Saturday, 23 November, 2024

Adhyay 2, Pada 3, Verse 48-49

124 Views
Share :
Adhyay 2,  							Pada 3, Verse 48-49

Adhyay 2, Pada 3, Verse 48-49

124 Views

४८. अनज्ञापरिहारौ देहसम्बन्धाज्जयोतिरादिवत् ।

અર્થ
અનુજ્ઞાનપરિહારૌ = વિધિ અને નિષેધ.
જ્યોતિરાદિવત્ = જ્યોતિ આદિની પેઠે.
દેહસંબંધાત્ = શરીરોના સંબંધને લીધે છે.

ભાવાર્થ
સઘળા જીવો પરમાત્માના અંશ બરાબર છે એ વસ્તુની સ્પષ્ટતા તો થઈ ગઈ પરંતુ પરમાત્માના અંશ જેવા જીવોના સંબંધમાં જુદા જુદા વિધિનિષેધ શા માટે દેખાય છે ? એક જીવને માટે અમુક કર્મના અનુષ્ઠાનનો આદેશ આપવામાં આવ્યો છે ત્યારે બીજાને માટે એનો નિષેધ કરાયો છે તેનું કારણ ? તેનું કારણ સમજાવતાં આ સૂત્રમાં જણાવવામાં આવે છે કે જીવોનો જુદાં જુદાં શરીરો સાથે સંબંધ હોવાથી એમને માટે આ શરીરો અને એમની આવશ્યકતાઓને અનુલક્ષીને જુદી જુદી જાતના વિધિનિષેધ બતાવવામાં આવ્યા છે.

કેવી રીતે ? તેને સમજાવવા જ્યોતિ કે પ્રકાશનું ઉદાહરણ આપે છે. સ્મશાનમાં પણ અગ્નિ હોય છે અને યજ્ઞકુંડનો પણ અગ્નિ હોય છે પરંતુ એ બંને જાતના અગ્નિ એકસરખા નથી કહેવાતા. એમના આશ્રય સ્થાનમાં ભેદ હોવાથી સ્મશાનના મૃત શરીરોને બાળનારા અગ્નિને અશુભ અને યજ્ઞકુંડના અગ્નિને શુભ માનવામાં આવે છે ને શુભ કાર્યને માટે અનુક્રમે ત્યાજ્ય તથા ગ્રાહ્ય માનવામાં આવે છે. પાણી પણ પરમાત્માના અંશરૂપ હોવા છતાં સરિતાનું પાણી પીવાના ઉપયોગમાં આવે છે પરંતુ ગટરનું નથી આવતું. એ ઉપરાંત સઘળી વનસ્પતિ પૃથ્વીમાંથી પેદા થાય છે તો પણ એમાંની કેટલીકનું સેવન થાય છે ને કેટલીકનું નથી થતું; કેટલીક સ્વાસ્થ્યને માટે લાભકારક કહેવાય છે તો કેટલીક હાનિકારક. જીવાત્માઓને માટે પણ એ જ પ્રમાણે જુદા જુદા વિધિનિષેધ વર્ણવવામાં આવ્યા છે, એમાં કશું ખોટું નથી.

४९. असंततेश्चाव्यतिकरः ।

અર્થ
ચ = એ ઉપરાંત.
અસંતતેઃ = (શરીરોના આવરણને લીધે) વ્યાપકતાનો નિરોધ હોવાને લીધે. 
અવ્યતિકરઃ = એનું અને એનાં કર્મોનું મિશ્રણ નહિ થાય.

ભાવાર્થ
જીવોને વિભુ માનીએ તો પણ એમના અને એમનાં કર્મોના અલગ અલગ વિભાગો થઈ શકે છે. એવા વિભાગોમાં કશો દોષ નથી પેદા થતો. જીવાત્માઓ વિભુ હોવા છતાં કારણ શરીરના આવરણને લીધે પ્રલયકાળમાં એક નથી થઈ જતા. એમના વિભાગો જેવા હોય છે તેવા જ કાયમ રહે છે. તેવી રીતે જગતના સર્જન સમયે પણ શરીરોના સંબંધને લીધે જીવાત્માઓ અલગ રહે છે એને એમનાં કર્મોની વ્યવસ્થા પણ અખંડ રહે છે. એ કર્મો એક બીજા સાથે ભળી નથી જતાં. શબ્દ વ્યાપક છે, અને આકાશમાં ફેલાય છે તો પણ પોતાના અલગ અસ્તિત્વને ટકાવી રાખે છે. એ શબ્દો એકમેક સાથે ભળી નથી જતા. જુદાં જુદાં સ્થળોએ એક જ સમયે જુદા જુદા શબ્દો બોલાય છે તેમને જુદે જુદે સ્થળે અલગ રીતે સાંભળી શકાય છે. રેડિયા દ્વારા એ શક્ય બને છે. એવી રીતે જીવાત્માઓ વિભુ હોવા છતાં પરસ્પર અલગ રહે છે ને કાર્ય કરે છે. એમને માટે એવું અશક્ય નથી.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *