Adhyay 2, Pada 4, Verse 09-10
By-Gujju29-04-2023
Adhyay 2, Pada 4, Verse 09-10
By Gujju29-04-2023
९. न वायुक्रिये पृथगुपदेशात् ।
અર્થ
વાયુક્રિયે= (મુખ્ય પ્રાણ) વાયુતત્વ અને એની ક્રિયા.
ન= નથી.
પૃથદુપદેશાત્ = એનું એ બંનેથી જુદું વર્ણન કરાયું છે તેથી.
ભાવાર્થ
આ સૂત્ર મુખ્ય પ્રાણ શું છે તેની સમજ પૂરી પાડવા રચાયું છે. મુખ્ય પ્રાણ વાયુતત્વ અને એની ક્રિયા નથી એની અહીં સ્પષ્ટતા કરવામાં આવે છે. એ બાબત ઉપનિષદનો આધાર લઈને જણાવવામાં આવે છે કે મુંડક ઉપનિષદમાં પ્રાણની ઉત્પત્તિનું વર્ણન કરાયું છે ત્યાં વાયુની ઉત્પત્તિનું વર્ણન અલગ છે. એના પરથી પુરવાર થાય છે કે ઉપનિષદમાં કહેલો મુખ્ય પ્રાણ વાયુ એની ક્રિયા કરતાં જુદો જ છે.
—
१०. चक्षुशादिवत्तु तत्सहशिष्टटयादिभ्यः ।
અર્થ
તુ = પરંતુ (પ્રાણ પણ)
ચક્ષુરાદિત્ = ચક્ષુ વિગેરે ઈન્દ્રિયોની પેઠે (જીવાત્માનું ઉપકરણ છે.)
તત્સહશિષ્ટયાદિભ્યઃ = કારણ કે એમની સાથે પ્રાણ અને ઈન્દ્રિયોના સંવાદમાં એનું વર્ણન કરવામાં છે અને એમની જેમ એ જડ પણ છે.
ભાવાર્થ
પ્રાણ અને વાયુતત્વ જો જુદાં જુદાં હોય તો પછી પ્રાણ જીવાત્માની જેમ કોઈ સ્વતંત્ર પદાર્થ છે કે કેમ ? એવો પ્રશ્ન થાય તો એના ઉત્તરમાં જણાવે છે કે મુખ્ય પ્રાણ જીવાત્માની પેઠે કોઈ સ્વતંત્ર પદાર્થ નથી, પરંતુ ઈન્દ્રિયોની પેઠે જ જીવાત્માને આધીન છે. એટલે તો ઈન્દ્રિયોના સંયમની જેમ પ્રાણના સંયમનો પણ સંદેશ આપવામાં આવ્યો છે. ઈન્દ્રિયોની જેમ પ્રાણ પણ જીવાત્માનું સાધન છે અને જીવાત્મા એમનાથી શ્રેષ્ઠ છે. એ ઉપરાંત પ્રાણ ઈન્દ્રિયાદિની જેમ જડ હોવાથી જીવાત્માની પેઠે સ્વતંત્ર ના હોઈ શકે ને નથી. જીવાત્મા તો ચેતન છે.
પ્રાણ અને ઈન્દ્રિયોના સંવાદની કથા છાંદોગ્ય ઉપનિષદમાં કહેવામાં આવી છે. એ કથા પ્રમાણે એકવાર બધી ઈન્દ્રિયો પોતપોતાની શ્રેષ્ઠતાની ચર્ચા કરતાં પોતાને શ્રેષ્ઠ કહેવા લાગી. આખરે એ પોતાના વાદવિવાદના નિર્ણય માટે પ્રજાપતિ પાસે જઈને એમનામાં કોણ શ્રેષ્ઠ છે તે પૂછવા લાગી.
પ્રજાપતિએ જણાવ્યું કે તમારામાંથી જેના બહાર નીકળવાથી શરીર નિર્જીવ બની જાય તે જ શ્રેષ્ઠ કહેવાય. એ સાંભળીને વાણી, આંખ અને કાનની ઈન્દ્રિયો વારાફરતી શરીરની બહાર નીકળી. બીજી ઈન્દ્રિયોએ પણ એમનું અનુકરણ કર્યું તો પણ શરીરનું કામ ચાલુ જ રહ્યું. અંતે મુખ્ય પ્રાણે શરીરમાંથી બહાર નીકળવાની તૈયારી કરી ત્યારે મન તથા ઈન્દ્રિયો વિચલિત બનીને ખળભળી ઊઠી. જીવન પર જાણે કે પડદો પડવા લાગ્યો. એ જોઈને બધી ઈન્દ્રિયોએ પ્રાણની શ્રેષ્ઠતાનો સ્વીકાર કર્યો અને એને શરીરને છોડીને બહાર ના જવાની પ્રાર્થના કરી.
એ કથામાં પ્રાણનો ઉલ્લેખ બીજી ઈન્દ્રિયોની સાથે કરવામાં આવ્યો હોવાથી તે પણ ઈન્દ્રિયોની જેમ જીવાત્માનું સાધન છે એ સ્પષ્ટ થાય છે.