Adhyay 3, Pada 1, Verse 25-27
By-Gujju29-04-2023
Adhyay 3, Pada 1, Verse 25-27
By Gujju29-04-2023
२५. अशुद्धमिति चेन्न शब्दात् ।
અર્થ
ચેત્= જો કહેવામાં આવે કે.
અશુદ્ધમ્ = એવું કર્મ તો અશુદ્ધ કહેવાશે.
ઈતિ ન = તો એવું નથી સમજવાનું.
શબ્દાત્ = શ્રુતિના શબ્દોથી એની નિર્દોષતા સાબિત થાય છે.
ભાવાર્થ
કોઈને એવું કહેવાનું મન થાય કે અનાજના દરેક દાણામાં જીવ રહેતો હોવાથી, અનાજને દળવાનું, રાંધવાનું ને ખાવાનું કામ અશુદ્ધ અથવા પાપકર્મ કહેવાશે, તો તેવું માનવાનું બરાબર નથી. છાંદોગ્ય ઉપનિષદમાં પુરૂષને અગ્નિ તરીકે વર્ણવીને એમાં અન્નને હોમવાનું કહ્યું છે અને અન્નને આરોગવાનું જણાવ્યું છે. ઉપનિષદમાં કહ્યું હોવાથી અન્નને આરોગવાથી કશું પાપકર્મ નથી થતું. એ અન્નની અંદર જીવો સુષુપ્તિ અવસ્થામાં રહેતા હોવાથી એમને આરોગવામાં કશું અમંગલ, અશુદ્ધ કે પાપકર્મ નથી થતું. એ કર્મ જીવનના ધારણ પોષણને માટે અનિવાર્ય હોવાથી દોષરહિત છે અને કરવા જેવું છે.
—
२६. रेतःसिग्योगोङथ ।
અર્થ
એ પછી. રેતઃસિગ્યોગઃ = વીર્યથી સંપન્ન પુરૂષની સાથે એનો સંબંધ થાય છે.
ભાવાર્થ
જે અન્નને આરોગવામાં આવે છે એ અન્નની સાથે એ જીવ પુરૂષની અંદર પ્રવેશીને એના વીર્યમાં દાખલ થાય છે, અને એવી રીતે પુરૂષના વ્યક્તિત્વમાં ભળી જાય છે. એવી રીતે પરલોકમાંથી આવનારો એ જીવ આકાશ જેવા પદાર્થોથી માંડીને અન્ન સુધી અને પછી એ અન્નને આરોગનારા પુરૂષ પર્યંત સંયોગથી એકરૂપ બની જાય છે, છતાં પણ એનું પોતાનું સ્વરૂપ તો સ્વતંત્ર જ રહે છે.
—
२७. योनेः शरीरम् ।
અર્થ
યોનેઃ = સ્ત્રીની યોનિમાં પ્રવેશ્યા પછી.
શરીરમ્ = એ જીવાત્મા શરીરધારી બને છે.
ભાવાર્થ
પુરૂષના વીર્યમાં દાખલ થયેલો જીવ સ્ત્રીની યોનિમાં પ્રવેશીને પોતાના કર્મસંસ્કારોને અનુસરીને શરીરને પ્રાપ્ત કરે છે, અને પોતાના કર્મોના ફળોપભોગને પ્રીત કરે છે. સ્વર્ગથી ઉતરીને પુરૂષના શરીરમાં પ્રવેશ કરતાં સુધી એનો બીજો જન્મ નથી થતો. મનુષ્ય શરીરમાં રહીને એ જે કર્મો કરે છે તે કર્મો પરથી એના સુખદુઃખનો, એના અભ્યુદય અથવા અધઃપતનનો ને જન્મમરણનો નિર્ણય થાય છે. મનુષ્ય શરીરનો મહિમા એવી રીતે ઘણો મોટો છે.
અધ્યાય ૩ – પાદ ૧ સંપૂર્ણ