Sunday, 22 December, 2024

Adhyay 2, Pada 1, Verse 07-08

145 Views
Share :
Adhyay 2,  							Pada 1, Verse 07-08

Adhyay 2, Pada 1, Verse 07-08

145 Views

૭. असदिति चेन्न प्रतिषेधमात्रत्वात् ।

અર્થ
ચેત = જો કહેતા હો કે,
અસત્ = એવું માનવાથી અસત્કાર્યવાદ અથવા જેની સત્તા નથી એવી વસ્તુની ઉત્પત્તિનો સંજોગ પેદા થશે.
ઈતિ ન = તો એવું નથી માનવાનું.
પ્રતિષેધમાત્ર ત્વાત્ = કારણ કે અસત્ શબ્દ ત્યાં પ્રતિષેધમાત્રનો અથવા પૂર્ણ અભાવનો બોધક છે.
 
ભાવાર્થ
‘વેદાદિમાં અસત્ માંથી સત્ ની ઉત્પત્તિ અશક્ય કહેલી હોવાથી, પરમાત્મામાંથી જડ જગતની ઉત્પત્તિ ના માની શકાય. કેમ કે એવી ઉત્પત્તિને માનવાથી પહેલાં જે વસ્તુ હતી જ નહિ તેની ઉત્પત્તિને માનવાનો દોષ પેદા થશે.’ એવી શક્ય દલીલના ઉત્તરમાં જણાવવામાં આવે છે કે વેદાદિમાં કારણથી વિલક્ષણ કાર્યની ઉત્પત્તિ નથી થતી એવું ક્યાંય નથી જણાવ્યું.

અભાવમાંથી ભાવની અને અસત્ માથી સત્ ની ઉત્પત્તિ ના થઈ શકે એ સાચું છે, પરંતુ પરમાત્મા સત્ સ્વરૂપ તથા ભાવરૂપ છે અને જગત મૂળ અવ્યક્ત અથવા અપ્રકટપણે એમની અંદર રહે છે. એનો આવિર્ભાવ કરે છે એટલું જ. એવી રીતે વિચારીએ તો પરમાત્મામાંથી જગતની ઉત્પત્તિ અસત્ માથી સત્ ની ઉત્પત્તિ ના કહી શકાય.

८. अपीतौ तद्वत्प्रसङ्गादसमञ्चसम् ।

અર્થ
અપીતૌ= (એવું માનવાથી) પ્રલયકાળમાં.
તદ્ત્પ્રસંગાત્ = પરમાત્માને એ જગતના જડત્વ તથા સુખદુઃખાદિ ધર્મોથી સંપન્ન માનવાનો પ્રસંગ ઉપસ્થિત થશે. તેથી.
અસમંજસમ્ = એ માન્યતા બરાબર નથી લાગતી.

ભાવાર્થ
સૂત્રમાં પૂર્વપક્ષીની શંકાનો સમાવેશ કરવામાં આવ્યો છે કે પ્રલયકાળમાં પણ જગત પરમાત્મામાં રહે છે એવું માનવાથી પરમાત્મા જગતની જડતાથી અને જગતના સુખદુઃખાદિ ધર્મોથી યુક્ત છે એવું પણ માનવું પડશે અને તેનું માનવાનું કોઈપણ રીતે ઉચિત નહિ થાય, કારણ કે એવી માન્યતા શ્રુતિના વચનોથી વિરૂદ્ધ કહેવાશે. શ્રુતિ તો એ પરમાત્માને જડતા જેવા ધર્મોથી રહિત, પરમ શુદ્ધ, નિરંજન કે નિર્વિકાર કહી બતાવે છે. એવી રીતે તમારી માન્યતા શ્રુતિના સિદ્ધાંત સાથે સુસંગત નહિ થાય.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *