Sunday, 22 December, 2024

Adhyay 3, Pada 2, Verse 13-15

138 Views
Share :
Adhyay 3,  							Pada 2, Verse 13-15

Adhyay 3, Pada 2, Verse 13-15

138 Views

१३. अपि चैवमेके  ।

અર્થ
અપિ ચ = એ ઉપરાંત.
એકે = કોઈ એક શાખાવાળા (વિશેષરૂપે.)
એવમ્ = એવી રીતે સમર્થન કરે છે.

ભાવાર્થ
તૈત્તિરીય ઉપનિષદમાં પરમાત્માનું વર્ણન કરીને પરમાત્માનાં બંને પ્રકારના લક્ષણોનું વર્ણન કરવામાં આવ્યું છે. એથી પરમાત્મા સગુણ પણ છે અને નિર્ગુણ પણ છે એવું સાબિત થાય છે. એ ઉપનિષદમાં પરમાત્મામાંથી જગતની ઉત્પત્તિ થાય છે એવું કહેવા ઉપરાંત પરમાત્માને સત્ય, જ્ઞાન અને અનંત કહ્યા છે. એમને રસસ્વરૂપ તથા સૌને આનંદ આપવાવાળા જણાવ્યા છે. એ ઉપરાંત એમનાં નિર્વિશેષ લક્ષણો વર્ણવીને જણાવ્યું છે કે ‘એના જ ભયથી વાયુ ચાલે છે, સૂર્ય ઉદય પામે છે, અને અગ્નિ, ઈન્દ્ર તથા પાંચમું મૃત્યુ પોતપોતાના કાર્યમાં પ્રવૃત્ત થાય છે.’

१४. अरूपवदेव हि तत्प्रधानत्वात् ।

અર્થ
હિ = કેમકે.
અરૂપવત્ = રૂપરહિત  નિર્વિશેષ લક્ષણોની પેઠે.
એવ = જ.
તત્પ્રધાનત્વાત્ = એ સગુણ સ્વરૂપનાં લક્ષણોની પણ પ્રધાનતા હોવાથી (સિદ્ધ થાય છે કે પરમાત્મા બંને લક્ષણોવાળા છે.)

ભાવાર્થ
ઉપનિષદોમાં એક બાજુએ પરમાત્માને નિર્ગુણ નિરાકાર કહી બતાવનારાં વચનો જોવા મળે છે તો બીજી બાજુએ સગુણ સાકાર જણાવનારાં વાક્યો પણ ઓછાં નથી મળતાં. જો પરમાત્મા કોઈ એક જ પ્રકારનાં લક્ષણોવાળા હોત તો તેમને તેવા જ કહેવામાં આવત અને બીજા પ્રકારનાં લક્ષણોવાળા ના કહેવામાં આવત. એમને નિર્ગુણ કહેવાની સાથે જ સર્વગુણસંપન્ન પણ કહ્યા છે. એના પરથી ફલિત થાય છે કે પરમાત્મા  ઉભયવિધ છે. અને એ બરાબર જ છે. કારણ કે એ અમુક જ જાતના છે અને અમુક જાતના નથી એવું કહીએ તો એમની મર્યાદા બાંધવી પડે અને એ સર્વસમર્થ છે એવું ના કહી શકાય. એવું કથન શાસ્ત્રસંગત ના થાય, કારણ કે શાસ્ત્રોએ એમને સર્વસમર્થ કહ્યા છે. એટલે એમને સવિશેષ-નિર્વિશેષ, સગુણ-નિર્ગુણ, સાકાર-નિરાકાર સર્વ પ્રકારના માનવાનું જ બરાબર છે. 

१५. प्रकाशवच्चावैयर्थ्यात् ।

અર્થ
ચ = અને.
પ્રકાશવત્ = પ્રકાશની પેઠે.
અવૈયર્થ્યાત્ = બંનેમાંથી કોઈપણ લક્ષણ અથવા એમનું પ્રતિપાદન કરનારૂં વેદવચન વ્યર્થ નથી માટે.
(પરમાત્મા બંને લક્ષણોવાળા છે એવું સિદ્ધ થાય છે.)

ભાવાર્થ
અગ્નિ, વીજળી જેવા જ્યોતિનાં બે રૂપ હોય છે : એક વ્યક્ત અને બીજું અવ્યક્ત. એક પ્રત્યક્ષ અને બીજું અપ્રત્યક્ષ. એક પ્રકટ અને બીજું અપ્રકટ. એ બંને રૂપો સાચાં છે. સૂર્ય અને ચંદ્રનું એક રૂપ આપણી સામે ને પ્રત્યક્ષ હોય છે. એનો અર્થ એવો નથી કે એનું જે બીજી બાજુનું રૂપ આપણને દેખાતું જ નથી તે રૂપ છે જ નહિ. આપણે જોઈ શકતા હોઈએ કે ના જોઈ શકતા હોઈએ તો પણ તે રૂપ પણ એટલું જ વાસ્તવિક છે. એ રૂપનો ઈન્કાર કદાપિ ના કરી શકાય. તે પ્રમાણે શ્રુતિએ પરમાત્માનાં બંને પ્રકારનાં રૂપોનું વર્ણન કરેલું છે. એ વર્ણનને વ્યર્થ ના માની શકાય. શ્રુતિના એ વર્ણનમાં વિશ્વાસ રાખીને અને એને પ્રમાણભૂત તથા વાસ્તવિક માનીને પરમાત્માને સગુણ-નિર્ગુણ અને સાકાર-નિરાકાર બંને પ્રકારના માનવા જોઈએ. શ્રુતિના પરમાત્મા વિષયક વચનોની સાર્થકતા એમાં જ સમાયલી છે.

Share :

Leave a comment

Your email address will not be published. Required fields are marked *