Monday, 16 September, 2024

Adhyay 3, Pada 1, Verse 19-21

103 Views
Share :
Adhyay 3,  							Pada 1, Verse 19-21

Adhyay 3, Pada 1, Verse 19-21

103 Views

१९. स्मर्यतेङपि च लोके ।

અર્થ
સ્મર્યતે = સ્મૃતિમાં એવું સમર્થન કરેલું છે.
ચ = અને. 
લોકે =લોકોમાં.
અપિ = પણ. (એ વાત પ્રસિદ્ધ છે.)

ભાવાર્થ
પુરાણ ગ્રંથોમાં યમલોક અથવા નરકનું વર્ણન વિસ્તારપૂર્વક કરવામાં આવ્યું છે. એમાં જનારા જીવોને ભોગવવી પડતી યાતનાઓનો ચિતાર પણ ગ્રંથોમાં સારી રીતે આપવામાં આવ્યો છે. એ લોકમાં અથવા નરકમાં જવું એ જીવની ભયંકર અધોગતિ છે. એમાંથી છૂટીને એ જીવો પુનઃ મૃત્યુલોકમાં પ્રવેશે એ એમની ઉન્નતિ કહી શકાય અને ફરીવાર નરકમાં પ્રવેશે એને એમની અવનતિ તરીકે ઓળખાવી શકાય.

જીવોની કર્માનુસાર થતી એવી અધોગતિનું વર્ણન ગીતા જેવા સ્મૃતિ ગ્રંથમાં જોવા મળે છે અને લોકોમાં પણ પ્રસિદ્ધ છે. એટલે વર્ણન વિશ્વસનીય તથા પ્રમાણભૂત ઠરે છે. ગીતાના ચૌદમાં અધ્યાયમાં જણાવ્યું છે કે ‘સત્વ ગુણમાં સ્થિતિ કરીને મૃત્યુ પામનારા માનવો ઉપરના લોકોમાં જાય છે, રાજસી માનવો વચ્ચે એટલે કે મનુષ્ય લોકમાં જ રહે છે અથવા જન્મે છે, અને તમોગુણની હલકી વૃત્તિમાં રહેનારા માનવો નીચેના લોકોમાં અથવા અધમ મનાતી યોનિઓમાં પ્રવેશે છે.’

उर्ध्व गच्छन्ति सत्त्वस्था मध्ये तिष्ठन्ति राजसाः ।
जधन्यगुणवृत्तिस्था  अधो गच्छन्ति तामसाः ॥

२०. दर्शनाच्च ।

અર્થ
દર્શનાત્ = શ્રુતિમાં પણ એવું વર્ણન જોવા મળે છે એટલા માટે.
ચ=પણ.

ભાવાર્થ
ઉપનિષદમાં પણ જીવોની એવી દુર્ગતિનું અથવા અધોગતિનું વર્ણન સ્પષ્ટ રીતે કરવામાં આવ્યું છે. ઈશાવાસ્ય ઉપનિષદ જણાવે છે કે ‘અસુરોના પ્રસિદ્ધ લોકો દુઃખ, કલેશ તથા અવિદ્યારૂપી ઘોર અંધકારથી ઘેરાયેલા છે. પોતાના આત્માની હત્યા કરનારા મનુષ્યો મર્યા પછી એ લોકોમાં જાય છે.’

असुर्या नाम ते लोका जन्धेन तमसाङङवृताः ।
तास्ते प्रेत्याभिगच्छन्ति ये के आत्महनो जनाः ॥

२१. तृतीयशब्दावरोधः संशोकजस्य ।

અર્થ
સંશોકજસ્ય = પરસેવામાંથી પેદા થનારા જીવોનો.
તૃતીય શબ્દાવરોધઃ = ત્રીજા નામવાળી ઉદ્દભિજ્જ જાતિમાં સમાવેશ સમજવાનો છે.

ભાવાર્થ
છાંદોગ્ય ઉપનિષદમાં જીવોના ત્રણ પ્રકારો કહી બતાવ્યા છે – અંડજ, જીવજ અને ઉદ્દ ભિજ્જ. પરંતુ બીજે ઠેકાણે પરસેવામાંથી પેદા થયેલા સ્વેદજ જીવોનો પણ ઉલ્લેખ જોવા મળે છે. તો પછી છાંદોગ્ય ઉપનિષદના એ કથનમાં સ્વેદજ જીવોનું નામ કેમ નથી, એવા સંભવિત પ્રશ્નના પ્રત્યુત્તરમાં આ સૂત્ર દ્વારા જણાવવામાં આવે છે કે જીવો ચાર જાતના હોય છે એ વાત બરાબર છે, અને છાંદોગ્ય ઉપનિષદમાં કહેલી એમની ત્રણ શ્રેણીઓમાંની ત્રીજી શ્રેણીમાં એટલે કે પૃથ્વીને તોડીને પેદા થનારા ઉદ્દ ભિજ્જ જીવોમાં સ્વેદજ જીવોનો સમાવેશ થઈ જતો હોવાથી એમનો અલગ ઉલ્લેખ નથી કરવામાં આવ્યો. પૃથ્વી અને પાણીના સંયોગથી પેદા થનારા એ બંને જાતના જીવોને એક જ શ્રેણીમાં સમાવી લેવામાં આવ્યા છે તે બરાબર જ છે. એમાં કશું ખોટું નથી થયું.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *