Adhyay 2, Pada 2, Verse 17-18
By-Gujju29-04-2023
Adhyay 2, Pada 2, Verse 17-18
By Gujju29-04-2023
१७. अपरिग्रहाच्चात्यन्तमनपेक्षा ।
અર્થ
અપરિગ્રહાત્ = સ્વાનુભવસિદ્ધ શ્રેષ્ઠ સત્પુરૂષોએ એનો સ્વીકાર નથી કર્યો એથી.
ચ = પણ.
અત્યન્તમ્ અનપેક્ષા = એની એકદમ ઉપેક્ષા કરવી જોઈએ.
ભાવાર્થ
પરમાણુકારણ વાદમાં કોઈપણ પ્રકારનું તત્વ કે તથ્ય હોત તો સદ્ બુદ્ધિ તથા સ્વાનુભૂતિથી સમૃદ્ધ શ્રેષ્ઠ પુરૂષો એનો સ્વીકાર ના કરત ? સત્પુરૂષો એનાં ગુણગાન કર્યા સિવાય ભાગ્યે જ રહી શકત. એમણે એને પ્રમાણભૂત અને આદર્શ નથી માન્યો એ જ એની નિરર્થકતા બતાવે છે.
—
१८. समुदाय उभयहेतुकेङपि तदप्राप्तिः ।
અર્થ
ઉભયહેતુ કે – પરમાણુહેતુક બાહ્ય સમુદાય અને સ્કંધહેતુક આભ્યંતર સમુદાય એવા બંને પ્રકારના
સમુદાયે – સમુદાયનો સ્વીકાર કરવાથી
અપિ – પણ.
તદ્દપ્રાપ્તિઃ- એ સમુદાયની સિદ્ધિ નથી થઈ શકતી.
ભાવાર્થ
બૌદ્ધ મતમાં માનનારાને મોટે ભાગે ચાર વિભાગોમાં વહેંચી શકાય છે :
વૈભાષિક, સૌત્રાન્તિક, યોગાચાર તથા માધ્યમિક એમાં વૈભાષિક, તથા સૌત્રાન્તિક બંને બાહ્ય પદાર્થોની સત્તાને સ્વીકારે છે. એ બંનેમાં ભેદ એટલો જ છે કે વૈભાષિક પ્રત્યક્ષ રીતે દેખાનારા બહારના સ્થૂળ પદાર્થોના અસ્તિત્વને માને છે અને સૌત્રાન્તિક વિજ્ઞાન દ્વારા અનુમતિ બહારના પદાર્થોની સત્તાનો સ્વીકાર કરે છે. વૈભાષિકના મત પ્રમાણે ઘટ જેવા બાહ્ય પદાર્થો પ્રત્યક્ષ પ્રમાણના વિષય છે. સૌત્રાન્તિક ઘટ જેવા પદાર્થોના રૂપમાં પ્રકટ થયેલા વિજ્ઞાનને જ પ્રત્યક્ષ માને છે અને એની દ્વારા ઘટ જેવા પદાર્થોની સત્તાનું અનુમાન કરે છે. યોગાચાર વર્ગવાળા ‘નિરાલંબ વિજ્ઞાન’ની સત્તાને સ્વીકારે છે અને બહારના પદાર્થોને સ્વપ્નમાં દેખાતા પદાર્થોની પેઠે મિથ્યા માને છે. માધ્યમિક મત મુજબ સઘળું શૂન્ય છે.
ક્ષણિક વિજ્ઞાનની ધારા જ સંસ્કારવશ દીપશિખાની પેઠે બહારના પદાર્થોના રૂપમાં દેખાય છે. દીપકની શિખાનો પ્રત્યેક પળે હ્રાસ થાય છે તો પણ વચગાળાના વખતમાં કામચલાઉ રીતે દેખાય છે, એવી રીતે બહારના પદાર્થો પણ પ્રત્યેક પળે નાશ પામતા જાય છે. એમના રૂપમાં એમની વિજ્ઞાનધારા જ દેખાય છે. દીપકની શાખા છેવટે તદ્દન શાંત થઈ જાય છે તે પ્રમાણે સંસ્કારોની સમાપ્તિ થતાં વિજ્ઞાનધારા પણ શાંત થાય છે. મુક્તિ એટલે અભાવની અથવા શૂન્યાવસ્થાની પ્રાપ્તિ એવી એમની માન્યતા હોય છે.
