Thursday, 14 November, 2024

Adhyay 2, Pada 3, Verse 04-05

111 Views
Share :
Adhyay 2,  							Pada 3, Verse 04-05

Adhyay 2, Pada 3, Verse 04-05

111 Views

४. शब्दाच्च ।

અર્થ
શબ્દાત્ = શબ્દ પ્રમાણથી. 
ચ=પણ.

ભાવાર્થ
એ ઉપરાંત, પૂર્વ પક્ષી જણાવે છે કે ઉપનિષદના જ બીજા શબ્દોથી પ્રમાણભૂત રીતે સમજાય છે કે આકાશની ઉત્પત્તિ થતી નથી. બૃહદારણ્યક ઉપનિષદમાં જણાવ્યું છે કે ‘વાયુ અને અંતરીક્ષ અમૃત છે.’ वायुश्चान्तरिक्षंचैतदमृतम् । વળી એવું પણ કહ્યું છે કે જેવી રીતે આ આકાશ અનંત છે તેવી રીતે આત્માને પણ અનંત સમજવો જોઈએ. જે અમૃત હોય તેનો નાશ ના હોય, અનંતનો પણ નાશ ના હોય, અને ઉત્પત્તિ પણ ના થઈ શકે.

५. स्याच्चैकस्य ब्रह्मशब्दवत् ।

અર્થ
ચ= અને.
બ્રહ્મ શબ્દવત્ = બ્રહ્મ શબ્દની જેમ.
એકસ્ય = કોઈ એક શાખાના વર્ણનમાં.
સ્યાત્ = આકાશની ઉત્પત્તિ ગૌણ રૂપે પણ બતાવી શકાય છે.

ભાવાર્થ
પૂર્વપક્ષીને પૂછવામાં આવે કે તૈત્તિરીય ઉપનિષદમાં આકાશની પેઠે વાયુ અને અગ્નિ આદિની ઉત્પત્તિનું પણ વર્ણન કરવામાં આવ્યું છે. તો પછી કેવળ આકાશની ઉત્પત્તિના વર્ણનને જ ગૌણ ગણવાનું શું કારણ છે ? બીજા બધાની ઉત્પત્તિના વર્ણનને પણ એવી જ રીતે ગૌણ શા માટે ના ગણવું જોઈએ ? તો પૂર્વપક્ષી આ સૂત્ર દ્વારા એનું સ્પષ્ટીકરણ કરતાં જણાવે છે કે ઉપનિષદમાં બ્રહ્મ શબ્દનો પ્રયોગ પણ મુખ્ય અને ગૌણ બંને પ્રકારે કરવામાં આવ્યો છે.

મુંડક ઉપનિષદમાં કહેવામાં આવ્યું છે કે ‘ બ્રહ્મ તપ દ્વારા વૃદ્ધિ પામે છે. એમાંથી અન્ન ઉત્પન્ન થાય છે .’ तपसा चीयते ब्रह्म ततोङन्नमभिजायते । અને એ પછી કહેવામાં આવ્યું છે કે ‘જે સર્વજ્ઞ, સૌને જાણવાવાળા છે, જેમનું જ્ઞાનમય તપ છે, એમની અંદરથી આ બ્રહ્મ અને નામ, રૂપ તથા અન્ન ઉત્પન્ન થાય છે.’
 
यः सर्वज्ञः सर्वविद् यस्य ज्ञानमयं तपः ।
यस्मादेतत् ब्रह्म नाम रूपमन्नं च जायते ॥

એ જ પ્રમાણે પહેલાં જણાવ્યું તેમ આકાશને કોઈક ઠેકાણે ગૌણ રીતે ઉત્પન્ન થનારૂં કહી બતાવ્યું હોય તો તે સમજી શકાય છે. એનો અર્થ એવો નથી કે આકાશની ઉત્પત્તિ થાય છે એવું સાચેસાચ સ્વીકારી લેવું જોઈએ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *