Adhyay 2, Pada 2, Verse 44-45
By-Gujju29-04-2023
Adhyay 2, Pada 2, Verse 44-45
By Gujju29-04-2023
४४. विज्ञानादिभावें वा तद् प्रतिपेधः ।
અર્થ
વા = નિસ્સંદેહ.
વિજ્ઞાનાદિભાવે = (પાંચરાત્ર શાસ્ત્ર દ્વારા) ભગવાનના વિજ્ઞાનાદિ છ ગુણોનો સંકર્ષણ આદિમાં સમાવેશ હોવાનું સૂચવાયું છે. એ માન્યતા મુજબ એ ભગવત્સ્વરૂપ છે એવું પુરવાર થાય છે, એટલા માટે.
તદ્દપ્રતિષેધઃ = એમની ઉત્પત્તિનો વેદમાં નિષેધ નથી.
ભાવાર્થ
ઉપરના સૂત્રમાં જે શંકા ઉપસ્થિત કરવામાં આવી છે કે વેદમાં જીવાત્માની ઉત્પત્તિનો તથા કર્તામાંથી કરણની ઉત્પત્તિનો વિરોધ કરવામાં આવ્યો છે એના સમાધાન સારું અહીં કહેવામાં આવે છે કે પાંચ રાત્ર શાસ્ત્રમાં જીવની ઉત્પત્તિ તથા કર્તામાંથી કરણની ઉત્પત્તિ થાય છે એવું નથી જણાવવામાં આવ્યું. તેમાં તો જીવના, મનના અને અહંકારના સંકર્ષણ, પ્રદ્યુમ્ન અને અનિરૂદ્ધ એવા અધિષ્ઠાતા બતાવવામાં આવ્યા છે. એ ભગવાન વાસુદેવના અંગભૂત છે. કારણ કે સંકર્ષણને ભગવાનના પ્રાણ, પ્રદ્યુમ્નને મન, અને અનિરૂદ્ધને અહંકાર તરીકે વર્ણવવામાં આવ્યા છે. ત્યાં કરાયલું ઉત્પત્તિનું વર્ણન ભગવાનના જ અંશોનું તે તે સ્વરૂપોમાં થનારૂં પ્રાકટ્ય છે.
ભગવાન અજન્મા હોવા છતાં જુદા જુદા સ્વરૂપે પ્રકટે છે એવું વેદ અને ઉપનિષદાદિમાં કહેલું છે. એટલે ભગવાનનું એવું પ્રાકટય વેદવિરૂદ્ધ નથી. ભક્તો અથવા આરાધકો પર અનુગ્રહ કરવા અને એમની સદ્ ભાવનાને સંતોષવા ભગવાન એવી રીતે પ્રકટી શકે છે. એ સ્વરૂપોની સેવા, પૂજા અથવા ઉપાસના દ્વારા પરમાત્માની પ્રાપ્તિ કરી શકાય છે. એ સ્વરૂપોને જ્ઞાન, ઐશ્વર્ય, શક્તિ, બલ, વીર્ય, તેજ જેવા સમસ્ત ભગવદ્ ભાવોથી ભરપુર માનવામાં આવ્યાં છે.
—
४५. विप्रतिषेधाञ्च ।
અર્થ
વિપ્રતિધેષાત્ = એમાં જીવની ઉત્પત્તિનો વિશેષરૂપે નિષેધ કરવામાં આવ્યો છે એટલે.
ચ = પણ.
ભાવાર્થ
એ ભક્તિપ્રધાન પાંચરાત્ર શાસ્ત્ર બધી રીતે વેદાનુકૂળ છે, વેદવિરોધી નથી, એ હકીકતની આ સૂત્રમાં ફરીવાર સ્પષ્ટતા કરવામાં આવે છે, જેથી એ સંબંધી કોઈ પ્રકારના સંદેહને સ્થાન જ ના રહે. વેદની જેમ એ શાસ્ત્રગ્રંથમાં પણ જીવને ચેતન, નિત્ય અનાદિ, અવિનાશી તથા જન્મમરણથી મુક્ત માનવામાં આવ્યો છે. વેદ ભક્તિવિરોધી નથી એટલે એ શાસ્ત્રમાં જે ભક્તિતત્વનું ને ભક્તિ પરંપરાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે એ વેદાનુકૂળ જ છે.
અધ્યાય ૨ – પાદ ૨ સંપૂર્ણ.