Sunday, 22 December, 2024

Adhyay 3, Pada 2, Verse 11-12

137 Views
Share :
Adhyay 3,  							Pada 2, Verse 11-12

Adhyay 3, Pada 2, Verse 11-12

137 Views

११. न स्थानतोङपि  परस्योभयलिङ्गं सर्वत्र हि ।

અર્થ
સ્થાનતઃ = સ્થાનના સંબંધથી.
અપિ= પણ.
પરસ્ય = પરમાત્માનો કોઈ પ્રકારના દોષ સાથે સંસર્ગ નથી થતો.
હિ = કારણ કે
સર્વત્ર = સઘળાં વેદવાક્યોમાં એ પરમાત્માને.
ઉભયલિંગમ્ – બંને પ્રકારનાં લક્ષણોથી સંપન્ન અથવા સર્વે દોષોથી રહિત નિર્વિશેષ અને સર્વે દિવ્ય ગુણોથી સંપન્ન કહ્યા છે.

ભાવાર્થ
પરમાત્માની આરાધનાથી અથવા પરમાત્માના ચિંતનમનન અને ધ્યાનથી જીવ દેહાધ્યાસમાંથી મુક્તિ મેળવીને કૃતાર્થ, મુક્ત તથા પૂર્ણ બને છે એવું આ પહેલાં કહેવાઈ ગયું છે; તો પછી એના અનુસંધાનમાં સ્વાભાવિક રીતે જ જાણવાની ઈચ્છા થાય કે પરમાત્મા કેવા છે અને એમનું વાસ્તવિક સ્વરૂપ કેવું છે ! ઉપનિષદોમાં ક્યાંક તો એમને નિર્વિશેષ નિર્ગુણ કહ્યા છે તો ક્યાંક સગુણ, સર્વેશ્વર, સર્વજ્ઞ, સાક્ષી અને સૌના સર્જન તેમ જ વિસર્જનના કારણ કહ્યા છે. ક્યાંક ક્રિયાશીલ તો ક્યાંક અક્રિય, ક્યાંક હૃદયમાં સ્થિતિ, અંગુષ્ઠમાત્ર તો ક્યાંક સર્વવ્યાપક જણાવ્યા છે. તો પછી એમના સંબંધી સાચું શું સમજવું ? આ સૂત્ર દ્વારા એની સ્પષ્ટતા કરવામાં આવે છે.

ઉપનિષદોમાં જુદે જુદે ઠેકાણે પરમાત્માને નિર્ગુણ અને નિર્વિશેષ કહેવાની સાથે સાથે દૈવી ગુણોથી સંપન્ન પણ કહ્યા છે. એ ગુણો જીવાત્મા તથા પ્રકૃતિના નથી પરંતુ પરમાત્મા જ છે. એવું માનવામાં કશો દોષ પણ નથી. કારણ કે પરમાત્મા જેમ સર્વ પ્રકારના દોષોથી રહિત અથવા નિર્વિશેષ છે તેમ દિવ્ય અલૌકિક અનેકવિધ ગુણોથી સંપન્ન પણ છે. એ જેમ હૃદયમાં રહેલા અને અંગુષ્ઠમાત્ર છે તેમ સમસ્ત વિશ્વમાં વ્યાપક છે. એ દુન્યવી વસ્તુઓથી તદ્દન વિલક્ષણ હોવાથી એમનો વિચાર દુન્યવી રીતે કદાપિ ના કરી શકાય.

એટલે એમની આરાધના અભિરૂચિને અનુસરીને ગમે તે રીતે થઈ શકે. એ આરાધના જીવનને પરમાત્મામય બનાવનારી ને પરમાત્માભિમુખ કરીને પરમાત્માની પાસે પહોંચાડનારી હોવી જોઈએ.

१२. न भेदादिति चेन्न प्रत्येकमतद्वचनात् ।

અર્થ
ચેત્ = જો કહેતા હો કે. 
ભેદાત્ = સગુણ (અપરબ્રહ્મ કે કાર્યબ્રહ્મ) અને નિર્ગુણ (પરબ્રહ્મ) એ બંનેનાં જુદાં જુદાં બે સ્વરૂપો માન્યાં છે એટલે. (એ એક જ પરમાત્મા બે લક્ષણવાળા)
ન = ના હોઈ શકે.
ઈતિ ન = તો એવું નથી સમજવાનું.
પ્રત્યેકમ્ અતદ્દ વચનાત = કારણ કે પ્રત્યેક શ્રુતિમાં એથી વિપરીત એક પરમાત્માને જ બંને જાતનાં લક્ષણોવાળા કહેલા છે.

ભાવાર્થ
જેવી રીતે એક જ સિક્કાનાં બે પાસાં હોય છે તેવી રીતે પરમાત્મા નિર્ગુણ તથા સગુણ, નિર્વિશેષ અને સવિશેષ તથા સાકાર અને નિરાકાર તથા અણુ અને વિભુ છે. તો પણ જો કોઈ એવું કહેતું હોય કે ‘એવું નથી ને ઉપનિષદોમાં જે વર્ણન છે એનો ભાવાર્થ જુદો છે, એટલે કે પરમાત્માને સર્વ પ્રકારના શ્રેષ્ઠ ગુણોથી સંપન્ન કહ્યા છે ત્યાં માયા વિશિષ્ટ કાર્યબ્રહ્મનું અથવા અપરબ્રહ્મનું વર્ણન છે અને એમના નિર્વિશેષ સ્વરૂપનું પ્રતિપાદન કરવામાં આવ્યું છે ત્યાં પરમાત્માનું વર્ણન છે. એવી રીતે બંનેનું અલગ અલગ વર્ણન હોવાથી બંને પ્રકારનાં લક્ષણો એકનાં નથી એટલે પરમાત્માને બંને પ્રકારના લક્ષણોવાળા માનવા બરાબર નથી.’ તો એવું કથન ઠીક નથી. કારણ કે બૃહદારણ્યક ઉપનિષદ તથા માંડૂક્ય ઉપનિષદમાં પરમાત્માને સર્વે પ્રકારના દિવ્ય ગુણોથી સંપન્ન તથા નિર્વિશેષ કહ્યા છે.

શ્વેતાશ્વતર ઉપનિષદમાં પરમાત્માને સ્વયંપ્રકાશ અને માયાથી પર જણાવ્યા છે. એ ઉપરાંત એમને આકાર અને દોષથી રહિત કહેવાની સાથે સાથે સર્વ સ્થળે મુખ તેમ જ મસ્તક જેવાં જુદાં જુદાં અંગોવાળા વર્ણવ્યા છે. એ સૌની ઉપર શાસન કરનારા, મહાન, સૌના પ્રેરક, પવિત્ર ને જ્ઞાનસ્વરૂપ, સૌ ઈન્દ્રિયોથી યુક્ત તેમ જ સૌ ઈન્દ્રિયોથી રહિત અને સૌના એકમાત્ર આશ્રય કહી બતાવ્યા છે. એવી રીતે ઉપનિષદમાં પરમાત્માનું બંને પ્રકારનું વર્ણન જોવા મળે છે. ત્યાં અપરબ્રહ્મ અથવા કાર્યબ્રહ્મનું વર્ણન નથી કરવામાં આવ્યું. એના પરથી ફલિત થાય છે કે પરમાત્મા બંને પ્રકારનાં લક્ષણોવાળા છે. બંને પ્રકારનાં લક્ષણોથી સંપન્ન થવાનો એમનો સ્વભાવ જ છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *