Adhyay 3, Pada 2, Verse 07-08
By-Gujju29-04-2023
Adhyay 3, Pada 2, Verse 07-08
By Gujju29-04-2023
७. तदभावो नाडीषु तच्छ्रुतेरात्मनि च ।
અર્થ
તદભાવઃ = સુષુપ્તિ દશા દરમિયાન એ સ્વપ્ન દૃશ્યનો અભાવ થઈ જાય છે (એ વખતે જીવાત્મા.)
નાડીષુ = નાડીઓમાં (સ્થિત થઈ જાય છે.)
તછ્રુતેઃ = કારણ કે શ્રુતિનું કથન એવું જ છે.
ચ = અને.
આત્મનિ = આત્મામાં પણ (એની સ્થિતિ બતાવી છે.)
ભાવાર્થ
સ્વપ્નાવસ્થા દરમિયાન જીવાત્મા જુદી જુદી જાતનાં સારાં નરસાં દૃશ્યો જુએ છે ને સુખદુઃખાત્મક ભોગો ભોગવે છે. કોઈવાર સ્વપ્નામાંથી જાગે છે તો કોઈવાર સ્વપ્નનો ઉપભોગ કરે છે. એ અવસ્થા કાયમ માટે નથી રહેતી અને સુષુપ્તિ અવસ્થા પણ આવે છે. એ વખતે જીવાત્માનું શું થાય છે ? એ કોઈ પ્રકારનાં દૃશ્યોને તો દેખતો જ નથી. સ્વપ્નાવસ્થામાંના સર્વ દૃશ્યોનો એ વખતે અભાવ થઈ જાય છે. એ એક પ્રકારના ઊંડા આરામનો અનુભવ કરે છે.
બૃહદારણ્યક ઉપનિષદમાં કહ્યું છે કે ‘જીવાત્મા જ્યારે સુષુપ્તિ અવસ્થાના પામે છે ત્યારે કશું પણ જાણતો નથી. એના શરીરમાં આવેલી બોત્તેર હજાર હિતા નામની હૃદયમાંથી નીકળીને સમસ્ત શરીરમાં વ્યાપેલી નાડિઓમાં ફેલાઈને એ સમસ્ત શરીરમાં વ્યાપીને શયન કરે છે.’
છાંદોગ્ય ઉપનિષદમાં જણાવ્યું છે કે ‘જ્યારે એ શયન કરીને કોઈયે પ્રકારનું સ્વપ્ન નથી જોતો અને સર્વ પ્રકારે સુખી થઈને નાડિઓમાં વ્યાપી જાય છે ત્યારે એને કોઈ પણ પાપ નથી સ્પર્શી શકતું.’ છાંદોગ્ય ઉપનિષદ એવું પણ જણાવે છે કે ‘એ સુષુપ્તિ દરમિયાન આ પુરૂષ સત્ થી સંપન્ન બને છે.’
એનો અર્થ એવો થયો કે સુષુપ્તિ દશા દરમિયાન જીવાત્મા નાડિઓના મૂળ જેવા હૃદયમાં શયન કરે છે. પરંતુ એ દશાને સમાધિની દશા નથી સમજવાની. સમાધિની દશા તો જુદી છે. સુષુપ્તિ દશા ગમે તેવી સુખકારક હોવા છતાં પણ તામસી કહેવાય છે, એ ખાસ ધ્યાનમાં રાખવાનું છે. સમાધિની દશા શુદ્ધ સત્વગુણની ઊંચી દશા છે. સમાધિની અલૌકિક અવસ્થાની જેમ સુષુપ્તિની અવસ્થા મુક્તિમાં સહાયક છે એવું નથી સમજવાનું. સુષુપ્તિની અવસ્થા અજ્ઞાનમયી છે અને સમાધિની પરમ જ્ઞાનમયી.
પ્રશ્નોપનિષદમાં જણાવ્યું છે કે ‘મન જ્યારે તેજથી અથવા ઉદાનવાયુથી દબાઈ જાય છે, ઉદાનવાયુ ઈન્દ્રિયો સાથે મનને હૃદયમાં લઈ જઈને મોહિત કરી દે છે, ત્યારે એની સુષુપ્તિદશા થાય છે. એ વખતે એ સ્વપ્નને નથી જોતો. જીવાત્માને એ વખતે શરીરમાં સુષુપ્તિજન્ય સુખ મળે છે.
છાંદોગ્ય ઉપનિષદમાં વર્ણવ્યું છે કે ‘એ વખતે એ તેજથી સંપન્ન થાય છે.’ ત્યાં તેજ એટલે ઉદાનવાયુ એવું સમજવાનું છે, પરમાત્મા નથી સમજવાનું. પ્રશ્નોપનિષદમાં ઉદાનવાયુ તથા તેજની એકતા કહી બતાવવામાં આવી છે. એવું સમજવાથી છાંદોગ્ય ઉપનિષદના તથા પ્રશ્નોપનિષદના વર્ણનમાં કશો વિરોધ નહિ દેખાય.
—
८. अतः प्रबोधोङस्मात् ।
અર્થ
અતઃ = એટલા માટે.
અસ્માત્ = અહીંથી.
પ્રબોધઃ = જીવાત્માની જાગૃતિ (શ્રુતિમાં કહેલી છે.)
ભાવાર્થ
સુષુપ્તિ દશામાં જીવાત્માની સ્થિતિ પરમાત્માની સાથે હૃદયપ્રદેશમાં થાય છે એવું કહ્યું છે એ સુષુપ્તિ દશાનો જ્યારે અંત આવે છે ને જીવાત્મા જાગ્રત થાય છે ત્યારે હૃદય પ્રદેશમાંથી જ જાગ્રત થાય છે એટલે એનું શાંત થવાનું સ્થાન પણ એ જ છે. એની જાગૃતિની પાછળ પરમાત્માની વ્યવસ્થા શક્તિ કામ કરતી હોય છે. એ વ્યવસ્થા શક્તિને અનુસરીને સુષુપ્તિનો સમય પૂરો થતાં જીવાત્મા જાગૃતિ દશામાં પાછો આવે છે.