Thursday, 19 September, 2024

Adhyay 2, Pada 1, Verse 13-14

113 Views
Share :
Adhyay 2,  							Pada 1, Verse 13-14

Adhyay 2, Pada 1, Verse 13-14

113 Views

१३. भोक्त्रापत्तेरविभागश्चेत्  स्याल्लोकषत् ।

અર્થ
ચેત્ = જો 
ભોકત્રાપત્તે = (પરમાત્માને જગતના કારણ માનવાથી એમનામાં) ભોક્તાપણાનો પ્રસંગ પેદા થશે એટલા માટે. 
અવિભાગ = જીવ અને ઈશ્વરનો ભેદ સિદ્ધ નહિ થાય અને જીવ તથા જડ વર્ગનો ભેદ પણ સિદ્ધ નહિ થાય
(ઈતિ ન-) તો એવું કહેવું બરાબર નથી.
લોકવત્ = કારણ કે લોકમાં જેવો ભેદ દેખાય છે તેવો. 
સ્યાત્ = હોઈ શકે છે.

ભાવાર્થ
આ સૂત્રમાં બ્રહ્મ કારણવાદની ચર્ચા કરવામાં આવે છે. પરમાત્માને જગતના કારણ માનવાથી પરમાત્મા જીવના રૂપમાં કર્મફળનો ઉપભોગ કરે છે એવું સિદ્ધ થશે. તેથી અને પ્રકૃતિમાં પણ ભોક્તાપણું પેદા થવાથી જીવ અને ઈશ્વરનો તથા  જીવાત્મા તથા જડ વર્ગનો ભેદ નહિ પાડી શકાય.’ એવી કોઈ શંકા કરે તો તે શંકા નિરાધાર છે. પરમાત્માને જગતના કારણ માનવાથી જીવ અને પરમાત્મા તથા જીવ અને જડ વર્ગની વચ્ચે કોઈ પણ પ્રકારનો ભેદ નહિ રહી શકે એવું માનવું નકામું છે.

પુત્ર પિતાનો અંશ હોવા છતાં માતાના ઉદરમાં રહે છે ત્યારે પીડા ભોગવે છે, એ પીડા પિતાને નથી ભોગવવી પડતી. પિતા તથા પુત્રનો ભેદ પ્રત્યક્ષ રીતે જોઈ શકાય છે. એવી રીતે પરમાત્માની અંદર ભોક્તાપણું નહિ પેદા થાય ને પરમાત્મા તથા જીવાત્માના વિભાગમાં પણ કશો વાંધો નહિ આવે. એક જ પિતાના જુદા જુદા પુત્રો પોતપોતાના સુખદુઃખને અલગ રીતે ભોગવે છે તેમ પ્રત્યેક જીવ પોતાના શુભાશુભ કર્મ ફળનો ઉપભોગ પોતાની મેળે જ ને પૃથક્ રીતે કરે છે.

એ ઉપરાંત એક જ બીજમાંથી વૃક્ષની સૃષ્ટિ થાય છે અને થડ, શાખા, પત્ર, પુષ્પ તથા ફળ બને છે. એ સૌનાં જુદાં જુદાં રૂપ, નામ અને ગુણધર્મ હોય છે. એમના જુદા જુદા વિભાગો જોઈ શકાય છે. એવી રીતે પરમાત્માના સંબંધમાં પણ સમજી લેવાનું છે. એમની અંદરથી અનેકવિધ રચનાઓ થતી હોવા છતાં એ સૌના વિભાગોમાં કે ભેદમાં કશી હરકત નથી આવતી.

१४. तदनन्यत्वमारम्भणशब्दादिभ्यः ।

અર્થ
આરંભણ શબ્દાદિભ્ય = આરંભણ શબ્દાદિને લીધે. 
તદ્દનન્યત્વમ્ = કાર્યની કારણથી અનન્યતા સિદ્ધ થાય છે.

ભાવાર્થ
ઉપર્યુક્ત વિચારસરણીના અનુસંધાનમાં કોઈ એવું કહેતું હોય કે તે પછી કારણ તથા કાર્યમાં અન્યતાની સિદ્ધિ નહિ થાય તો તે બરાબર નથી. ઉપનિષદમાં કારણ રૂપ પરમાત્માની સાથેની કાર્ય રૂપ જગતની અનન્યતાનું વર્ણન સુચારૂ રૂપે ને સ્પષ્ટ રીતે કરવામાં આવ્યું છે. એમાં કરવામાં આવેલા આરંભણ જેવા શબ્દ પ્રયોગોથી એ હકીકતને સમજવામાં શંકા નથી રહેતી.

છાંદોગ્ય ઉપનિષદમાં જણાવ્યું છે કે
यथा सोम्यैकेन मृत् पिंडने सर्वं मृन्मयं विज्ञातं स्यात् वाचारम्मणं विकोश नामधेयं मृत्तिकेत्येव सत्यम् ।
‘હે સોમ્ય ? માટીના એક ઢેફાનું રહસ્ય જાણી લેવાથી માટીમાંથી પેદા થયેલા સઘળા પદાર્થો જાણી શકાય છે; એમના આકાર અને નામના ભેદ તો વ્યવહાર પૂરતા પાડવામાં આવે છે, વાણીથી એમનું વર્ણન કરવામાં આવે છે એટલું જ; બાકી વસ્તુતઃ તો પદાર્થોના રૂપમાં ને મૂળમાં માટી જ હોય છે.’

તેવી રીતે પરમાત્મામાંથી પ્રાદુર્ભાવ પામેલું જગત કાર્યરૂપમાં પણ વસ્તુતઃ પરમાત્માથી ભિન્ન નથી. પરમાત્માની  ને જગતની અનન્યતા અથવા એકરૂપતા ઉપનિષદમાં ઠેકઠેકાણે સૂચવવામાં ને પુરવાર કરવામાં આવી છે. જગત પોતાના પ્રાદુર્ભાવ પહેલાં સૂક્ષ્મ અથવા અવ્યક્તરૂપે પરમાત્માની શક્તિ બનીને પરમાત્મામાં રહેતું હોય છે. તે પ્રાદુર્ભાવ પામે છે તે પછી પણ પરમાત્માથી નિતાંત પૃથક્ નથી થઈ શકતું. પોતાની પરમાત્મા સાથેની અનન્યતાને ટકાવી રાખે છે. સુતર વિવિધ પ્રકારના વસ્ત્રોનું રૂપ ધારણ કરવા છતાં વસ્ત્રોમાં રહે છે ને વસ્ત્રો એની સાથેની અનન્યતાને અખંડ રાખે છે તેવું જ પરમાત્મા તથા જગતના સંબંધમાં સમજવાનું છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *