Adhyay 2, Pada 1, Verse 30-31
By-Gujju29-04-2023
Adhyay 2, Pada 1, Verse 30-31
By Gujju29-04-2023
३०. सर्वोपेता च तद्दर्शनात् ।
અર્થ
ચ = એ ઉપરાંત.
સર્વોપેતા = પરમાત્મા સર્વે શક્તિઓથી સંપન્ન છે.
તદ્દર્શનાત્ = શ્રુતિના વર્ણન પરથી એવું જ જોઈ શકાય છે માટે.
ભાવાર્થ
વેદ ઉપનિષદાદિમાં પરમાત્માને સર્વશક્તિ સંપન્ન કીધા છે. એ સર્વજ્ઞ પરમાત્મા આ અખિલ જગતના ધાતા તથા વિધાતા છે એમની શક્તિનું પૂરેપૂરૂં વર્ણન કોઈ જ નથી કરી શકતું, અને એમનો પાર પણ કોઈ નથી પામી શકતું. એમને અવયવ વિનાના કહ્યા છે એ તો એમની એકરસતા અને અખંડતા બતાવવા માટે. પ્રધાન એવું સર્વજ્ઞ. સર્વવ્યાપક સર્વશક્તિમાન તત્વ ના હોવાથી એમાંથી નહિ પરંતુ પરમાત્મામાંથી જ જગતની ઉત્પત્તિ થયેલી છે એવું સમજવું જ શાસ્ત્રસંગત છે.
—
३१. विकरणत्वान्नेति चेत्तदुक्तम् ।
અર્થ
વિકરણત્વાત્ = પરમાત્માને શ્રુતિએ મન તથા ઈન્દ્રિયોના કારણોથી રહિત કહ્યા છે માટે.
ન = તે જગતના કારણ નથી.
ચેત્ = જો.
ઈતિ = એવું કહેતા હો.
તદુક્તમ્ = તો એનો ઉત્તર અપાઈ ગયો છે.
ભાવાર્થ
વેદ તથા ઉપનિષદના આધાર પર જો કોઈ પરમાત્માને મન તથા ઈન્દ્રિયોથી રહિત માનીને. જગતના કારણ ના કહેતા હોય તો તેમનું તે કથન બરાબર નથી ને વેદ વિરૂદ્ધ છે. કારણ કે વેદ તથા ઉપનિષદો જ પરમાત્માને જગતના એકમાત્ર કારણ કહી બતાવે છે. શ્રુતિની એક વાતને પ્રમાણભૂત માનવી ને બીજી ના ગમતી વાતને લેશ પણ ના માનવી એ પદ્ધતિ બરાબર ના કહી શકાય.
પરમાત્મા હાથપગ જેવી ઈન્દ્રિયોથી રહિત હોવા છતાં સર્વસમર્થ છે અને ઈન્દ્રિયોના કાર્ય કરતાં પણ વધારે સંગીન કાર્ય કરી શકે છે એ સૂચવવા માટે જ વેદના પુરૂષસૂક્તમાં એમનું હજારો મસ્તકવાળા, હજારો આંખ અને હજારો પગવાળા કહીને વર્ણન કરેલું છે. सहस्त्रशीर्पा पुरूषः सहस्त्राक्षःसहस्त्रपात् । એ બધી ચર્ચાવિચારણા પ્રકાશન્તરે આ પહેલાં થઈ ચૂકી છે.