Adhyay 2, Pada 4, Verse 17-19
By-Gujju29-04-2023
Adhyay 2, Pada 4, Verse 17-19
By Gujju29-04-2023
१७. ते इन्द्रीयाणी तद् व्यपदेशादन्यत्र श्रेष्ठात् ।
અર્થ
તે = એ મન આદિ અગિયાર.
ઈન્દ્રિયાણી = ઈન્દ્રિય.
શ્રેષ્ઠાત્ = મુખ્ય પ્રાણ કરતાં જુદાં છે.
તદ્દવ્યપદેશાત્ = બીજી શ્રુતિઓમાં એનું જુદી રીતનું વર્ણન છે માટે.
ભાવાર્થ
મુંડક ઉપનિષદમાં મુખ્ય પ્રાણને મન આદિ અગિયાર ઈન્દ્રિયોથી જુદો કહેવામાં આવ્યો છે અને ઈન્દ્રિયોને માટે પ્રાણ શબ્દનો પ્રયોગ પણ નથી કરવામાં આવ્યો. એના પરથી પુરવાર થાય છે કે ઈન્દ્રિયો અને મન મુખ્ય પ્રાણથી જુદાં છે. મુખ્ય પ્રાણને લીધે જ એ સૌના શરીરમાં સ્થિતિ થઈ શકે છે એટલે મુખ્ય પ્રાણ એમનાથી પૃથક્ છે.
—
१८. भेदश्रुतेः ।
અર્થ
ભેદશ્રુતેઃ = ઈન્દ્રિયો અને મુખ્ય પ્રાણનો ભેદ સાંભળવામાં આવ્યો છે એટલા માટે (પણ મુખ્ય પ્રાણ એથી ભિન્ન છે.)
ભાવાર્થ
મુંડક ઉપનિષદ, બૃહદારણ્યક ઉપનિષદ તથા પ્રશ્નોપનિષદમાં ઈન્દ્રિયોનું પ્રાણના નામથી વર્ણન આવે છે. ત્યાં એમનો મુખ્ય પ્રાણથી ભેદ પાડી બતાવવામાં આવ્યો છે તથા મુખ્ય પ્રાણને ઈન્દ્રિયો અને બીજાં બધાં તત્વોથી અલગ કહીને એની શ્રેષ્ઠતાનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે. એથી મુખ્ય પ્રાણ એ બધાથી જુદો છે એવું સાબિત થાય છે.
—
१९. वैलक्षण्याच्च ।
અર્થ
વૈલક્ષણ્યાત્ = પરસ્પર વિચારણા હોવાને લીધે.
ચ = પણ.
ભાવાર્થ
મુખ્ય પ્રાણ અને ઈન્દ્રિયોમાં પરસ્પર વિલક્ષણતા હોવાથી ભિન્નતા છે એવું માન્યા સિવાય છૂટકો નથી. ઈન્દ્રિયો અને અંતઃકરણ સુષુપ્તિ દરમિયાન લય પામે છે ત્યારે પણ મુખ્ય પ્રાણ જાગે છે ને કાર્ય કરે છે. એની ઉપર નિદ્રાવસ્થાનો કશો જ પ્રભાવ નથી પડતો. એના પરથી પણ સિદ્ધ થાય છે કે મુખ્ય પ્રાણ ઈન્દ્રિયો કરતાં જુદો છે.