Adhyay 3, Pada 2, Verse 03-04
By-Gujju29-04-2023
Adhyay 3, Pada 2, Verse 03-04
By Gujju29-04-2023
३. मायामात्रं तु कार्त्स्न्येनानभिव्यक्तस्वरूपत्वात् ।
અર્થ
તુ = પરંતુ.
કાર્ત્સ્ન્યેન = પૂર્ણ રૂપથી.
અનભિવ્યક્તસ્વરૂપત્વાત્ = એના રૂપની અભિવ્યક્તિ ના હોવાને લીધે.
માયામાત્ર્ = એ માયામાત્ર છે.
ભાવાર્થ
સ્વપ્ન સંબંધી ઉપનિષદમાં વર્ણન કરવામાં આવ્યું છે એ વાત સાચી હોવા છતાં એ પણ એટલું જ સાચું છે કે સ્વપ્નમાં રચાતા તથા દેખાતા પદાર્થો સાચા નથી. એ બધા પદાર્થો અને એમની પ્રતિક્રિયાઓ સ્વપ્નાવસ્થા પૂરતી જ મોટે ભાગે મર્યાદિત હોય છે. સ્વપ્નમાં જાતજાતનાં દૃશ્યો દેખાય છે અથવા અનુભવો થાય છે પરંતુ એ દૃશ્યો અથવા અનુભવો અચોક્કસ અને અપૂર્ણ હોય છે. સ્વપ્નની એ સૃષ્ટિ વાસ્તવિક નથી હોતી, માયાવી હોય છે. કર્મફળનો ઉપભોગ કરાવવાને માટે ભગવાનની અચિંત્ય મહિમામયી શક્તિ જીવને એના સંસ્કારો અને એની વાસના પ્રમાણે એવાં સ્વપ્ન દૃશ્યો બતાવે છે અને સુખદુઃખના વિવિધરંગી અનુભવો કરાવે છે. એ વિશે પ્રશ્નોપનિષદમાં જણાવ્યું છે કે ‘જાગ્રત અવસ્થા દરમિયાન, જોયેલી સાંભળેલી અને અનુભવેલી વસ્તુઓને જીવ સ્વપ્નમાં જુએ છે પરંતુ વિચિત્ર રીતે જોયેલી અને સાંભળેલી તથા ના જોયેલી અને ના સાંભળેલી, અનુભવેલી અને ના અનુભવેલી વસ્તુઓને પણ જુએ છે.’ સ્વપ્નની એ આખીયે સૃષ્ટિ ઈન્દ્રજાળ- જેવી આશ્ચર્યકારક અને અવાસ્તવિક છે.
કઠ ઉપનિષદને સારી પેઠે વાંચવા-વિચારવામાં આવશે તો સમજાશે કે એમાં પુત્રપૌત્રાદિ કામ કે કામનાના વિષયનો નિર્માતા જીવાત્માને નથી કહ્યો. એના નિર્માતા કે રચયિતા પરમાત્માને જ કહ્યા છે તે બરાબર છે. જો જીવાત્મા જ નિર્માતા હોત તો પોતાની પસંદગી ને રૂચિ પ્રમાણેના પદાર્થો, વિષયો કે દૃશ્યોની રચના સ્વપ્નદશા દરમિયાન કરી લેત. પરંતુ ખરેખર તેવું નથી થતું. એટલે તો સ્વપ્નાવસ્થામાં જે દૃશ્યોને જોવાનું જીવ જરા પણ પસંદ ન કરે તે દૃશ્યો એની આગળ ઉભાં રહે છે. એને જોવાં પડે છે, ને જે દૃશ્યો એને ગમતાં હોય અને અવલોકવાનું એને અનુકૂળ લાગતું હોય, તે દૃશ્યો એની સમક્ષ ભાગ્યે જ મૂર્તિમંત બને છે. એના પરથી સમજાય છે કે સ્વપ્નનાં જુદાં જુદાં દૃશ્યોને જોવાનું એના હાથમાં નથી હોતું. સ્વપ્ન સૃષ્ટિ પર અબાધિત અધિકાર એકમાત્ર પરમાત્માનો છે.
—
४. सूचकश्च हि श्रुतेराचक्षते च तद्विदः ।
અર્થ
સૂચકઃ = સ્વપ્ન ભાવિના શુભાશુભ પ્રસંગનાં સૂચક.
ચ = પણ હોય છે.
હિ = કેમ કે
શ્રુતેઃ = શ્રુતિથી એ સિદ્ધ થાય છે.
ચ = અને
તદ્વિદઃ = સ્વપ્ન શાસ્ત્રને જાણનારા પણ.
આ ચક્ષતે = એવું જણાવે છે.
ભાવાર્થ
ઉપરના વિવેચન પરથી એવું નથી સમજવાનું કે સ્વપ્ન તદ્દન અર્થ અથવા સારરહિત છે. સ્વપ્નશાસ્ત્રમાં રસ લેનારા અને સ્વપ્નશાસ્ત્રોના પારંગત પુરૂષો જણાવે છે કે સ્વપ્નાવસ્થા સીમિત અને અવાસ્તવિક હોવા છતાં પણ સારરહિત નથી હોતી. સ્વપ્ન કેટલીય વાર પ્રેરક, પથપ્રદર્શક, શાંતિદાયક તથા સૂચક હોય છે. એથી કેટલીકવાર ભૂત તથા ભાવિના પ્રસંગોની ઝાંખી થાય છે તથા સાંકેતિક માહિતી મળે છે.
છાંદોગ્ય ઉપનિષદ કહે છે કે ‘કામકર્મોના પ્રસંગમાં સ્વપ્નોમાં સ્ત્રી દેખાય તો એવા સ્વપ્ન દર્શનને પરિણામે, એના ફળરૂપે સમજવું કે એ કરવામાં આવતા કામ્ય કર્મની સફળતા થશે અને એમાં અભ્યુદય શક્ય બનશે.’
यदा कर्मसु काम्येषु स्त्रियं स्वप्नेषु पश्यति ।
समृद्धि तत्र जानीयात्तस्मिन् स्वप्ननिदर्शने ॥
ઐતેરય ઉપનિષદ પણ જણાવે છે કે ‘સ્વપ્નમાં જો કાળા દાંતવાળો કાળો પુરૂષ દેખાય તો તે સ્વપ્નદર્શન મૃત્યુનું સૂચક છે.’ સ્વપ્નશાસ્ત્ર તથા સ્વપ્નશાસ્ત્રીઓ એવું તો કેટલુંય કહે છે. સ્વપ્નની અસરો કેટલીકવાર જાગૃતિ પર પણ પડતી હોય છે. કોઈક ભયજનક સ્વપ્ન આવે છે ત્યારે માણસ ગભરાઈને બૂમ પાડી ઊઠે છે ને જાગૃતિમાં બૂમ પાડતાં એની પ્રતિક્રિયાને અનુભવે છે. સ્વપ્નમાં સાંપડતા સુખની અને પ્રાપ્ત થતી પ્રસન્નતાની પ્રતિક્રિયાઓ પણ જાગૃતિમાં પડે છે. એટલે સ્વપ્નદશા નિરર્થક છે અથવા એકદમ અસત્ય છે એવું નથી કહી શકાતું. એમાં થોડું ઘણું તથ્ય તો છે જ.