Adhyay 2, Pada 3, Verse 50-51
By-Gujju29-04-2023
Adhyay 2, Pada 3, Verse 50-51
By Gujju29-04-2023
५०. आभासा एव च ।
અર્થ
ચ = અને (બીજી માન્યતાના સમર્થનમાં કરાતી યુક્તિઓ અને આપવામાં આવતાં પ્રમાણો.)
આભાસાઃ = આભાસ માત્ર.
એવ = જ છે.
ભાવાર્થ
ઉપરનાં સૂત્રોમાં જીવાત્માનું જે કાંઈ વર્ણન કરવામાં આવ્યું તે વર્ણનની સાથે સર્વ પ્રકારના વિચારકો સંમત થાય છે એવું નથી. સંસારમાં એક વિષય પર જુદી જુદી રીતે વિચારનારા, લખનારા ને બોલનારા વિચારકો તો રહેવાના જ. કેટલાક વિચારકો બીજી રીતે વિચારીને જીવાત્માને પરમાત્માનો અંશ નથી માનતા, વિભુ નથી સમજતા, તો કેટલાક બધા જીવોને સર્વ પ્રકારે સ્વતંત્ર માને છે. પોતાની માન્યતાના સમર્થનમાં એ દલીલો કરે છે ને પ્રમાણ પણ આપે છે. પરંતુ એમને ખાસ મહત્વ નથી આપવા જેવું, જીવાત્માના સંબંધમાં ઉપરનાં દ્વારા જે વિવેચન કરવામાં આવ્યું છે એ જ શાસ્ત્રસંગત, બુદ્ધિયુક્ત, બરાબર અને આદર્શ છે.
—
५१. अद्दष्टान्यमात् ।
અર્થ
અદૃષ્ટા નિયમાત્ = અદ્દષ્ટ જન્માંતરમાં કરાયલાં કર્મોના ફળોપભોગની કોઈ ચોક્કસ વ્યવસ્થા નહિ થઈ શકે એટલા માટે. (ઉપાધિના નિમિત્તથી જીવોને પરમાત્માના અંશ માનવાનું બરાબર નથી.)
ભાવાર્થ
પરમાત્મા અખંડ અને અવયવ રહિત હોવાથી એમના અંશ ના હોઈ શકે. તો પછી જીવોને એમના અંશ કહેવામાં આવે છે એ અંશાંશિભાવ વાસ્તવિક નથી પરંતુ ઘટાકાશની પેઠે ઉપાધિના નિમિત્તથી પ્રતીત થાય છે. એવું માનવામાં કશી હરકત છે ? એવા પ્રશ્નના પ્રત્યુત્તરમાં કહેવામાં આવે છે કે હા. જીવોને પરમાત્માના અંશ માનવાને બદલે તદ્દન સ્વતંત્ર માનવામાં આવે અને ઘટાકાશની પેઠે ઉપાધિના નિમિત્તથી પરમાત્માના અંશ સમજવામાં આવે તો પણ જીવોનાં કર્મોના ફળોપભોગની વ્યવસ્થા નહિ થઈ શકે. એમના કર્મની ને કર્મફળના ઉપભોગની ચોક્કસ વ્યવસ્થા કોણ કરશે ? કર્મ તો જડ છે, એથી એમની અંદર એવી શક્તિ ના હોઈ શકે. જીવાત્માની શક્તિ પણ છેક જ સીમિત હોવાથી પોતે કરેલાં કર્મોનાં ફળોને નિશ્ચિત સમયે ને નિશ્ચિત પ્રમાણમાં ભોગવવાનું એને સારૂ કદાપિ શક્ય ના હોઈ શકે.
એક જ પરમાત્મા ઘટાકાશની પેઠે જુદાં જુદાં શરીરોની ઉપાધિને લીધે જુદા જુદા જીવોના રૂપમાં પ્રતીત થાય છે એવું માનીએ તો પણ એ જીવોના કર્મોની અને એ કર્મોના ફળોપભોગની વ્યવસ્થા નહિ થઈ શકે. કારણ કે એવી રીતે માનવાથી જીવાત્માનો ને પરમાત્માનો ભેદ વાસ્તવિક નહિ હોય, અને એને લીધે જુદા જુદા જીવોના કર્મોનો અને એમને ભોગવનારા જીવોના વિભાગ કરવાનું, અને એમનાથી અલગ રહીને એમની વ્યવસ્થા કરવાવાળા સર્વ સમર્થ પરમાત્માને માનવાનું અશક્ય બની જશે. એટલે પરમાત્મા જ જીવોની ને જીવોના કર્મફળના ઉપભોગની સુનિશ્ચિત વ્યવસ્થા કરે છે ને જીવ એમના અંશ છે એવું માનવાનું જ બધી રીતે યોગ્ય છે.