Monday, 16 September, 2024

Adhyay 2, Pada 2, verse 07-08

113 Views
Share :
Adhyay 2,  							Pada 2, verse 07-08

Adhyay 2, Pada 2, verse 07-08

113 Views

७. पुरूषाश्मवदिति  चेतथापि ।

અર્થ
ચેત્ ઈતિ = જો એવું કહેતા હો કે.
પુરૂષાશ્મવત્ = આંધળા અને પાંગળા પુરૂષોના તથા લોઢા અને ચુંબકના સંયોગની જેમ (પ્રકૃતિ અને પુરૂષની સંનિધિ જ પ્રકૃતિને સૃષ્ટિ રચનામાં પ્રવૃત્તિ કરે છે.)
તથાપિ = તો એવું માનવાથી પણ (સાંખ્ય સિદ્ધાંતની સિદ્ધિ નથી થતી.)

ભાવાર્થ
આંધળા અને પાંગળા બે પુરૂષો પરસ્પર ભેગા થાય અને પાંગળો આંધળાની પીઠ પર ચઢીને રસ્તો બતાવે તે પ્રમાણે આંધળો પુરૂષ આગળ વધે અને બંને પોતાના નક્કી કરેલા સ્થાને પહોંચી જાય, અથવા લોઢાનો ને ચુંબકનો સંયોગ સધાય છે કે તરત જ લોઢામાં ક્રિયાશક્તિ પેદા થાય છે, તેવી રીતે પુરૂષ અને પ્રકૃતિનો સંયોગ જ સૃષ્ટિના સર્જનમાં કારણભૂત છે, અને પ્રકૃતિ જડ હોવા છતાં પણ પુરૂષની સંનિધિને લીધે  સૃષ્ટિની ઉત્પત્તિ જેવા કર્મમાં પ્રવૃત્ત થાય છે, એવી દલીલ કરવામાં આવે તો તે દલીલ પોતે જ દોષયુક્ત ઠરે છે. કારણ કે પાંગળો અને આંધળો બંને પુરૂષ જડ નથી પરંતુ ચેતન છે. એટલે એક પથપ્રદર્શન કરે છે અને બીજો એનું અનુસરણ. એમનો સહયોગ જડનો નહિ પરંતુ ચેતનનો સહયોગ છે.

એવી રીતે લોઢું ચુંબકની સંનિધિમાં આકર્ષણનો અનુભવ કરે છે ખરૂં પરંતુ કોઈક ચેતનપુરૂષ એમને એકમેકની પાસે ના રાખે ત્યાં સુધી એ આકર્ષણનો અનુભવ નથી થઈ શકતો. ચેતનના સહયોગથી લોઢું ચુંબક પાસે ના પહોંચે ત્યાં સુધી એની અંદર ક્રિયાશક્તિ નથી પેદા થતી. એના પરથી સાબિત થાય છે કે ચેતનની પ્રેરણાથી જ જડ પ્રધાન જગત રચનાના કાર્યમાં પ્રવૃત્તિ કરી શકે. ચેતનની પ્રેરણા વિના એ પોતાની મેળે જ જગત રચના ના કરી શકે. સાંખ્યમતમાં તો પુરૂષને અસંગ અને ઉદાસીન કહ્યો હોવાથી તે પ્રકૃતિ કે પ્રધાનને પ્રેરણા ના આપી શકે. માટે જડ પ્રકૃતિ કે પ્રધાનને જગતનું કારણ ના કહી શકાય.

८. अङ्गत्वानुपपत्तेश्च ।

અર્થ
અઙિગત્વાનુપપત્તેઃ = અંગાંગિ ભાવ (એટલે કે સત્વાદિ ગુણોના ઉત્કર્ષ અને અપકર્ષ)ની  સિદ્ધિ ના હોવાથી. 
ચ = પણ.

ભાવાર્થ
સાંખ્ય મતમાં આગળ જણાવ્યા પ્રમાણે ત્રણે ગુણોની સામ્યાવસ્થાને પ્રધાન કહેવામાં આવે છે. ગુણોની એ સામ્યાવસ્થા જો સ્વાભાવિક હોય તો તો તેનો ભંગ કદી પણ નહિ થાય, એ અખંડ રહેશે, અને ગુણોમાં વિષમતા પેદા ના થવાથી અંગાંગિ ભાવની સિદ્ધિ નહિ થાય. ગુણોમાં જ્યારે વધઘટ થાય છે ત્યારે વધેલા ગુણને અંગી અને ઘટેલા ગુણને અંગ કહેવામાં આવે છે. ગુણોની વધઘટને જો સ્વાભાવિક માનવામાં આવે તો પ્રલયને માટે અવકાશ જ નહિ રહે ને સૃષ્ટિનો ક્રમ અબાધિત રીતે ચાલુ જ રહેશે.

હવે જો એમ માનવામાં આવે કે પ્રકૃતિમાં પેદા થનારો ગુણોનો ક્ષોભ પુરૂષની પ્રેરણાથી થાય છે તો પુરૂષને અસંગ અને નિષ્ક્રિય નહિ માની શકાય, એવી માન્યતામાં દોષ પેદા થશે. પરમાત્મા પ્રકૃતિનો પ્રેરક છે એવું માનવાથી પરમાત્મા જગતના કારણ છે એમ કહેવું પડશે. ગુણોનો અંગાંગિ ભાવ અથવા ગુણોની વધઘટ સિદ્ધ ના થવાથી પ્રધાનને જગતનું કારણ નથી માની શકાતું.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *