Sunday, 22 December, 2024

Adhyay 2, Pada 1, Verse 09-10

129 Views
Share :
Adhyay 2,  							Pada 1, Verse 09-10

Adhyay 2, Pada 1, Verse 09-10

129 Views

९. न  तु  द्दष्टांतभावात् ।

અર્થ
(ઉપર્યુક્ત શ્રુતિના સિદ્ધાંતમાં ) તુ = નિઃસંદેહ.
ન = એ સૂત્રની શંકામાં દર્શાવેલા દોષો નથી.
દ્દષ્ટાંત ભાવાત્ = કારણકે એવાં પણ દ્દષ્ટાંતો મળે છે.

ભાવાર્થ
આઠમા સૂત્રમાં પ્રતિપક્ષીએ પ્રદર્શિત કરેલી શંકાના સમાધાનમાં અહીં સ્પષ્ટ રીતે જણાવવામાં આવે છે કે જગતના જડતા તથા સુખદુઃખાદિ ધર્મો પરમાત્મામાં પણ વિદ્યમાન રહેશે એવું માનવાનું કશું કારણ નથી. એ સંબંધમાં પરમાત્માને નિત્ય શુદ્ધ, નિત્ય નિરંજન, ચેતન તથા નિર્વિકાર કહેનારી શ્રુતિની સાથે પણ કોઈ પ્રકારનો વિરોધ નહિ થાય. કારણ કે કાર્ય પોતાના કારણમાં મળી જાય છે તે પછી એના ધર્મો પણ કારણમાં મળી જાય છે એવો નિયમ નથી દેખાતો.

એનાથી જુદો ક્રમ કેટલેય ઠેકાણે જોવા મળે છે, એટલે કે કાર્ય પોતાના કારણમાં મળી જાય છે ત્યારે એના ધર્મો પણ એની સાથે કારણમાં વિલીન થાય છે. માટીમાંથી તૈયાર થયેલાં વાસણો માટીમાં મળી જાય છે અને સુવર્ણમાંથી બનાવેલા અલંકારો સુવર્ણમાં ભળી જાય છે ત્યારે એમના ધર્મો માટી તથા સુવર્ણમાં નથી દેખાતા. એટલે પ્રલયકાળ, સર્જનકાળ કે બીજા કોઈયે કાળમાં કારણ પોતાના કાર્યના ગુણધર્મોથી મુક્ત રહે છે.

१०. स्वपक्षदोषाच्च ।

અર્થ
સ્વપક્ષદોષાત્ = એમના પોતાના જ પક્ષમાં ઉપર્યુક્ત બધા દોષો પેદા થાય છે એટલા માટે. 
ચ= પણ.

ભાવાર્થ
પ્રતિપક્ષીની પોતાની જ માન્યતામાં ઉપર્યુક્ત બધા જ દોષો રહેલા હોવાથી એમની પોતાની જ માન્યતા ભૂલભરેલી છે અને એથી પ્રધાનને જગતનું કારણ કોઈપણ રીતે નથી માની શકાય તેમ. સાંખ્ય મતવાળા જગતના કારણરૂપ પ્રધાનને અવયવરહિત, અવ્યક્ત અને અગ્રાહ્ય માને છે. એમાંથી સાકાર, વ્યક્ત અને ઈન્દ્રિયોના અનુભવમાં આવનારા જગતની ઉત્પત્તિ માનવાથી કારણ કરતાં તદ્દન વિલક્ષણ કે વિપરીત કાર્યની ઉત્પત્તિ થવાનો દોષ પેદા થાય છે.

જગતની ઉત્પત્તિ પહેલાં એના ગુણધર્મો પ્રધાનમાં નથી રહેતા અને જગતની ઉત્પત્તિ પછી જગતમાં આવી જાય છે એવું માનવાનો અર્થ અભાવમાંથી ભાવની કે અસત્ માંથી સત્ ની ઉત્પત્તિ માનવા બરાબર થાય છે. એ દોષ પણ એમની જ માન્યતામાંથી ઉભો થાય છે. વળી પ્રલયકાળમાં જગત પ્રધાનમાં મળી જાય છે ત્યારે જગતના ગુણધર્મો પ્રધાનમાં નથી રહેતા એવી માન્યતા હોવાને લીધે એમના મતમાં પણ કારણમાં કાર્યના ધર્મ, અથવા પ્રધાનમાં જગતના ધર્મ, આવવાની શંકા ઊભી રહે છે. એમની દ્વારા દર્શાવવામાં આવેલા એ ત્રણે દોષો એમના પોતાના જ મતમાં દેખાતા હોવાથી એ મતને અથવા પ્રધાન કારણવાદને આદર્શ માનવાનું ઉચિત નથી લાગતું. એટલે એનો સ્વીકાર ના કરી શકાય,

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *