Adhyay 2, Pada 2, Verse 29-31
By-Gujju29-04-2023
Adhyay 2, Pada 2, Verse 29-31
By Gujju29-04-2023
२९. वैधर्म्याच्च न स्वप्नादिवत् ।
અર્થ
વૈધર્મ્યાત્ = જાગ્રત દશામાં ઉપલબ્ધ થતા પદાર્થોથી સ્વપ્નાદિમાં પ્રતીત થતા પદાર્થોના ધર્મમાં ભેદ હોવાને લીધે.
ચ = પણ (જાગ્રત દશામાં ઉપલબ્ધ થતા પદાર્થો.) સ્વપ્નાદિમાં પ્રાપ્ત પદાર્થોની પેઠે.
ન = મિથ્યા નથી.
ભાવાર્થ
જો એવું કહેવામાં આવે કે સ્વપ્નદશામાં પણ જુદા જુદા પદાર્થો પ્રતીત થાય છે ને જાદુગર જુદા જુદા પદાર્થોની સૃષ્ટિ કરે છે તો પણ તે પદાર્થો મિથ્યા હોય છે, તેવી જ રીતે જાગ્રત દશામાં પ્રતીત થતા પદાર્થોને પણ મિથ્યા કેમ ના માનવા, તો તેના ઉત્તરમાં કહેવાનું કે સ્વપ્ન તથા જાગ્રત દશામાં પ્રતીત થતા પદાર્થોના ધર્મમાં ભેદ હોય છે. સ્વપ્નાવસ્થાના પદાર્થો જેને સ્વપ્ન આવે છે તેને જ દેખાય છે. તે જાગ્યા પછી તેવી રીતે નથી દેખાતા. જાદુગરના પેદા કરેલા પદાર્થો પણ કાયમને માટે નથી દેખાતા. પરંતુ જાગ્રત દશાના પદાર્થોના સંબંધમાં એવું નથી સમજવાનું. તે પદાર્થોની પ્રતીતિ એક સાથે અનેક માણસોને, એમની કલ્પના કરવામાં આવે કે ના આવે તો પણ થતી હોય છે.
કેટલાક પદાર્થોનો પરિચય તો એમના સંપર્કમાં આવ્યા પછી જ કરી શકાતો હોય છે. એ પદાર્થો કાયમ માટે રહેતા હોય છે. એમની અંદર પરિવર્તન કે રૂપાંતર થતું હોવા છતાં એમનો આત્યંતિક નાશ નથી થતો. પદાર્થોને ને જગતને સ્વપ્ન સમાન મિથ્યા માનનારાની વિદાય પછી પણ જગત અને એના પદાર્થો તો એવા જ રહ્યા છે. સ્વપ્નમાં થતા અનુભવોની સારી માઠી અસર જાગૃતિ પર પણ પડતી હોય છે. એટલે જાગૃતિમાં પદાર્થોની પ્રતીતિ થાય છે એટલા પરથી જ પદાર્થોની સત્તાની સિદ્ધિ નથી થતી એવી માન્યતા બરાબર નથી લાગતી.
—
३०. न भावोङनुपलब्धेः ।
અર્થ
ભાવઃ = વિજ્ઞાનવાદીઓએ કલ્પેલી વાસનાની સત્તા.
ન = સિદ્ધ નથી થતી.
અનુપલબ્ધેઃ = એમના મત મુજબ બાહ્ય પદાર્થોની ઉપલબ્ધિ જ ના થઈ શકે માટે.
ભાવાર્થ
વિજ્ઞાનવાદીઓ કહે છે કે બહારના પદાર્થો ના હોવા છતાં એમની પૂર્વવાસનાને લીધે બુદ્ધિ દ્વારા એમની પ્રતીતિ તથા પ્રાપ્તિ શક્ય બને છે, પરંતુ એમનું એ કથન સ્વીકારવા લાયક નથી લાગતું. કારણ કે જે પદાર્થોના સંસર્ગમાં આવવાનું બન્યું હોય તે જ પદાર્થોના શુભાશુભ સંસ્કારોની છાપ મન પર પડતી હોય છે અને એ જ છાપ વાસનારૂપે પ્રકટ થાય છે. પરંતુ વિજ્ઞાનવાદીઓ તો પદાર્થોનું અસ્તિત્વ જ નથી માનતા. એમને કાલ્પનિક માને છે. તો પછી એમનો સંસર્ગ કેવી રીતે થાય અને સંસર્ગ વિના સંસર્ગજન્ય પ્રતિક્રિયાને પરિણામે પેદા થનારી વાસનાનો અવકાશ પણ કેવી રીતે રહી શકે ? એટલે એમની વિચારસરણીમાં વજુદ નથી. બહારના પદાર્થો ખરેખર અસ્તિત્વ ધરાવે છે, એમની સત્તા છે, માટે જ એમની પ્રતીતિ ને પ્રાપ્તિ થાય છે એવું માનવું પડે છે.
—
३१. क्षणिकत्वाच्च ।
અર્થ
ક્ષણિકત્વાત્ = વાસના જેના આધારે રહે છે તે બુદ્ધિ પણ ક્ષણિક છે માટે.
ચ = પણ.
ભાવાર્થ
વાસનાની સત્તા ઉપર જણાવ્યું તેમ સિદ્ધ નથી થઈ શકતી એ તો સાચું છે, પરંતુ એ ઉપરાંત એક બીજી હકીકતને પણ લક્ષમાં લેવાની છે કે વાસના જેવા આશ્રયે રહે છે તે બુદ્ધિ પણ વિજ્ઞાનવાદીના મત મુજબ ક્ષણિક છે. જો બુદ્ધિ પોતે જ ક્ષણિક હોય તો એનો આધાર લઈને વાસના રહી શકે જ કેવી રીતે ? બુદ્ધિનું પોતાનું જ અસ્તિત્વ એક સરખું ના હોય તો વાસનાનું અસ્તિત્વ તો એના આધારે હોય જ ક્યાંથી ?