Adhyay 2, Pada 4, Verse 11-13
By-Gujju29-04-2023
Adhyay 2, Pada 4, Verse 11-13
By Gujju29-04-2023
११. अकरणत्वाश्च न दोषस्तथा हि दर्शयति ।
અર્થ
ચ = અવશ્ય જ.
અકરણત્વાત્ = (ઈન્દ્રિયોની જેમ) વિષયોના ઉપભોગમાં કરણના હોવાને લીધે દોષ.
ન = નથી પેદા થતો.
હિ = કેમ કે.
તથા = કરણ હોવાનું ખરેખર કેવું છે તે.
દર્શયતિ = શ્રુતિ સ્વયં દર્શાવે છે.
ભાવાર્થ
પ્રાણને જીવાત્માનું કરણ માનીએ તો એક દોષ પેદા થવાનો સંભવ છે. તે દોષ એ છે કે બીજી બધી ઈન્દ્રિયો વિષયોનું જ્ઞાન કરવામાં કરણ બને છે પરંતુ પ્રાણ કોઈ વિષયના અનુભવ અથવા ઉપભોગનું કરણ નથી બનતો. પરંતુ સૂત્રકાર સમજાવે છે કે એ કોઈ દોષ નથી. બધી ઈન્દ્રિયોને પ્રાણ જ ધારણ કરે છે, પ્રાણને લીધે જ એ પ્રવૃત્તિ કરે છે, શરીર તથા ઈન્દ્રિયોનું પોષણ પણ પ્રાણ જ કરે છે, અને એના સંયોગથી જ જીવાત્મા શરીર છોડીને બીજે ગતિ કરે છે. એવી રીતે છાંદોગ્ય ઉપનિષદમાં એનો કરણ ભાવ દર્શાવવામાં આવ્યો છે. માટે એ સંબંધમાં શંકા કરવાનું નકામું છે.
—
१२. पञ्चवृत्तिर्मनोवद् व्यपदिश्यते ।
અર્થ
મનોવદ્ = (શ્રુતિએ એને) મનની પેઠે.
પંઙ્ચવૃત્તિ = પાંચ વૃત્તિઓવાળો.
વ્યપદિશ્યતે = કહી બતાવ્યો છે.
ભાવાર્થ
બૃહદારણ્યક ઉપનિષદમાં, કાન જેવી જ્ઞાનેન્દ્રિયોના રૂપમાં મનની પાંચ વૃત્તિઓ માનેલી છે તેમ મુખ્ય પ્રાણને પણ પાંચ વૃત્તિઓવાળો કહી બતાવ્યો છે. એ પાંચ વૃત્તિઓ પ્રાણ, અપાન, વ્યાન, સમાન અને ઉદાન છે. એ વૃત્તિઓની મદદથી એ જીવાત્માના ઉપયોગમાં આવે છે. એટલા માટે પણ એને જીવાત્માના ઉપકરણ તરીકે માનવામાં આવે છે.
—
१३. अणुश्च ।
અર્થ
અણુઃ = સૂક્ષ્મ.
ચ = પણ છે.
ભાવાર્થ
પ્રાણ જીવાત્મા તથા વાયુ તત્વથી ભિન્ન છે અને શરીરમાં પાંચ વિભાગમાં વિહરીને શરીરને ધારણ કરે છે અને એમાં ક્રિયાશક્તિનો સંચાર કરે છે. એનું સમર્થન અત્યાર સુધીનાં સૂત્રોમાં કરવામાં આવ્યું. હવે એના જ અનુસંધાનમાં પ્રાણના સ્વરૂપનો ખ્યાલ આપતાં કહેવામાં આવે છે કે પ્રાણનો અનુભવ એની પાંચ વૃત્તિઓ દ્વારા સ્થૂળ રીતે થાય છે તો પણ એ અણુ અથવા સૂક્ષ્મ પણ છે. સૂક્ષ્મ હોવાની સાથે સાથે એ વ્યાપક તો છે જ અને શરીરમાં સીમિત પણ છે. એને અણુ કહેવામાં આવ્યો છે એનો અર્થ એવો નથી કે એનો કોઈ વિશિષ્ટ આકાર છે. અણુ શબ્દનો પ્રયોગ એની સૂક્ષ્મતાને સૂચવવા માટે જ કરવામાં આવ્યો છે. સૂક્ષ્મ હોવા છતાં એ અસાધારણ શક્તિથી સંપન્ન છે ને સ્થૂળ શરીરને શક્તિથી સભર બનાવી દે છે. એ એની વિશેષતા છે.