Sunday, 22 December, 2024

Adhyay 2, Pada 1, Verse 17-18

142 Views
Share :
Adhyay 2,  							Pada 1, Verse 17-18

Adhyay 2, Pada 1, Verse 17-18

142 Views

१७. असद् व्यपदेशान्नेतिचेन्न धर्मान्तरेण वाक्यशेषात् ।

અર્થ
ચેત = જો.
અસદ્ વ્યપદેશાત્ = (બીજ શ્રુતિમાં) જગતે ઉત્પત્તિ પહેલા અસત્ બતાવ્યું હોવાથી
ન= કાર્ય કારણમાં રહેલું હોવાનું સિદ્ધ નથી થતું,
ઈતિ ન = તો એવું નથી.
ધર્માન્તરેણ = કારણ કે એવું કથન તો ધર્માન્તરની અપેક્ષાથી છે.
વાક્યશેષાત્ = એ વાત અંતિમ વાક્ય દ્વારા થાય છે.

ભાવાર્થ
તૈત્તિરીય ઉપનિષદમાં જણાવ્યું છે કે ‘આ બધું પહેલાં અસત્ જ હતું, એમાંથી સત્ પેદા થયું. એણે પોતે જ પોતાને આ રૂપમાં બનાવ્યું, એટલા માટે એને સુકૃત કહે છે.’
असद्  वा इदमग्र आसीत् । ततो वै सदजायत । तदात्मानं स्वययकुरूत । तस्मात्तत्सुकृतमुच्यते ।

ઉપનિષદની એ વાત પરથી એવું નથી સમજવાનું કે જગત પ્રકટ થયા પહેલાં હતું જ નહિ. જો જગત કદાપિ, કોઈ કાળમાં, કોઈયે સ્વરૂપમાં હોત જ નહિ તો એ જ વાકયમાં હતુ અથવા આસીત્ શબ્દનો પ્રયોગ કરત નહિ. વળી એમાંથી સત્ ની ઉત્પત્તિ બતાવી છે. જગત પોતાના પ્રકટીકરણ પ્રત્યક્ષ ધર્મમાં પરીણમ્યું એની પહેલાં સૂક્ષ્મરૂપે અથવા મૂળભૂત રીતે હતું. એ ધર્માન્તર અથવા સ્વરૂપાન્તરને લીધે જ, એને દર્શાવવા માટે જ, અસત્ શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે.

પ્રકટ થયાં પહેલાંની અપ્રકટ અવસ્થાને જ ધર્માન્તર કહે છે. એનો અર્થ એવો થયો કે જગત પોતાની અપ્રકટ અવસ્થાને બદલે પ્રકટ કે પ્રત્યક્ષ અવસ્થાને પ્રાપ્ત થયું. એ જ પ્રક્રિયાને ઉપનિષદમાં અસત્ માંથી સત્ ની અભિવ્યક્તિ તરીકે ઓળખવામાં આવે છે.

છાંદોગ્ય ઉપનિષદમાં એ વસ્તુની સુસ્પષ્ટતા કરતાં કહેવામાં આવ્યું છે કે ‘કોઈ કહે છે કે આ જગત આરંભમાં અસત્ જ હતું, એકલું એ જ હતું, બીજું કોઈ નહિ; એ અસત્ માંથી સત્ પેદા થયું. પરંતુ હે સોમ્ય ! અસત્ માંથી સત્ ની ઉત્પત્તિ કેવી રીતે સંભવી શકે ? એવું કેવી રીતે બની શકે ? આ સઘળું શરૂઆતમાં સત્ જ હતું.’ એમાં સર્વ પ્રકારે વિચાર કર્યા પછી જે વાક્યશેષ કે છેલ્લું વાક્ય લખવામાં આવ્યું છે એના પરથી ઉપરની વાતને અથવા સત્કાર્યવાદને પુષ્ટિ મળે છે.

१८. युक्तेः शब्दान्तराच्च ।

અર્થ
યુક્તે = યુક્તિથી.
ચ= અને. 
શબ્દાન્તરાત્ = બીજા શબ્દોથી પણ. (એ વાતને સમર્થન સાંપડે છે.)

ભાવાર્થ
વસ્તુ એક અથવા બીજા રૂપે એના કારણમાં ના હોય તો એને પ્રકટવાનો સંભવ જ નથી રહેતો. આકાશમાં ફૂલ છે જ નહિ એટલે કેવી રીતે પેદા થાય ? પરંતુ સમુદ્રમાં મીઠું પરોક્ષ રીતે રહેલું છે તેથી જ પ્રત્યક્ષ રીતે બહાર આવે છે. એવી યુક્તિ કે વિચારશક્તિથી અને વેદ તેમ જ ઉપનિષદનાં બીજા વર્ણનો પરથી જગત પેદા થયા પહેલાં સત્ સ્વરૂપે હતું એ હકીકતને પુષ્ટિ મળે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *