Thursday, 14 November, 2024

Adhyay 3, Pada 1, Verse 04-05

135 Views
Share :
Adhyay 3,  							Pada 1, Verse 04-05

Adhyay 3, Pada 1, Verse 04-05

135 Views

४. अग्न्यादिगतिश्रुतेरिति चेन् भाक्तत्वात् ।

અર્થ
ચેત્ = જો કહેતા હો કે.
અગ્નાદિગતિશ્રુતેઃ = બીજી શ્રુતિમાં અગ્નિ આદિમાં પ્રવેશ કરવાની વાત કહી છે એટલા માટે (એવું સિદ્ધ નથી થતું.)
ઈતિ ન = તો એવું બરાબર નથી.
ભાક્તત્વાત્ = કારણ કે એ શ્રુતિ અન્ય વિષયક હોવાથી ગૌણ છે.

ભાવાર્થ
બૃહદારણ્યક ઉપનિષદમાં આવતા વર્ણનમાં આર્તભાગ અને યાજ્ઞવલ્કયનો સંવાદ છે. એ સંવાદમાં જણાવ્યું છે કે ‘મરણ દરમિયાન વાણી અગ્નિમાં વિલીન થાય છે ને પ્રાણવાયુમાં.’ એથી બધાં તત્વો પોતપોતાના કારણમાં વિલીન બની જતાં હોવાથી જીવાત્મા એ તત્વોની સાથે ગમન કરે છે એવું માનવું-મનાવવું બરાબર નથી, એવું જો કોઈ કહેતું હોય તો તે કથન ઠીક નથી. કારણ કે પ્રશ્નના રૂપમાં વ્યક્ત કરાયલા એ વિચારોનો યાજ્ઞવલ્કયે ઉત્તરના રૂપમાં સ્વીકાર નથી કર્યો. એટલે ઉપનિષદનો એ ઉલ્લેખ પ્રશ્નવિષયક હોવાથી ગૌણ છે. એ પ્રશ્નનો ઉત્તર યાજ્ઞવલ્કયે સભાની વચ્ચે આપવાને બદલે આર્તભાગને સભાની બહાર એક બાજુ લઈ જઈને આપ્યો છે.

५. प्रथमेङश्रवणादिति चेन्न ता एव ह्युपपत्तेः ।

અર્થ
ચેત્ = જો કહેતા હો કે.
પ્રથમે = પ્રથમ આહુતિના વર્ણનમાં.
અશ્રવણાત્ = (પાણીનું નામ) સાંભળવામાં નથી આવ્યું એટલે (અંતે એવું) કહેવું કે પાંચમી આહુતિમાં પાણી પુરૂષ નામવાળું થઈ જાય છે તે વિરૂદ્ધ છે.
ઈતિ ન = તો એવું નથી.
હિ = કેમ કે.
ઉપપત્તેઃ = પૂર્વા પર સંબંધથી (સિદ્ધ થાય છે કે)
એવ = (ત્યાં) શ્રદ્ધાના નામે એ પાણીનું જ કથન કરવામાં આવ્યું છે.

ભાવાર્થ
ઉપનિષદ ઉપર્યુક્ત પ્રકરણમાં પ્રથમ આહુતિના વર્ણન વખતે પાણીના નામનો નિર્દેશ નથી કરવામાં આવ્યો પરંતુ શ્રદ્ધાનો સ્પષ્ટ ઉલ્લેખ કરવામાં આવ્યો છે. તેથી બધું એનું જ પરિણામ છે, અને પાંચમી આહુતિમાં પાણી જ પુરૂષનું નામ ધારણ કરે છે એવું વિધાન બરાબર નથી અને વિરોધી લાગે છે, એવું કહેવામાં આવે તો એવું કથન યોગ્ય નથી. કારણ કે ત્યાં જે શ્રદ્ધા શબ્દનો પ્રયોગ કરવામાં આવ્યો છે શબ્દ સંકલ્પમાં સ્થિત પાણી વિગેરે સમસ્ત સૂક્ષ્મ તત્વોનો સૂચક છે. જીવાત્માની ગતિ એના છેવટના સંકલ્પને અનુસરીને થતી હોય છે અને એ ગતિ પ્રાણ દ્વારા જ થતી હોય છે.

ઉપનિષદમાં પ્રાણને પ્રાણીમય કહ્યા છે. એટલે સંકલ્પ પ્રમાણેના પ્રાણમાં રહેનારા સૂક્ષ્મ તત્વોના સમુદાયનો જ ત્યાં શ્રદ્ધાના નામથી ઉલ્લેખ કરવામાં આવ્યો છે. સૌથી પહેલાં શ્રદ્ધાના નામથી જેનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે એનું જ વર્ણન છેવટે પાણીના નામથી થયેલું હોવાથી એ બંનેની વચ્ચે કશું વિરોધ જેવું નથી દેખાતું.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *