Adhyay 2, Pada 3, Verse 33-35
By-Gujju29-04-2023
Adhyay 2, Pada 3, Verse 33-35
By Gujju29-04-2023
३३. कर्ता शास्त्रार्थवत्वात् ।
અર્થ
કર્તા = કર્તા જીવાત્મા છે.
શાસ્ત્રાર્થત્વાત્ = વિધિનિષેધવાચક શાસ્ત્રવચનોની એમાં જ સાર્થકતા હોવાથી.
ભાવાર્થ
જીવાત્મા અણુ નથી પરંતુ વિભુ છે ને દેશકાળની સીમાથી બંધાયલો નથી પરંતુ અસીમ અને અનંત છે. એનો વિચાર કરી લીધા પછી હવે કર્તા કોણ છે એની વિચારણાનો આરંભ કરતાં કહે છે કે જડ પ્રકૃતિ કર્તા કદાપિ ના હોઈ શકે. જડ પ્રકૃતિ પોતાની મેળે કોઈ પણ કાર્ય કેવી રીતે કરી શકે ? એની પાછળ ચેતનની પ્રેરણા, શક્તિ ને ચેતનનું પીઠબળ હોય તો જ એ સક્રિય બની શકે. એ ઉપરાંત શાસ્ત્રોમાં અમુક કાર્ય કરવું જોઈએ અને અમુક રીતે ના વર્તવું જોઈએ એવાં વિવિધ વિધિનિષેધવાચક વચનો મળે છે તેમના પરથી પણ સમજી શકાય છે કે એ વચનો કોઈ જડ પદાર્થને લક્ષ્ય કરીને નથી લખાયેલા પરંતુ ચેતનને માટે જ કહેવાયેલાં છે. એ ચેતન જીવાત્મા જ છે. એટલે જીવાત્મા જ કર્તા છે. પ્રશ્નોપનિષદમાં સાફ શબ્દોમાં કહ્યું છે કે ‘એ પુરૂષ અથવા જીવાત્મા જ જોનાર, સ્પર્શનાર, સાંભળનાર, સુંઘનાર, રસ લેનાર, માનનાર, જાણનાર અને કરનાર છે. એ જ વિજ્ઞાનાત્મા પુરૂષ.’
एष हि द्दष्टा स्प्रष्ठा श्रोता ध्राता रसयिता मन्ता बोद्धा कर्ता विज्ञानात्मा पुरूषः ।
જીવાત્માનો કારણ શરીર સાથે અનાદિકાળનો સંબંધ હોવાથી જ એને કર્તા કહેવામાં આવે છે, એ સ્વરૂપથી કર્તા નથી, એ ખાસ યાદ રાખવાનું છે.
—
३४. विहारोषदेशात् ।
અર્થ
વિહારોપદેશાત્ = સ્વપ્નમાં સ્વેચ્છાપૂર્વક વિહાર કરવાનું વર્ણન હોવાથી પણ.
ભાવાર્થ
શાસ્ત્રોમાં એવું પણ વર્ણન કરવામાં આવ્યું છે કે સ્વપ્નામાં એ સ્વેચ્છાપૂર્વક વિચરે છે, વિહરે છે, અને જુદા જુદા અનુભવો કરે છે. એ વર્ણન જડ પ્રકૃતિને માટે નથી કરાયું પરંતુ જીવાત્માને માટે જ કરાયલું છે. કારણ કે પ્રકૃતિ જડ હોવાથી સ્વેચ્છાપૂર્વક વિહારાદિ કર્મ કદાપિ ના કરી શકે. એ વર્ણન પરથી પૂરવાર થાય છે કે જીવાત્મા જ કર્તા છે.
—
३५. उपादानात् ।
અર્થ
ઉપાદાનાત્ = ઈન્દ્રિયોને ગ્રહણ કરીને વિચરવાનું વર્ણન હોવાથી.
ભાવાર્થ
બૃહદારણ્યક ઉપનિષદમાં જણાવ્યું છે કે ‘જેવી રીતે કોઈ મહારાજા પ્રજાજનોને સાથે લઈને પોતાના પ્રદેશમાં ઈચ્છા પ્રમાણે પરિભ્રમણ કરે છે તેવી રીતે આ જીવાત્મા સ્વપ્નાવસ્થામાં પ્રાણ અને ઈન્દ્રિયોને ગ્રહણ કરીને આ શરીરમાં સ્વેચ્છાનુસાર વિહાર કરે છે.’
स यथा महाराजो जानपदान् गृहित्वा स्वे जनपदे यथाकामं परिवर्तेतैवमेवैप एतत्प्राणान् गृहित्वा स्वे शरीरे यथानामं परिवर्तते ।
એના પરથી સ્પષ્ટ થાય છે કે ઈન્દ્રિયો, પ્રાણ કે પ્રકૃતિ સ્વતંત્ર કર્તા નથી. એમને ગ્રહણ કરનારો કે એમનાથી સંપન્ન થનારો જીવાત્મા જ કર્તા છે.