Adhyay 2, Pada 1, Verse 05-06
By-Gujju29-04-2023
Adhyay 2, Pada 1, Verse 05-06
By Gujju29-04-2023
५. अभिमानीव्यपदेशस्तु विशेषानुगतिम्याम् ।
અર્થ
તુ = પરંતુ.
અભિમાનિવ્યપ્રદેશ = તે તે તત્વોના અભિમાની દેવતાઓનું વર્ણન છે (એ વાત)
વિશેષાનુગતિભ્યામ્ = વિશેષ શબ્દોના પ્રયોગને લીધે તથા એ તત્વોમાં દેવતાઓના પ્રવેશનું વર્ણન હોવાને લીધે (સિદ્ધ થાય છે.)
ભાવાર્થ
છાંદોગ્ય ઉપનિષદમાં કહ્યું છે કે ‘तत्तेज एक्षत’ ‘એ તે જે વિચાર કર્યો’ અને ‘ता आप एक्षन्त’ એ પ્રાણીએ વિચાર કર્યો.’ એ ઉપરાંત પુરાણગ્રંથોમાં સરિતા, સમુદ્ર, પર્વતાદિનું ચેતન જેવું વર્ણન કરેલું. એટલે જગત ચેતન હોવાથી ચેતન પરમાત્માથી વિલક્ષણ નથી, તેથી ચેતન પરમાત્માને એનું કારણ માનવામાં કશી હરકત નથી.
એવી વિચારધારાના વિરોધમાં આ સૂત્ર દ્વારા જણાવવામાં આવે છે કે ઉપનિષદાદિમાં જડ તત્વોમાં ચેતન જેવા વ્યવહારનું જે વર્ણન આવે છે તે વર્ણન તો તે તે તત્વોના અભિમાની દેવતાઓને લક્ષ્ય કરીને કરવામાં આવ્યું છે. તે તત્વો તો જડ જ છે અથવા પરમાત્માથી તદ્દન વિલક્ષણ છે. તે તે પ્રસંગે પ્રયોજાયલા વિશિષ્ટ શબ્દોના પ્રયોગોથી એ વસ્તુ પુરવાર થાય છે. તૈત્તિરીય ઉપનિષદમાં આવે છે કે અગ્નિએ વાણી બનીને મુખમાં અને વાયુએ પ્રાણ બનીને નાકમાં પ્રવેશ કર્યો. ત્યાં અગ્નિ તથા વાયુના અભિમાની દેવતાઓનું જ વર્ણન કરવામાં આવ્યું છે. એટલે આ જગતમાં જડ તથા ચેતન ઉભયનું અસ્તિત્વ હોવાથી પરમાત્માને જગતના ઉપાદાન કારણ તરીકે કદાપિ ના સ્વીકારી શકાય.
આગળના સૂત્રમાં એ શંકાનો ઉત્તર આપવામાં આવે છે.
—
६. द्दश्यते तु ।
અર્થ
તુ = પરંતુ.
દૃશ્યતે = ઉપનિષદાદિમાં ઉપાદાનથી વિલક્ષણ વસ્તુનું વર્ણન પણ જોવા મળે છે.
ભાવાર્થ
પરમાત્માને જગતના ઉપાદાન કારણ તરીકે માનવાનું બરાબર છે એ બતાવવા માટે અહીં કહેવામાં આવે છે કે ઉપાદાનથી વિલક્ષણ વસ્તુની ઉત્પત્તિ પણ જોવા મળે છે ખરી. ચેતન મનુષ્યથી નખ, લોમ, જેવી જડ વસ્તુઓ થાય છે એ સ્પષ્ટ છે.
મુંડક ઉપનિષદ કહે છે કે ‘ચેતન પુરૂષથી કેશ તથા રોમ થાય છે તેમ એ અવિનાશી પરમાત્માથી આ વિશ્વ પેદા થાય છે.’
यथा सतः पुरूषात् केशलोमानि तयाक्षरात् सम्भवतीह विश्वम् ।
ઉપનિષદ કરોળિયાનું ઉદાહરણ પણ આપે છે. કરોળિયાના મુખમાંથી જેવી રીતે પરમાત્માની અંદરથી સૃષ્ટિનું સર્જન થાય છે. ચેતન કરોળિયો જડ જાળાને બનાવી શકે છે તો પરમાત્મા જગતનું સર્જન શા માટે ના કરી શકે? સર્વ શક્તિમાન પરમાત્માને માટે એ કાર્ય જરા પણ મુશ્કેલ નથી. એટલે પરમાત્મા જગતના ઉપાદાન કારણ પણ છે જ.