Friday, 15 November, 2024

Adhyay 2, Pada 1, Verse 19-21

123 Views
Share :
Adhyay 2,  							Pada 1, Verse 19-21

Adhyay 2, Pada 1, Verse 19-21

123 Views

१९. पटवच्च ।

અર્થ
પટવત્ = સુતરમાં વસ્ત્રની જેમ
ચ= પણ

ભાવાર્થ
આગળના સૂત્રની વાતને બીજી રીતે સમજાવતાં આ સૂત્રમાં વસ્ત્રનું ઉદાહરણ આપતાં કહેવામાં આવે છે કે વસ્ત્ર સુતરમાં કારણ રૂપ પ્રથમથી જ વિદ્યમાન હોય છે અને એની રચના પછી પણ સુતરથી અભિન્ન હોય છે, એવી રીતે જગત પોતાના પ્રાદુર્ભાવ પહેલાં પરબ્રહ્મ પરમાત્મામાં સૂક્ષ્મ રૂપે વાસ કરે છે અને પ્રાદુર્ભાવ પછી પણ પરમાત્માથી પરિપૂર્ણપણે પૃથક્ નથી થઈ શકતું.

२०. यथा च प्राणाद्दि ।

અર્થ
ચ = અને.
યથા = જેવી રીતે.
પ્રાણાદિ = પ્રાણ તથા ઈન્દ્રિયો.

ભાવાર્થ
વસ્ત્રનું ઉદાહરણ આવ્યા પછી હવે પ્રાણ તથા ઈન્દ્રિયોનું ઉદાહરણ આપીને જણાવવામાં આવે છે કે મૃત્યુ વખતે પ્રાણ તથા ઈન્દ્રિયો સ્થૂળ શરીરને પરિત્યાગીને જીવાત્મા સાથે બહાર નીકળી જાય છે અને અન્યત્ર વિદાય થાય છે ત્યારે એમનું અવલોકન નથી કરી શકાતું તો પણ એમનું અસ્તિત્વ તો હોય છે જ, એવી રીતે પ્રલય કાળમાં અપ્રકટ રૂપે રહેનારું જગત દેખાય નહિ તો પણ પોતાના કારણ રૂપે રહે છે જ. સૂક્ષ્મ પ્રાણનું અને ઈન્દ્રિયો સાથેના અન્યત્ર પ્રયાણ કરતાં જીવાત્માનું દર્શન જેવી રીતે સહેલાઈથી કરી શકાતું તેવી રીતે પરમાત્માનું પણ સમજી લેવાનું છે પરમાત્મા જગતમાં ઓતપ્રોત હોવા છતાં સુસૂક્ષ્મ સહેલાઈથી દૃષ્ટિગોચર નથી થઈ શકતા.

२१. इतरव्यपदेशाद् धिताकरणादिदोषप्रसक्तिः ।

અર્થ
ઈતરવ્યપદેશાત્ = પરમાત્મા જ જીવ બનીને પ્રકટે છે એવું કહેવાથી
ર્હિતાકરણાદિ દોષ પ્રસક્તિઃ = પરમાત્મામાં પોતાનું હિત કરવાનો અને અહિત કરવાનો દોષ આવી શકે છે. 

ભાવાર્થ
પરમાત્માને સમસ્ત જગતના એક માત્ર કારણ માનવામાં આવે અને જીવ બનીને પણ એ જ પ્રાદુર્ભાવ પામે છે એવું વેદ તથા ઉપનિષદના આધાર પર કહેવામાં આવે તો પરમાત્મા દોષપાત્ર દેખાવાનો સંભવ રહે છે. જીવ જગતમાં સુખી તથા દુઃખી થાય છે ને પોતાના કલ્યાણનો વિચાર કરીને તેમ જ સ્વકલ્યાણની યોજના ઘડીને કલ્યાણકાર્યમાં પ્રવૃત્ત થાય છે એવું નથી દેખાતું.

પરમાત્મા જ જીવાત્મા બનતા હોય તો પોતાનું અકલ્યાણ શા માટે કરે છે અને સર્વજ્ઞ અથવા સર્વશક્તિમાન હોવા છતાં અકલ્યાણમાંથી મુક્તિ મેળવીને કલ્યાણની સંસિદ્ધિ શા માટે નથી કરતા ? એમને કલ્યાણની સંસિદ્ધિ પણ શા માટે કરવાની હોય ? એ તો કલ્યાણસ્વરૂપ જ છે. બદ્ધ નથી પણ મુક્ત છે. એમને વળી બંધનમાંથી છૂટવાનું કેવું ? એ તો પરમજ્ઞાન સ્વરૂપ પૂર્ણ અને પ્રશાંત છે. એમને અજ્ઞાનનો, અશાંતિનો અથવા અપૂર્ણતાનો અનુભવ થાય જ શા માટે ? એ સામાન્ય અલ્પ અલ્પજ્ઞ જીવની જેમ વિષયોમાં આસક્ત બનીને બેસી રહે ? એ પોતાને જન્મમરણના ચક્રમાં શા માટે નાખે?

સૂત્રકાર પોતે જ એવી સહજ શંકા પેદા કરીને એના સુખદ સમાધાન માટે હવે પછીના સૂત્રોમાં પોતાના સ્વતંત્ર વિચારોની રજુઆત કરે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *