Sunday, 22 December, 2024

Adhyay 3, Pada 2, Verse 01-02

157 Views
Share :
Adhyay 3,  							Pada 2, Verse 01-02

Adhyay 3, Pada 2, Verse 01-02

157 Views

१. संध्ये सृष्टिराह हि ।

અર્થ
સંધ્યે = સ્વપ્નામાં પણ જાગૃતિની જેમ.
સૃષ્ટિ = સાંસારિક પદાર્થોની રચના થાય છે.
હિ = કારણ કે.
આહ = શ્રુતિ એવું વર્ણવ્યું છે.

ભાવાર્થ
આ સૂત્રમાં પૂર્વપક્ષીની વિચારણા રજૂ કરવામાં આવી છે.

પૂર્વપક્ષી જણાવે છે કે સ્વપ્નદશા દરમિયાન સૃષ્ટિનું અથવા જુદા જુદા પદાર્થોનું ને વિષયોનું દર્શન થાય છે. જીવ એ પદાર્થોની ને વિષયોની રચના કરીને એમની પ્રતિક્રિયા રૂપે સુખદુઃખ અનુભવે છે, ઉપનિષદમાં એ હકીકતનું સમર્થન કરવામાં આવ્યું છે.

બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે કે ‘સ્વપ્નાવસ્થામાં આ જીવાત્મા આ લોકને તથા પરલોકને જુએ છે, ત્યાં આનંદ અને દુઃખ બંનેનો ઉપભોગ કરે છે, અને સ્થૂળ શરીરને સ્વયં સચેત કરીને વાસનામય નવીન શરીરની રચના કરીને જગતને જુએ છે.’ વળી ‘એ અવસ્થામાં સાચેસાચ ના હોવા છતાં પણ રથ, રથને લઈ જનારા વાહન તથા એના માર્ગની અને આનંદ, મોહ, પ્રમાદ તેમ જ કુંડ, સરોવર અને સરિતાની રચના કરી લે છે.’ સ્વપ્નમાં સૃષ્ટિ થાય છે અને એ સૃષ્ટિનો નિર્માતા કે રચયિતા જીવ છે એ બતાવવા માટે આની પછીના બીજા સૂત્રમાં પૂર્વપક્ષી પોતાની વિચારણાને બીજી રીતે રજૂ કરે છે.

२. निर्मातारं चैके पुत्रादयश्च ।

અર્થ
ચ = અને.
એકે = એક શાખાવાળા. 
નિર્માતારમ્ = પુરૂષને કામનાઓનો નિર્માતા પણ માને છે.
ચ = અને (એમના અભિપ્રાય પ્રમાણે)
પુત્રાદયઃ = પુત્રાદિ જ કામ અથવા કામનાના વિષય છે.

ભાવાર્થ
ઉપનિષદનું અધ્યયન કરવાથી સમજાય છે કે એમાં પુરૂષને કામનાઓનો નિર્માતા કહ્યો છે. પુરૂષ સર્વ પ્રકારના ભોગોની રચના કરે છે. કઠ ઉપનિષદમાં જણાવ્યું છે કે ‘આ જુદા જુદા ભોગોની રચના કરનારો પુરૂષ બીજા બધાના સુઈ જવા છતાં જાગતો રહે છે.’
य एष सुप्तेषु जागर्ति कामं कामं पुरूषो निर्मिमाणः ।

એ જ ઉપનિષદ પ્રમાણે પુત્રપૌત્રાદિ કામ અથવા કામનાના વિષય છે. એ વર્ણનથી સિદ્ધ થાય છે કે સ્વપ્નમાં સૃષ્ટિ છે અને એનું સર્જન જીવ કરે છે. આગળના સૂત્રમાં પૂર્વપક્ષીની એ માન્યતાનો ઉત્તર આપવામાં આવે છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *