Thursday, 19 September, 2024

Adhyay 2, Pada 3, verse 01-02

90 Views
Share :
Adhyay 2,  							Pada 3, verse 01-02

Adhyay 2, Pada 3, verse 01-02

90 Views

१. न वियद्श्रुतेः ।

અર્થ
વિયત્ = આકાશ.
ન = ઉત્પન્ન નથી થતું.
અશ્રુતેઃ = કારણ કે (છાંદોગ્ય ઉપનિષદના સૃષ્ટિ પ્રકરણમાં) એની ઉત્પત્તિ નથી સાંભળવામાં આવી.

ભાવાર્થ
આ સૂત્રમાં પૂરવપક્ષની પ્રસ્થાપના કરતાં કહેવામાં આવે છે કે આકાશ અજન્મા અથવા નિત્ય છે, કારણ કે એની ઉત્પત્તિનો ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. છાંદોગ્ય ઉપનિષદના સૃષ્ટિ પ્રકરણમાં સૃષ્ટિ વિષયક વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાં પણ જણાવ્યું છે કે तत्तेजोङसृजत । એટલે કે એ પરમાત્માએ સૌથી પહેલાં તેજની રચના કરી. પછી તેજ, પાણી અને અન્ન ત્રણેના સંયોગથી જગતની વૈવિધ્યપૂર્ણ રચનાનું વર્ણન કરવામાં આવ્યું છે. ત્યાં પણ આકાશની ઉત્પત્તિ વિશે કશું પણ નથી કહેવામાં આવ્યું. એટલા માટે એ સિદ્ધ થાય છે કે એ ઉત્પન્ન નથી થતું.
 

२. अस्ति तु ।

અર્થ
તુ = પરંતુ
અસ્તિ = આકાશની ઉત્પત્તિનું વર્ણન પણ બીજે સ્થળે દેખાય છે.

ભાવાર્થ
પૂરવ પક્ષની ઉપર્યુક્ત દલીલનો ઉત્તર આપતાં અહીં કહેવામાં આવે છે કે તૈત્તિરીયોપનિષદમાં પરમાત્માને સત્ય, જ્ઞાનસ્વરૂપ અનંત કહીને એમની અંદરથી આકાશની ઉત્પત્તિ થઈ છે એવું સ્પષ્ટ રીતે વર્ણવવામાં આવ્યું છે. ત્યાં જણાવ્યું છે કે तस्माद् वा एतस्मादात्मन आकाशः सम्भूतः । ‘એ પરમાત્મામાંથી આકાશ થયું.’

એટલે વેદ અથવા ઉપનિષદમાં આકાશની ઉત્પત્તિ વિશે કશું કહેવામાં આવ્યું એવું માનવાનું બરાબર નથી. એ ઉપરાંત છાંદોગ્ય ઉપનિષદના સૃષ્ટિ પ્રકરણમાં પરમાત્માએ તેજની રચના કરી એવું કહેવામાં આવ્યું છે તે છતાં પણ, સૌથી પહેલાં તેજની રચના કરી, એ સિવાય બીજા કશાની રચના ના કરી, અને આકાશની તો કરી જ નહિ, એવું ક્યાંય નથી કહેવામાં આવ્યું. એટલે એ ઉપનિષદમાં અથવા બીજા કોઈ ઉપનિષદમાં આકાશની ઉત્પત્તિનો નિષેધ અથવા વિરોધ કરવામાં આવ્યો છે અને આકાશને નિત્ય માનીને અજન્મા બતાવવામાં આવ્યું છે એવું માનવા કોઈપણ પ્રકારનું કારણ નથી મળતું.

३. गौण्यसम्भवात् ।

અર્થ
અસમ્ભવાત્ = આકાશની ઉત્પત્તિ અસંભવ હોવાને લીધે.
ગૌણી = એ શ્રુતિ ગૌણી છે.

ભાવાર્થ
તૈત્તિરીય ઉપનિષદના આધાર પર આકાશની ઉત્પત્તિનો ઉલ્લેખ કરી બતાવ્યો તો પણ પૂર્વપક્ષીને એવી પરિતૃપ્તિ નથી થતી. એ આગળ દલીલ કરતાં જણાવે છે કે આકાશ અવયવ રહિત અને વિભુ હોવાથી એની ઉત્પત્તિનો સંભવ નથી. એની ઉત્પત્તિમાં ના માની શકાય. તૈત્તિરીય  ઉપનિષદમાં એની ઉત્પત્તિનું જે વર્ણન કરવામાં આવ્યું છે તે વર્ણનને ગૌણ ગણવું જોઈએ. તે વર્ણન કોઈક બીજા હેતુથી પ્રેરાઈને કરવામાં આવ્યું છે એવું સમજવું જોઈએ. એને ગંભીરતાપૂર્વક ના લેવું જોઈએ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *