Sunday, 22 December, 2024

Adhyay 3, Pada 2, Verse 09-10

132 Views
Share :
Adhyay 3,  							Pada 2, Verse 09-10

Adhyay 3, Pada 2, Verse 09-10

132 Views

९. स एव तु कर्मानुस्मृतिशब्दविधिभ्यः ।

અર્થ
તુ = નિઃસંદેહ.
સ એવ = એ જ જાગે છે. 
કર્માનુસ્મૃતિશબ્દવિધિભ્યઃ = કારણ કે કર્મ, અનુસ્મૃતિ, વેદપ્રમાણ અને કર્મ કરવાની આજ્ઞા એ સર્વની સિદ્ધિ ત્યારે જ થશે. એટલે એવું માનવું જ બરાબર છે.

ભાવાર્થ
કોઈને એવી જિજ્ઞાસા થવાનો સંભવ છે કે, જે જીવાત્મા સુષુપ્તિ અવસ્થાનો અનુભવ કરે છે તે જ તેમાંથી જાગે છે કે પછી તેને બદલે શરીરના અંગપ્રત્યંગમાં પડેલો કોઈક બીજો જ જીવ જાગે છે ? એ જિજ્ઞાસાના જવાબમાં જણાવવાનું કે કોઈ બીજો જીવ નથી જાગતો પરંતુ જે નિદ્રાધીન બને છે ને સુષુપ્તિ અવસ્થાને અનુભવે છે તે જ જાગે છે. શરીરમાં રહેનાર જીવાત્મા અનેક નથી પરંતુ એક જ છે. કર્મ કરનાર અને કર્મનાં જુદાં જુદાં ફળોનો ઉપભોગ કરનાર જીવાત્મા એક જ છે. માટે તેને કરેલાં કર્મોને માટે જવાબદાર માનવામાં આવે છે. એથી સિદ્ધ થાય છે કે સુષુપ્તિનો અનુભવ કરનાર અને એમાંથી જાગ્રત બનનાર જીવાત્મા એક જ છે. જાગ્યા પછી જે સ્મૃતિ થાય છે તેના પરથી પણ એ હકીકતને પુષ્ટિ મળે છે. માણસ કહે છે કે હું સુખપૂર્વક સુતો, મને સારી નિદ્રા આવી. એના પરથી સાબિત થાય છે કે જાગ્રત થનાર અને સુઈ જનાર એક જ છે. જેને સુખ શાંતિપૂર્વક નિદ્રા આવી છે તે જ તેમાંથી જાગ્રત બનીને પોતાના અનુભવને કહી બતાવે છે.

ઉપનિષદોમાં પણ જે સુઈ જાય છે તે જ જાગે છે એવું ઠેકઠેકાણે પ્રસંગને અનુસરીને જણાવવામાં આવ્યું છે. એ ઉપરાંત શાસ્ત્રોએ આપેલી કર્મ કરવાની આજ્ઞા પણ ત્યારે જ સફળ અથવા સાર્થક થઈ શકશે જ્યારે જે જીવને કર્મ કરવાની આજ્ઞા કરવામાં આવી છે તે જીવ જાગ્રત બનીને એ આજ્ઞાનું અનુસરણ કરે ને કર્મ કરે. એ બધી વિચારણા પરથી માનવાને કારણ મળે છે કે સુષુપ્તિમાં સુખપૂર્વક શયન કરનારો જીવ જ જાગ્રત બને છે; એને બદલે કોઈક બીજો જીવ જાગ્રત નથી બનતો.

१०. मुग्धे ङर्द्धसम्पत्तिः  परिशेषात् ।

અર્થ
મુગ્ધે = મૂર્છા વખતે.
અર્ધસમ્પત્તિઃ = અધુરી સુષુપ્તિ અવસ્થા માનવી જોઈએ.
પરિશેષાત્ = એના સિવાય બીજી કોઈ અવસ્થા શેષ નથી રહેતી એટલા માટે.

ભાવાર્થ
મનુષ્યને કોઈકવાર કોઈ ઔષધિ અથવા વ્યાધિથી કે બીજા કોઈક પ્રયોગોને લીધે અચેતાવસ્થાની પ્રાપ્તિ થાય છે. ત્યારે પણ બાહ્ય જગતનું જ્ઞાન કે ભાન નથી રહેતું, કોઈ સ્વપ્ન નથી દેખાતું, અથવા સુખનો અનુભવ પણ નથી થઈ શકતો. એ અચેતાવસ્થાને અર્ધ સુષુપ્તિ અવસ્થા કહી શકાય. એવી અવસ્થા કાંઈ કાયમને માટે અને સૌ કોઈને નથી મળતી. એ દરમિયાન કોઈ પ્રકારનો સુખલાભ પણ નથી થતો. એથી ઉલટું એવી અવસ્થા દુઃખદ અને સ્વાસ્થ્ય તથા શક્તિનો હ્રાસ કરનારી થઈ પડે છે. એ અવસ્થા આદર્શ અથવા આશીર્વાદરૂપ તો નથી જ.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *