રહે એવું માનીએ તો તે વધારે પડતું નહિ ગણાય.
અધ્યાય ૧ પાદ ૪ સંપૂર્ણ