Wednesday, 11 December, 2024

Adhyay 2, Pada 2, Verse 26-28

166 Views
Share :
Adhyay 2,  							Pada 2, Verse 26-28

Adhyay 2, Pada 2, Verse 26-28

166 Views

२६. नासतोङद्दष्टत्वात् ।

અર્થ
અસતઃ = અસત્ માંથી. 
ન = (કાર્યની ઉત્પત્તિ) ના થઈ શકે.
અદ્દષ્ટત્વાત્ = એવું જોવા નથી મળ્યું એટલા માટે.

ભાવાર્થ
જે વસ્તુનું પોતાનું અસ્તિત્વ ના હોય તેમાંથી બીજી વસ્તુની ઉત્પત્તિ નથી થઈ શકતી. વસ્તુનું અસ્તિત્વ હોય તો જ તેમાંથી બીજી વસ્તુનો ઉદ્ ભવ થઈ શકે અથવા બીજી વસ્તુના ઉદ્ ભવનો સંભવ હોઈ શકે. બીજ હોય છે તો એની અંદરથી અંકુરના આવિર્ભાવની શક્યતા હોય છે. દૂધ હોય છે તો એમાંથી દહીં થઈ શકે છે; તલ હોય છે તો તેલ થાય છે; ને પાણી હોય છે તો બરફ અને બરફ હોય છે તો તેનું પાણી બને છે.

એક વસ્તુનું બીજી વસ્તુમાં રૂપાંતર થાય છે. પરંતુ સ્થૂળ અથવા સૂક્ષ્મરૂપે કોઈ વસ્તુનું અસ્તિત્વ જ ના હોય તો બીજી વસ્તુ નથી બની શકતી. બૌદ્ધ મતમાં એવું માનવામાં આવે છે કે બીજ પોતે નાશ પામે છે ત્યારે જ એમાંથી અંકુર પેદા થાય છે તથા દૂધ મટી જાય છે ને દહીં બને છે, એવી રીતે કારણ પોતે નષ્ટ થઈને કાર્યને પેદા કરે છે. એ પ્રમાણે અભાવમાંથી ભાવની ઉત્પત્તિ થાય છે. એ માન્યતા એટલા માટે જ ઉત્તમ અથવા આદર્શ નથી લાગતી.

२७. उदासीनानामपि  चौवं सिद्धि ।

અર્થ
ચ = એ ઉપરાંત.
એવમ્ = એવી રીતે માનવાથી.
ઉદાસીના નામ = ઉદાસીન પુરૂષોના.
અપિ = પણ
સિદ્ધિ = કાર્યની સિદ્ધિ થઈ રહેશે.

ભાવાર્થ
કાર્યની સિદ્ધિને માટે કોઈ સનાતન નિત્ય ચેતન કર્તાની કશી આવશ્યકતા છે જ નહિ, અને ક્ષણિક પદાર્થોના સમુદાય, સંમલિન અથવા તદ્દન ઉદાસીન બનીને બે હાથ જોડીને બેસી રહે છે. એમના કાર્યની સિદ્ધિ પણ કોઈ પણ પ્રકારના કારણ વિના આપોઆપ જ થઈ રહે છે. અથવા એવું માનવું પડશે કે ઘરને બનાવવાનાં સાધનો એકઠાં થતાં, કોઈયે કારીગરની કે કડિયાની મદદ વિના એ એમની મેળે જ ઘરનું નિર્માણ કરી લે છે. અથવા રસોઈની સામગ્રી તૈયાર થતાં એ રસોઈયાની મદદ વિના જ રસોઈ બનાવી દે છે. એવી મિથ્યા માન્યતામાં કોણ ને કેવી રીતે માની શકે ?

२८. नाभाव उपलब्धेः ।

અર્થ
અભાવઃ = પદાર્થોનો અભાવ.
ન = નથી.
ઉપલબ્ધેઃ = એમની ઉપલબ્ધિ, પ્રાપ્તિ કે અનુભૂતિ થાય છે તેથી.

ભાવાર્થ
જે લોકો એવું કહે છે કે બાહ્ય પદાર્થો પ્રતીત થતા હોય તો પણ વાસ્તવમાં નથી ને સ્વપ્નની પેઠે મિથ્યા છે અથવા બુદ્ધિની કેવળ કલ્પના છે તેમનું કથન બરાબર નથી. બાહ્ય પદાર્થો બુદ્ધિની કેવળ કલ્પના કે મિથ્યા નથી પરંતુ વાસ્તવિક છે. તેમની પાછળ ચોક્કસ કાર્યકારણ સંબંધ રહેલો છે. તે કારણરૂપમાં તથા કાર્યરૂપે સત્ય છે. એટલા માટે તો એમનો એક અથવા બીજી રીતે અનુભવ થાય છે; એમને જોઈ શકાય છે, સાંભળી શકાય છે, સ્પર્શી શકાય છે, અને એમનો આસ્વાદ પામી તથા એમને જાણી શકાય છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *