Sunday, 22 December, 2024

Adhyay 2, Pada 1, Verse 34-35

143 Views
Share :
Adhyay 2,  							Pada 1, Verse 34-35

Adhyay 2, Pada 1, Verse 34-35

143 Views

३४. वैषम्यनैर्धृण्ये न सापेक्षत्वात्तथा हि दर्शयति ।

અર્થ
વૌષમ્યનૈર્ધૂણ્યે = વિષમતા તથા નિર્દયતાનો દોષ.
ન= નથી પેદા થતો.
સાપેક્ષત્વાત્ = જીવોનાં  શુભાશુભ કર્મોની અપેક્ષા રાખીને એ સૃષ્ટિને સર્જે છે માટે. તથા 
હિ= એવું જ.
દર્શયતિ = શ્રુતિ જણાવે છે.

ભાવાર્થ
પરમાત્માને જગતના કારણ માનવાથી એમની અંદર વિષ અથવા નિર્દયતા હોવાનો દોષ પેદા નહિ થાય ? કારણ કે એ કેટલાકને સુખી કરે છે ને કેટલાકને દુઃખી. કેટલાકને ઉત્તમ કુળમાં જન્માવે છે તો કેટલાકને અધમ કુળમાં. એના સ્પષ્ટીકરણ રૂપે આ સૂત્રમાં કહેવામાં આવે છે કે પરમાત્માને તેવો દોષ નથી લાગુ પડતો.

પરમાત્મા સૃષ્ટિને રચીને જીવોને જુદી શુભાશુભ, સુખ તથા દુઃખથી ભરેલી યોનિમાં જન્માવે છે તેની પાછળ જીવોના શુભાશુભ કર્મો રહેલાં છે. એ કર્મોને અનુલક્ષીને એમના પરિણામ રૂપે જ જીવ સુખદુઃખની પ્રાપ્તિ કરે છે. ન્યાયાધીશના સારા-નરસા ચુકાદાની પાછળ એનો પક્ષપાત કે એની નિર્દયતા નથી હોતી પણ કાયદો જ કામ કરે છે તેવી રીતે પરમાત્મા કોઈ પ્રત્યે પક્ષપાત નથી કરતા કે નિર્દયતા પણ નથી બતાવતા. તે તો જીવોનાં કર્મોને જ ધ્યાનમાં રાખે છે. જીવ પોતાનાં કર્મો ને જે સુખદુઃખ ભોગવે છે તેમને માટે પરમાત્માને જવાબદાર ના ગણી શકાય કે દોષપાત્ર ના ઠરાવી શકાય.

બૃહદારણ્યક ઉપનિષદ જણાવે છે કે ‘પુણ્યકર્મથી પુણ્યયોનિની અને પાપકર્મથી પાપયોનિની પ્રાપ્તિ થાય છે.’
पुण्यो वैपुण्मेन कर्मणा भवति पापः पापेन ।

‘શુભ કર્મ કરનાર સારો થાય છે, સુખી સદાચારી ઘરમાં જન્મીને સુખી થાય છે, અને અશુભ કર્મવાળો પાપાત્મા, અશાંત અથવા દુઃખી બને છે .’
साधुकारी साधुर्भवति पापकारी पापो भवति ।


 
३५. न कर्माविभागादिति चेन्नानादित्वात् ।

અર્થ
ચેત્ = જો.
કર્મવિભાગાત્ = જીવ અને એનાં કર્મોનો જગતની ઉત્પત્તિ પહેલાં પરમાત્મામાંથી વિભાગ કરવામાં નહોતો આવ્યો તેથી
ન = પરમાત્મા કર્મોની અપેક્ષાએ સૃષ્ટિ કરે છે એવું ના કહી શકાય.
ઈતિ ન = તો એવું નથી.
અનાદિત્વાત્ = જીવ અને એનાં કર્મો અનાદિ હોવાથી.

ભાવાર્થ
પરમાત્મા જીવનાં કર્મો પ્રમાણે ઉત્તમ અથવા અધમ ગતિ અને સુખ કે દુઃખ પ્રદાન કરતા હોય તો પણ એક પ્રશ્ન તો પેદા થાય જ છે કે સૌથી પહેલાં તો એકમાત્ર પરમાત્મા જ હતા. તે વખતે જીવ કે કર્મ જેવું કશું જ નહોતું. તો પછી જીવે સારાં ને નરસાં કર્મો કેવી રીતે કર્યાં અને આ શુભાશુભ સંસ્કૃતિચક્ર કેવી રીતે ચાલવા લાગ્યું ? જો જીવ તથા કર્મોના વિભાગ સૌથી પહેલાં પરમાત્માએ કર્યાં એવું માની લઈએ તો પણ એમણે કેટલાકને સત્કર્મપરાયણ અને કેટલાકને દુષ્કર્મપરાયણ, કેટલાકને સુખી તો કેટલાકને દુઃખી કર્યાં એટલા પુરતા એ દોષપાત્ર જ ઠરે છે. એ સૌને શરૂઆતથી જ સત્કર્મપરાયણ તથા સુખી કરત તો શી હરકત હતી ?

એના ઉત્તરમાં અહીં કહેવામાં આવે છે કે જીવ અને એનાં કર્મોનો પરમાત્મામાં કદી સર્વથા અભાવ નહોતો. એ અનાદિ હોવાથી પરમાત્માની અંદર અનાદિકાળથી વિદ્યમાન છે અથવા રહે છે. એ પ્રલયકાળમાં પરમાત્મામાં મળી જાય છે તો પણ એમની સત્તાનો અને એમના સૂક્ષ્મ વિભાગનો આત્યંતિક અભાવ નથી થતો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *