Thursday, 14 November, 2024

Adhyay 2, Pada 2, Verse 15-16

111 Views
Share :
Adhyay 2,  							Pada 2, Verse 15-16

Adhyay 2, Pada 2, Verse 15-16

111 Views

१५. रूपादिखेत्त्वाच्च विपर्ययो  दर्शनात् ।

અર્થ
ચ = વળી.
રૂપાદિમત્તવાત્ = પરમાણુઓને રૂપ, રસાદિ ગુણોવાળાં માનવામાં આવ્યાં છે એથી.
વિપર્યય = એમની અંદર નિત્યતાને બદલે અનિત્યતાનો દોષ પેદા થાય છે.
દર્શનાત્ = દેખાય છે પણ એવું જ એટલા માટે.

ભાવાર્થ
પરમાણુવાદની એક બીજી ત્રુટિ પણ સમજવા જેવી છે. એમાં વિશ્વાસ રાખનારા વિચારકો પરમાણુઓને નિત્ય માને છે અને રસ જેવા ગુણોવાળા ગણે છે. એને લીધે એમની પોતાની જ માન્યતામાં દોષ અથવા વિરોધાભાસ પેદા થાય છે. જો પરમાણુઓને રૂપ તથા રસ જેવા ગુણોવાળા ગણી લઈએ તો નિત્ય છે એવું નહિ કહી શકાય, કારણ કે રૂપરસાદિ ગુણોવાળો જગતનો કોઈપણ પદાર્થ કાયમને માટે એક સરખાં સ્વરૂપમાં રહેનારો, શાશ્વત, અપરિવર્તનશીલ અથવા અવિકારી માનવાં પડશે.

એથી ઊલટું જો એમને રૂપરસાદિ ગુણોથી રહિત માનીએ તો પણ મોટો દોષ થશે. કારણ કે જગત જો એમનું કાર્ય હોય તો એની અદંર રૂપ તથા રસાદિ દેખાય છે. અને કાર્યમાં કારણની જ અસર આવતી હોવાથી, પરમાણુઓને જગતના કારણ તરીકે માની મનાવી નહિ શકાય. એવી બધી રીતે વિચારવાથી સમજાય છે કે પરમાણુઓથી જગતની ઉત્પત્તિ થાય છે એ માન્યતા નિર્દોષ નહિ હોવાથી અસ્વીકાર્ય ઠરે છે.

१६. उभयथा च दोषात् ।

અર્થ
ઉભયથા = બંને પ્રકારે. 
ચ = જ. 
દોષાત્ = દોષ દેખાય છે તેથી.

ભાવાર્થ
પરમાણુવાદની ચર્ચા વિચારણા કરતાં આ સૂત્રમાં એની એક બીજી ત્રુટિ તરફ અંગુલિ નિર્દેશ કરવામાં આવે છે. સંસારનું નિરીક્ષણ કરતાં દેખાય છે કે પૃથ્વી જેવાં મહાભૂતોમાંથી કોઈની અંદર વધારે તો કોઈની અંદર ઓછા ગુણો રહેલા છે. પરમાણુઓને જો જગતના કારણરૂપે માનીએ તો એમને પણ કાર્યમાં કારણના ગુણધર્મો રહેતા હોવાથી, ઓછા અથવા વધારે ગુણધર્મોથી સંપન્ન માનવા પડે. બધા જ પદાર્થોમાં શબ્દ, સ્પર્શ, રૂપ, રસ અને ગંધનો સરખી રીતે સમાવેશ થવો જોઈએ. પાણી તથા પ્રકાશમાં રસ તથા ગંધનું દર્શન થવું જોઈએ. પૃથ્વીમાં વધારે ગુણો હોવાની સાથે સાથે સ્થૂળતાનો ગુણ પણ જોવા મળતો હોવાથી, તે ગુણ પરમાણુઓમાં છે એવું માનીને પરમાણુઓ સ્થૂળ છે એવું માનવું પડશે. જો પરમાણુઓને ઓછા અથવા એકેક ગુણવાળાં માનીએ તો પણ તે માન્યતા ભૂલ ભરેલી જ સાબિત થશે, કારણ કે એ અવસ્થામાં, એમનામાંથી પેદા થતા જગતના જુદા જુદા પદાર્થોમાં પણ એક ગુણ જ પ્રકટ થશે.

અત્યારે દેખાય છે તેમ જગતના જુદા જુદા પદાર્થોમાં એક કરતાં વધારે ગુણો નહિ દેખાય. પરમાણુઓમાં ગુણો જ ના માનીએ તો એમને ગુણોથી ભરેલા જગતના કારણ તરીકે નહિ માની શકાય. જગતના જુદા જુદા ગુણધર્મો રહે છે એવું માની લઈએ તો પણ પરમાણુઓમાં અવ્યવસ્થા પેદા થશે અને એમના સ્વરૂપને એક સરખું માનવાને બદલે પરિવર્તનશીલ અથવા વિકારી માનવું પડશે. જે પરિવર્તનશીલ અથવા વિકારી હોય છે તેને સત્ય કે નિત્ય નથી કહી શકાતું. એવી રીતે પરમાણુવાદની ઈમારત અકબંધ અથવા સ્થિર નથી રહી શકતી. ટકી પણ નથી શકતી.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *