Adhyay 2, Pada 2, Verse 05-06
By-Gujju29-04-2023
Adhyay 2, Pada 2, Verse 05-06
By Gujju29-04-2023
५. अन्यत्राभावाच्च न तृणादिवत् ।
અર્થ
અન્યત્ર = બીજે ઠેકાણે.
અભાવાત્ = એવા પરિણામનો અભાવ હોવાથી.
ચ = પણ.
તૃષાદિવત્ = તૃણાદિની પેઠે (પ્રધાનનું જગતના રૂપે પરીણત થવાનું )
ન = સિદ્ધ નથી થતું.
ભાવાર્થ
ઘાસ દૂધમાં પરીણત થાય છે ખરું, પરંતુ બધે જ ઠેકાણે નથી થતું. વસુકી ગયેલી ગાયના ઉદરમાં ઘાસનું દૂધ નથી થતું. તેવી રીતે તે જ ઘાસ જો બળદને કે ઘોડાને ખવડાવવામાં આવે તો પણ તેનું દૂધ નથી બનતું. એટલે ચેતન પરમાત્માના સહયોગ વિના જડ પ્રકૃતિ અથવા પ્રધાન જગતના રૂપમાં પરીણત થાય છે એવું નથી માની શકાતું.
—
६. अभ्युपगमेङप्यर्थाभावात् ।
અર્થ
અભ્યુપગમે = (અનુમાન દ્વારા પ્રધાનમાં સૃષ્ટિરચનાની સ્વાભાવિક પ્રવૃત્તિનો) સ્વીકાર કરી લેવાથી.
અપિ = પણ.
અર્થાભાવાત્ = કોઈ પણ પ્રયોજન ના હોવાને લીધે (એ માન્યતા નકામી ઠરશે.)
ભાવાર્થ
ચેતન પરમાત્માની પ્રેરણા વિના જડ પ્રકૃતિ કે પ્રધાન સૃષ્ટિની રચના કદાપિ ના કરી શકે તોપણ માનવા ખાતર માની લઈએ કે પ્રધાન જગતની રચનામાં પ્રવૃત્ત થાય છે તો તરત જ પ્રશ્ન ઉદ્ ભવે છે કે, એની રચનામાં એ શા માટે પ્રવૃત્ત થાય છે ? એની એ પ્રવૃત્તિની પાછળ કોઈ પણ પ્રયોજન નથી દેખાતું.
સાંખ્યમતમાં પ્રધાનની પ્રવૃત્તિ પુરૂષના ભોગ તથા મોક્ષને માટે છે એવું માનવામાં આવ્યું છે. પરંતુ એમાં એવું પણ માનવામાં આવ્યું છે કે પુરૂષ અસંગ, નિષ્ક્રિય, નિર્વિકાર, નિર્મળ, નિત્યશુદ્ધ, નિત્યબુદ્ધ ને નિત્યમુક્ત છે. તો પછી એને માટે ભોગ અથવા મોક્ષની આવશ્યકતા જ ક્યાં રહે છે ? એટલે એ પ્રયોજન મિથ્યા ઠરે છે. અને પ્રધાન પોતાની મેળે જ જગતની રચનાના કાર્યમાં પ્રવૃત્ત થાય છે એવું પણ નથી માની શકાતું.