Friday, 3 January, 2025

Adhyay 2, Pada 2, Verse 36-37

133 Views
Share :
Adhyay 2,  							Pada 2, Verse 36-37

Adhyay 2, Pada 2, Verse 36-37

133 Views

३६. अन्त्यावस्थितेश्चोभयनित्यत्वादविशेषः ।

અર્થ
ચ = અને. 
અન્ત્યાવસ્થિતેઃ = અંતિમ અથવા મોક્ષાવસ્થામાં જીવના માપની નિત્ય સ્થિતિ સ્વીકારવામાં આવી છે એટલા માટે.
ઉભયનિત્યત્વાત્ = આદિ અને મધ્ય અવસ્થાના એના માપને પણ નિત્ય માનવું પડે છે. એથી.
અવિશેષઃ = કોઈ વિશેષતા નથી રહેતી. (બધાં શરીરોમાં એનું એકસરખું માપ સિદ્ધ થાય છે.)

ભાવાર્થ
આત્માના માપને વધનારું ને ઘટનારું માનનારા મોક્ષાવસ્થામાં જીવના માપની નિત્ય સ્થિતિ સ્વીકારે છે અથવા એ માપને સદાને માટે એકસરખું માને છે એ ખાસ યાદ રાખવા જેવું છે. તો પછી એ માન્યતાના આધાર પર આરંભમાં ને મધ્યમાં પણ એનું માપ એકસરખું રહે છે એવું માનવું પડશે. જો એનું માપ ઓછુંવત્તું થનારૂં હોય તો કાયમને માટે તેવું જ રહેવું જોઈએ. મોક્ષાવસ્થામાં પણ.

એક પદાર્થ એક સાથે વિકારી અને અવિકારી એવા બે પ્રકારના વિરોધી ગુણધર્મોથી સંપન્ન ના હોઈ શકે. કાં તો એ વિકારી હોય કે પછી અવિકારી. જે નિત્ય છે તે સદા એકસરખી અવસ્થામાં જ રહે છે. તેમાં કશો ફેર નથી પડતો. તે તો બધી જ અવસ્થા દરમિયાન અખંડ અથવા અપરિવર્તન શીલ રહે છે. એટલે આત્મા શરીરના માપ અથવા અવસ્થાને અનુસરીને નાનો મોટો બને છે એવી માન્યતાનો સ્વીકાર નથી કરી શકાતો.

३७. पत्यरसामञ्जस्यात् ।

અર્થ
પત્યુઃ = પશુપતિનો મત પણ આદરણીય નથી.
અસામંજસ્યાત્ = એ યુક્તિ વિરૂદ્ધ અથવા અસંગત હોવાથી.

ભાવાર્થ
આ સૂત્રમાં પશુપતિ મતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. એ મતમાં મહેશ્વરને જગતના નિમિત્ત કારણ અને પ્રધાનને ઉપાદાન કારણ તરીકે સ્વીકારવામાં આવે છે. એમાં તત્વોની કલ્પનાને અને મુક્તિનાં સાધનોને વેદવિરૂદ્ધ માનવામાં આવે છે. એ છ મુદ્રાઓમાં એટલે કે કંઠી, રુચિકા, કુંડલ, જટા, ભસ્મ અને યજ્ઞોપવીતમાં વિશ્વાસ રાખે છે, ને કહે છે કે એમનાથી મુદ્રિત થનાર કે એમને ધારણ કરનાર ફરી જન્મ નથી ધારણ કરતો. એ મતવાળા હાથમાં રુદ્રાક્ષની માળા પહેરવાથી, જટા ધારણ કરવાથી, ખપ્પર ગ્રહણ કરવાથી ને ભસ્મ લગાવીને પશુપતિ મહાદેવનું નામ લેવાથી મુક્તિ મળે છે એમ માને છે. મુક્તિને માટેની વેદાનુકૂળ સાધનામાં કે જ્ઞાનપરંપરામાં નિષ્ઠા ના રાખનારા એ મત સર્વપ્રકારની શાસ્ત્રીય મર્યાદાઓ અને મુક્તિઓની વિરુદ્ધ હોઈને આદર્શ, આવકારદાયક અથવા અનુકરણીય નથી લાગતો.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *