Adhyay 2, Pada 3, Verse 22-23
By-Gujju29-04-2023
Adhyay 2, Pada 3, Verse 22-23
By Gujju29-04-2023
२२. स्वशब्दानु माना भ्यां च ।
અર્થ
સ્વશબ્દાનુમાનાભ્યામ્= ઉપનિષદમાં અણુવાચક શબ્દ છે એથી અને અનુમાનવાચક બીજા શબ્દોથી.
ચ = પણ.
ભાવાર્થ
જીવાત્મા અણુ છે એ સંબંધી આગળ દલીલ કરતાં કહેવામાં આવે છે કે ઉપનિષદમાં એ વિશે સ્પષ્ટ ઉલ્લેખ કરાયેલો છે. શ્વેતાશ્વતર ઉપનિષદ જણાવે છે કે વાળના અગ્ર ભાગના સો ટુકડા કરવામાં આવે અને એમાંના એક ટુકડાના વળી પાછા સો ટુકડા કરવામાં આવે તો એવી રીતે કરાયેલો એક ટુકડો જેટલો સૂક્ષ્મ કે સૂક્ષ્માતિસૂક્ષ્મ થાય તેટલો સૂક્ષ્માતિસૂક્ષ્મ જીવાત્મા છે. જીવાત્માનું માપ એવું જ સમજી લેવું.
મુંડક ઉપનિષદમાં આત્મા અણુ જેવો છે અને ચિત્તથી જાણવા લાયક છે એવું કહેલું છે.
एषोङणुरात्मा चेतसा वेदितव्यः ।
એવી રીતે જીવાત્માને અણુ જેવો કહ્યો છે અને અનુમાન અથવા ઉપમા દ્વારા વાળના ટુકડાના અગ્ર ભાગ સાથે સરખાવ્યો છે. એ અણુ જેવો છે તેથી તો પ્રાણની અંદર પણ રહી શકે છે. જો ઉપનિષદના શબ્દોને પ્રમાણભૂત માનવામાં આવે, અને ના માનવાનું કશું કારણ નથી, તો એમના આધાર પર આત્માને અણુ જ માનવો જોઈએ. એ સિવાયની બીજી માન્યતા શ્રુતિ વિરોધી લેખાશે.
—
२३. अविरोधश्चन्दनवत् ।
અર્થ
ચંદનવત્ = ચંદનની જેમ.
અવિરોધઃ = કોઈ જાતનો વિરોધ નથી.
ભાવાર્થ
આત્મા અણુરૂપ છે એવું માનવામાં આવે તો પછી એની સ્થિતિ શરીરના કોઈ એક ચોક્કસ પ્રદેશ વિશેષમાં જ રહી શકે એવું પણ માનવું પડે. એ સમસ્ત શરીરમાં સર્વસ્થળે ના રહી શકે. એ અવસ્થામાં એને શરીરના જુદા જુદા ભાગોમાં અથવા અંગપ્રત્યંગમાં થતા સુખદુઃખનો અનુભવ જ એને થઈ શક્શે. એવી શંકાના સમાધાન માટે આ સૂત્રમાં કહેવામાં આવે છે કે ખરેખર તેવું નથી સમજવાનું.
ચંદન કોઈ એક જગ્યાએ રાખવામાં આવ્યું હોય તો પણ પોતાની સુગંધ દ્વારા ઘરમાં અને આજુબાજુ બધે જ ફેલાઈ જાય છે તેવી રીતે હૃદયપ્રદેશમાં અણુ જેવા સૂક્ષ્માતિસૂક્ષ્મ સ્વરૂપે રહેતો જીવાત્મા એક સ્થળે રહીને પણ સમસ્ત શરીરમાં ફેલાઈ જાય છે અને શરીરના કોઈ પણ અંગપ્રત્યંગમાં થતા સુખદુઃખને જાણી અથવા અનુભવી શકે છે. એવા જ્ઞાન અથવા અનુભવમાં એનું અણુપણું કોઈ પણ પ્રકારે બાધારૂપ નથી બનતું. એટલે આત્મા અણુ સ્વરૂપ છે એવું માનવામાં કશી હરકત નથી. એ માન્યતા બુદ્ધિસંગત છે.