Adhyay 2, Pada 3, verse 27-28
By-Gujju29-04-2023
Adhyay 2, Pada 3, verse 27-28
By Gujju29-04-2023
२७. तथा च दर्शयति ।
અર્થ
તથા ચ = એવું જ
દર્શયતિ – શ્રુતિ પણ કહી બતાવે છે.
ભાવાર્થ
એ વાતની સિદ્ધિ કેવળ યુક્તિ પ્રયુક્તિથી જ થાય છે એવું નથી સમજવાનું. યુક્તિપ્રયુક્તિ તો એ વાતને પુરવાર કરે જ છે પરંતુ એને શ્રુતિનું પણ સમર્થન સાંપડે છે. શ્રુતિએ પણ જણાવ્યું છે કે આત્મા શરીરની મધ્ય ભાગમાં અથવા હૃદય પ્રદેશમાં રહે છે. તો પણ નખના અગ્ર ભાગથી માંડીને મસ્તક પર્યંત અથવા રોમ સુધી બધે જ ફેલાયલો છે. જો તમે વેદ અથવા ઉપનિષદના અભિપ્રાય પ્રત્યે આદરબુદ્ધિ ધરાવતા હો અને એને પ્રમાણભૂત માનતા હો તો એને માન્યા સિવાય છૂટકો જ નથી.
—
२८. पृथगुपदेशात् ।
અર્થ
પૃથક્ = (જીવાત્માના સંબંધમાં) અણુપરિમાણથી અલગ.
ઉપદેશાત્ = ઉપદેશ ઉપનિષદોમાં મળે છે તેથી. (જીવાત્મા અણુ નથી પરંતુ વિભુ છે.)
ભાવાર્થ
પૂર્વપક્ષીએ અત્યાર સુધીનાં સૂત્રોમાં (સૂત્ર ૨૧ થી ૨૭ સુધી) જીવાત્મા વિભુ નથી પરંતુ અણુ છે એવું પ્રતિપાદન કરવાનો યુક્તિપ્રયુક્તિ તથા ઉપનિષદના ઉપદેશોના આધાર પર પ્રયત્ન કર્યો, પરંતુ એ પ્રયત્ન ભૂલ ભરેલો છે એ બતાવવા માટે હવે સૂત્રકાર પોતાના વિચારોને રજૂ કરે છે. એ વિચારો પણ યુક્તિપ્રયુક્તિ તથા ઉપનિષદના આધાર લઈને જ આગળ વધે છે અથવા પુષ્ટિ પામે છે એમની વિશેષતા છે.
ભિન્નભિન્ન વિચારસરણીના પ્રતિપાદનને માટે ઉપનિષદમાંથી પ્રેરણા મેળવવામા આવે છે એ આશ્ચર્યકારક લાગે તેમ હોવા છતાં એક ચોક્કસ વસ્તુ પ્રત્યે અંગુલિનિર્દેશ કરે છે કે ઉપનિષદનો વિચારવૈભવ અતિશય અસાધારણ અને વિપુલ છે. ભાવોના એ વિશાળ સરોવરમાંથી વિચારકો પોતપોતાના પાત્ર પ્રમાણેનું પાણી ભરી લે છે. સૌ કોઈને ત્યાં સંતોષ મળે છે એ એની વિશેષતા છે.
એ જ ઉપનિષદના આધાર પર અહીં કહેવામાં આવે છે કે જીવાત્માને વાળનો અગ્ર ભાગનું ઉદાહરણ આપીને અણુ કહેવામાં આવ્યો છે એ બરાબર છે પરંતુ એ જ ઉપનિષદમાં स चानन्त्याय कल्पते । એવું જણાવીને એને અનંત અથવા વિભુ બનવામાં સમર્થ કહ્યો છે. એટલે જો ઉપનિષદને પ્રમાણ માનવામાં આવે તો એને સમગ્ર રીતે વિચારીને એના પૂરા ભાગને પ્રમાણરૂપ માનવો જોઈએ.
એ ઉપરાંત, કઠ ઉપનિષદમાં આત્માને મહાન કહેવામાં આવ્યો છે, અને ગીતામાં એ શરીરની અંદર સર્વત્ર રહેલો છે અને એનાથી આ સમસ્ત સંસાર વ્યાપ્ત છે એવું સુસ્પષ્ટ જણાવ્યું છે. એ બધું પરમાત્માને માટે નહિ પરંતુ જીવાત્માને માટે જ કહેવામાં આવ્યું છે એ સંબંધી શંકાને સ્થાન જ નથી.