વૈભાષિક અને સૌત્રાન્તિકની માન્યતા પ્રમાણે રૂપ, વિજ્ઞાન, વેદના, સંજ્ઞા તથા સંસ્કાર પાંચ સ્કંધ છે. પંચમહાભૂત તથા ભૌતિક પદાર્થો, શરીર, ઈન્દ્રિયો તથા વિષયને રૂપસ્કંધ કહે છે. રૂપ, રસ, ગંધ તથા સ્પર્શથી યુક્ત પાર્થિવ પરમાણુ સમુદાયમાં એકઠાં થઈને પૃથ્વીનો આકાર ધારણ કરે છે. રૂપ, રસ, સ્પર્શ ત્રણથી યુક્ત અને સ્નિગ્ધ સ્વભાવનાં જલીય પરમાણુ જલના આકારમાં સંગઠિત થાય છે. રૂપ તથા સ્પર્શ ગુણવાળાં, ઉષ્ણ સ્વભાવ ધરાવતાં તેજનાં પરમાણુ અગ્નિનો આકાર ધારણ કરે છે. સ્પર્શની યોગ્યતાવાળાં ગતિશીલ વાયુનાં પરમાણુ વાયુના રૂપમાં સંગઠિત બને છે. પછી પૃથ્વી તથા બીજાં ચાર મહાભૂતો શરીર, ઈન્દ્રિય તથા વિષય રૂપમાં સંગઠિત થાય છે. એવી રીતે ચાર પ્રકારનાં ક્ષણિક પરમાણુ ભૌતિક સંઘાતની ઉત્પત્તિમાં કારણ બને છે.
એ પરમાણુહેતુક ભૂ-ભૌતિક વર્ગને જ રૂપસ્કંધ અથવા બાહ્ય સમુદાય કહેવામાં આવે છે. વિજ્ઞાનસ્કંધ અહંકારની પ્રતીતિ કરાવનારા આંતરિક વિજ્ઞાનના પ્રવાહને કહેવામાં આવે છે. એ જ જુદી જુદી વસ્તુઓના જ્ઞાનના રૂપમાં સ્થિત છે. કર્તા, ભોક્તા અથવા આત્મા એ જ છે. લૌકિક વ્યવહારનું ચક્ર એને લીધે જ ચાલ્યા કરે છે. સુખ અને દુઃખાદિના અનુભવનું નામ વેદનાસ્કંધ છે. બહારના કોઈક લક્ષણ પરથી વસ્તુનો નિર્ણય કરાવનાર સ્કંધ સંજ્ઞાસ્કંધ કહેવાય છે. રાગ, દ્વેષાદિ જુદા જુદા ચિત્તના ધર્મોને સંસ્કારસ્કંધના નામથી ઓળખવામાં આવે છે.
એ ચાર સ્કંધોના સમુદાયને આભ્યંતર સમુદાય કહે છે. એ બંને સમુદાયોથી અલગ બીજી કોઈ વસ્તુની સત્તા નથી માનવામાં આવતી. આત્મા અથવા આકાશની પણ નહિ. એ બંને સમુદાયોને લીધે સંસારનો વ્યવહાર ચાલ્યા કરે છે. એટલા માટે આત્માને માનવાની આવશ્યક્તા નથી લાગતી એવો એમનો અભિપ્રાય છે.
એ અભિપ્રાયના અનુસંધાનમાં અહીં જણાવવામાં આવે છે કે એને અનુસરીને નક્કી કરાયલા બંને સમુદાયને માની લેવામાં આવે તો પણ એમની સિદ્ધિ નથી થઈ શકતી કારણ કે અંદરની વસ્તુઓ અચેતન હોવાથી પોતાની મેળે જ એકઠી થાય અથવા ક્રિયા કરે એ કોઈ રીતે માની શકાય તેમ નથી. વળી એ અભિપ્રાય અથવા મત પ્રમાણે પરમાણુઓને ક્ષણિક માનવામાં આવ્યાં છે. એ પરમાણુ અને પૃથ્વી જેવાં બીજાં ભૂતોનો સ્વૈચ્છિક સંઘાત કેવી રીતે બની શકે અને એવા જડ સંઘાતના પરિણામે વિરાટ વિશ્વની ઉત્પત્તિ પણ કેવી રીતે થાય ? એટલે એ અભિપ્રાય કે મતનો સ્વીકાર કોઈ પણ રીતે નથી કરી શકાય તેમ.